સોલો માનવ : માનવ-ઉત્ક્રાંતિ પૈકીના પ્રાગ્ઐતિહાસિક કાળ દરમિયાનનો એક માનવપ્રકાર. 1931–1932માં જાવાના અંગાનદોંગ સ્થળ ખાતેથી પસાર થતી સોલો નદીના સીડીદાર ઢોળાવોમાંથી માનવખોપરીના 11 અવશેષો (જેમાં ચહેરાના અસ્થિભાગો ન હતા.) તથા પગના 2 અસ્થિ-અવશેષો મળેલા. આજના માનવની 1,350 ઘન સેમી. કદની ખોપરીની સરખામણીમાં સોલો માનવની ખોપરીનું કદ 1,150થી 1,300 ઘન સેમી. જેટલું હતું. ખોપરીઓની બાહ્ય આકારિકી સપાટ હતી, તેનાં અસ્થિઓની જાડાઈ વધુ હતી. ભવાંધારો ભારે હતી, પગનાં અસ્થિ આજના માનવ-પગનાં અસ્થિ જેવાં જ હતાં. ખોપરીની નીચેની ધારો તૂટેલી હતી, જે સંભવિતપણે સૂચવે છે કે મગજનો ભાગ ખાવાના ઉપયોગમાં લેવાતો હશે !

સોલો માનવનું વય વર્તમાન પૂર્વે 15,000થી 20,000 વર્ષો અગાઉ વીતી ગયેલા છેલ્લા હિમયુગ વખતનું અર્થાત્ ઊર્ધ્વ પ્લાયસ્ટોસીનનું નિર્ધારાયું છે. સોલો માનવને જાવા માનવ અને પૅકિંગ માનવનો સમકાલીન ગણ્યો છે, તેના પરથી કેટલાક વિદ્વાનો તેને એશિયામાંથી મળેલા હોમો ઇરેક્ટસ(ટટ્ટાર અંગસ્થિતિ ધારક માનવ)ની અંતિમ સમયકક્ષામાં મૂક્યો છે અને ‘હોમો ઇરેક્ટસ સોલોએન્સિસ’ નામ આપ્યું છે. બીજા કેટલાક તેને પ્રારંભિક હોમો સેપિયનના પ્રદેશભેદે મળતા એક અલગ પ્રકાર તરીકે ગણાવે છે; એટલું જ નહિ, પણ તેને યુરોપમાં તથા આફ્રિકામાં અનુક્રમે તે વખતે અસ્તિત્વ ધરાવતા નિયેન્ડરતલ અને રહોડેશિયન માનવપ્રકારોમાં મૂકે છે. આ સોલો માનવ-અવશેષોને ‘જાવાન્થ્રોપસ’ જેવું પ્રજાતિ નામ અપાયેલું છે.

ગિરીશભાઈ પંડ્યા