સોમનાથ : જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકામાં આવેલું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન : તે 20° 53´ ઉ. અ. અને 70° 24´ પૂ. રે. પર વેરાવળથી માત્ર આઠ કિમી. દૂર અરબી સમુદ્રને કાંઠે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં આવેલું છે.

ભારતનાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ ક્રમે આવતું જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આવેલું હોવાથી હિન્દુઓનું પ્રખ્યાત તીર્થધામ ગણાય છે. આ સ્થળ ‘પાટણ’, ‘દેવપાટણ’, ‘પ્રભાસપાટણ’ અને ‘સોમનાથ પાટણ’ જેવાં જુદાં જુદાં નામોથી જાણીતું બનેલું છે. ભારતભરમાંથી હજારો યાત્રાળુઓ અહીં દર્શન નિમિત્તે આવે છે. અહીં અરબી સમુદ્ર પાસે સરસ્વતી, હિરણ અને કપિલા નદીઓનો ત્રિવેણીસંગમ થાય છે, તેથી પ્રભાસક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે. અહીંના ત્રિવેણીસંગમ ખાતે સ્નાન કરવાનું ખૂબ માહાત્મ્ય ગણાય છે. મહાભારતના કાળ દરમિયાન યુદ્ધ બાદ યાદવાસ્થળી થતાં યાદવો કપાઈ મર્યા તેથી ખિન્ન થયેલા શ્રીકૃષ્ણ આરામ માટે અહીંના પીપળાના વૃક્ષને અઢેલીને ધ્યાનમગ્ન બેઠેલા હતા ત્યારે તેમને હરણ માનીને એક પારધીએ દૂરથી બાણ છોડીને તેમને મારી નાખ્યા હતા. આ સ્થળ દેહોત્સર્ગ અથવા ભાલકાતીર્થ તરીકે ઓળખાય છે.

સોમનાથ મંદિરનું લિંગ સ્વયંભૂ હોવાનું મનાય છે. તેની કોઈએ સ્થાપના કરી હોય એવું જાણવા મળતું નથી. સત્યયુગમાં તે ભૈરવેશ્વર, ત્રેતાયુગમાં તે શ્રવણીકેશ્વર, દ્વાપરયુગમાં તે ગલવેશ્વર અને કલિયુગમાં તે સોમનાથ તરીકે ઓળખાતું રહ્યું છે. જૂના વખતમાં પ્રભાસપાટણ તરીકે આ સ્થળ પવિત્ર નદી, નારી, અશ્વ, સોમનાથ અને હરિદર્શન એમ પાંચ બાબતો માટે પ્રખ્યાત હતું.

સોમનાથ મંદિર, જિલ્લો જૂનાગઢ

દંતકથા અનુસાર સોમનાથની ઉત્પત્તિ આ રીતે થઈ હોવાનું કહેવાય છે : દક્ષ પ્રજાપતિને 27 પુત્રીઓ હતી, તેમનાં લગ્ન ચંદ્ર સાથે થયાં હતાં. તે પૈકી રોહિણી પ્રત્યે ચંદ્રને વધુ પ્રેમ હતો. આથી બાકીની 26 દક્ષપુત્રીઓએ આ બાબતની પિતાને ફરિયાદ કરેલી. આ અંગે દક્ષે ચંદ્રને સલાહ આપેલી; પરંતુ ચંદ્રે તેમની અવગણના કરતાં દક્ષે તેને ક્ષય રોગ લાગુ પડશે એવો શાપ આપેલો. શાપની અસર થતાં ચંદ્રને પશ્ચાત્તાપ થયો. તેણે બધાં તીર્થોની યાત્રા કરી અને શિવની ભક્તિપૂર્વક ઉપાસના કરી. શિવ પ્રસન્ન થયા અને દર પંદર દિવસ માટે તે ક્ષયથી મુક્ત રહેશે અને પૂર્ણપણે પ્રભાવી થતો જશે એવું વરદાન આપ્યું. આ સ્થળ તે પછીથી પ્રભાસ તરીકે જાણીતું થયું. ચંદ્રે આ ઉપકારને કારણે સોનાનું શિવમંદિર બંધાવ્યું. ચંદ્ર સોમ તરીકે પણ ઓળખાતો હોવાથી આ સ્થળ તે પછીથી સોમનાથ તરીકે પ્રસિદ્ધ થયું.

તીર્થસ્થળ હોવા ઉપરાંત તે બંદર પણ હતું. રાતા સમુદ્રનાં, ઈરાની અખાત પરનાં અને પૂર્વ આફ્રિકાનાં બંદરો સાથે સોમનાથનો બહોળો વેપાર ચાલતો. આ વિદેશી સ્થળોમાંથી ઘોડા, ખજૂર, લવિંગ જેવી વસ્તુઓની આયાત થતી. સૂરતના ઉદય પૂર્વે, મક્કા અને મદીનાના મુસ્લિમોનાં ધાર્મિક સ્થળોના પ્રવાસ માટે સોમનાથ મુખ્ય બંદર હતું. તે શૈવધર્મના પાશુપત સંપ્રદાયનું પણ મહત્વનું મથક હતું.

સોમનાથ બંદરેથી થતા વેપાર તેમજ મંદિરની આવકથી લોભાઈને મુસ્લિમોના આક્રમણનું તે ભોગ બન્યું હતું. અફઘાનિસ્તાનના સુલતાન મહમ્મદ ગઝનવીએ 1026માં સોમનાથ પર ચડાઈ કરેલી. પૂજારીઓએ મંદિરને બચાવવા માટે તેને પુષ્કળ ધન આપવા માંડ્યું; પરંતુ તે ધર્માંધ હોવાથી તેણે જ્યોતિર્લિંગ તથા મંદિરની ઇમારતને તોડી નાખ્યાં હતાં. મંદિર તેમજ શહેરને લૂંટી તે પાછો ફર્યો. તે પછી મુઝફ્ફરશાહ પહેલાએ અને તેના પૌત્ર અહમદશાહે પણ મંદિરનો ધ્વંસ કરી નાખેલો. દંતકથા પ્રમાણે સોમરાજે આ મંદિર સોનાનું બંધાવેલું.

મૂળ મંદિર ઈ. સ.ના પ્રથમ સૈકામાં બંધાયું હોવાનું મનાય છે. આ મૂળ મંદિરના સ્થાને બીજી વાર ઈ. સ. 649માં ફરીથી તેનું બાંધકામ થયેલું. આઠમી સદીના પહેલા ચરણ દરમિયાન આ મંદિરની ભારતભરમાં ખ્યાતિ પ્રસરી હતી. ત્રીજી વખત ઈ. સ. 800માં લાલ પથ્થરોથી તેને ફરી બાંધવામાં આવેલું. 6–1–1026ના દિવસે મહમ્મદ ગઝનવીએ અહીંનો કિલ્લો જીતી લઈ મંદિરને તોડીને બાળી નાખેલું. 1114માં સોલંકીયુગ દરમિયાન કુમારપાળના શાસન વખતે પાશુપતાચાર્ય ભાવબૃહસ્પતિએ પાંચમી વખત તેનું મૂળ સ્થાને નિર્માણ કરાવેલું તથા મંદિરના શિખર પર સુવર્ણ કળશની સ્થાપના કરેલી. 1296માં અલ્લાઉદ્દીન ખલજીએ પોતાના લશ્કર દ્વારા હુમલો કરી લિંગના ટુકડા કરેલા, આ ટુકડા દિલ્હી લઈ જવાયેલા. તે પછી જૂનાગઢના રાજા મહિપાલે તેનો પુનરુદ્ધાર કરેલો. તેના પુત્ર ખેંગારે 1325–1351 દરમિયાન તેમાં શિવલિંગની સ્થાપના કરેલી. 1469માં મહમ્મદ બેગડાએ લિંગની પૂજા થતી હોવાનું જાણી મંદિરના સ્થાને મસ્જિદ બંધાવી. 1783માં ઇંદોરના હોલકરની રાણી અહલ્યાબાઈએ જૂના મંદિરથી થોડે દૂર નવું મંદિર બંધાવેલું. શિવલિંગની સ્થાપના ભોંયરામાં કરી અને ઉપરના ભાગે નવા મંદિરની સ્થાપના કરી.

1947માં ભારત આઝાદ થતાં ચાલુક્યશૈલી અનુસાર સરદાર વલ્લભભાઈ પટેલ, ક. મા. મુનશી તથા જામનગરના જામસાહેબની પ્રેરણાથી નવા મંદિરનું નિર્માણ કર્યું. 1951–1961 દરમિયાન તેનું બાંધકામ પૂર્ણ થતાં તેને ‘કૈલાસ મહામેરુપ્રાસાદ’ નામ આપવામાં આવ્યું. ભારતભરમાંથી વિદ્વાનોને આમંત્રણ આપી તેમના સહકારથી મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ મંદિરનું શિખર 52.5 મીટર (175 ફૂટ) ઊંચું છે. 11 મે, 1951ના રોજ રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદને હસ્તે અહીં જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી.

સોમનાથમાં સોલંકીયુગ પૂર્વેનું સૂર્યમંદિર, કાઝીની મસ્જિદ (902), મુઝફ્ફરશાહ મસ્જિદ (902), સુલતાન અહમદશાહનો લેખ (950), મોટા દરવાજા પાસેનો શિલાલેખ, માંગરોળી શાહનો મકબરો, શહીદની કબરનો શિલાલેખ, રુદ્રેશ્વર મહાદેવનું મંદિર, પ્રભાસની મિનારાવાળી મસ્જિદ (ત્રીજી સદી), પ્રાચીન ગુફાઓ (ત્રીજી સદી), વતેશ્વર મહાદેવનું મંદિર (સાતમી સદી), દૈત્યસૂદન મંદિર (સાતમી સદી), શશીભૂષણ મૈનપુરી મસ્જિદ, સંગ્રહસ્થાનનું જૂનું મકાન, 1169, ભદ્રકાળીનું મંદિર (બારમી સદી), બારમી સદીનું સ્થાપત્ય ધરાવતું તળાવ તથા જૈનમંદિરો  આ બધાં વિવિધ કાળનાં સ્મારકો અહીં જોવા મળે છે.

કાર્તિકી પૂર્ણિમાને દિવસે અહીં ત્રિપુરાન્તકનો મેળો ભરાય છે, તે સુદ ચૌદશથી વદ બીજ સુધી ચાલુ રહે છે. અંદાજે લાખ માણસો મેળામાં ભાગ લે છે. કાર્તિકસ્વામીના જન્મદિવસની અહીં ઉજવણી થાય છે. ભાવિકો ત્રિવેણીસંગમના સ્થાને સ્નાન કરી મહાદેવની પૂજા કરે છે. મંદિરથી થોડેક દૂર શ્રીકૃષ્ણના દેહોત્સર્ગનું સ્થાનક આવેલું છે. સંગમના સ્થળે ચૈત્ર અને ભાદરવામાં લોકો પિતૃશ્રાદ્ધ કરે છે. સોમનાથમાં વૈષ્ણવ સંપ્રદાયના શ્રીમદવલ્લભાચાર્યે શ્રીમદભગવત પર પ્રવચન આપેલું. અહીં તેમની બેઠક પણ આવેલી છે. નજીકમાં લક્ષ્મીનારાયણ તેમજ મહાકાળીનાં મંદિર આવેલાં છે. શ્રીકૃષ્ણના મૃત્યુ પછી, દ્વારકાના વિનાશ બાદ શેષનાગના અવતાર ગણાતા બલરામ પાતાળમાં પ્રવેશ કરી અદૃશ્ય થયા હતા ત્યાં બલરામ ગુફા આવેલી છે. મંદિરથી થોડે દૂર સોમનાથ ટ્રસ્ટ તરફથી ભવ્ય ગીતામંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. તેના અઢાર સ્તંભો પર ગીતાના અઢાર અધ્યાય લખેલા છે. સોમનાથ ટ્રસ્ટે અહીં બે વિશ્રામગૃહો પણ બંધાવ્યાં છે.

1991 મુજબ સોમનાથ શહેરની વસ્તી 23,230 જેટલી હતી. ત્યારે અક્ષરજ્ઞાન ધરાવતા લોકોની સંખ્યા 9,925 જેટલી હતી. અહીં બાલમંદિર, કન્યાશાળા, પ્રાથમિક-માધ્યમિક શાળા તથા પુસ્તકાલય આવેલાં છે. અહીં સેન્ટ્રલ બૅંકની શાખા, સરકારી દવાખાનું, જૈન-ધર્માદા દવાખાનું, પ્રાથમિક આરોગ્યકેન્દ્ર તથા ધર્મશાળાઓની સગવડ છે. બૅંક દ્વારા અહીંના ખેડૂતો, વેપારીઓ તેમજ અન્ય લોકોને ધિરાણ કરાય છે.

ગુજરાતનાં મોટાં શહેરો સાથે આ યાત્રાધામ બસવ્યવહારથી સંકળાયેલું રહે છે. પશ્ચિમ રેલવિભાગની બ્રૉડગેજ રેલવે રાજકોટ–વેરાવળને જોડે છે. બારેમાસ અહીં યાત્રીઓની અવરજવર રહે છે. તેમને માટે રહેવા-જમવાની પૂરતી સગવડો ઊભી કરવામાં આવેલી છે. મંદિર નજીક દક્ષિણ દિશા તરફ ચીંધીને એક તીર ગોઠવેલું છે, જેની સીધી રેખામાં વચ્ચે અરબી સમુદ્ર કે હિંદી મહાસાગરમાં ઍન્ટાર્ક્ટિકા સુધી કોઈ પણ પ્રકારનો ભૂમિભાગ આવતો નથી.

સોમનાથનું જ્યોતિર્લિંગ સમગ્ર ભારતનું પવિત્ર તીર્થધામ ગણાતું હોઈ યાત્રાળુઓની અવરજવરને કારણે અહીંના વેપારને ઉત્તેજન મળે છે. સંસ્કૃત પાઠશાળા, સાહિત્ય, જ્યોતિષ, કર્મકાંડ વગેરેનું શિક્ષણ અપાય છે. પ્રાચીન વિદ્યાકેન્દ્ર તરીકે તેની ખ્યાતિ પ્રસરેલી છે.

શિવપ્રસાદ રાજગોર

અરુણભાઈ વાઘેલા

નીતિન કોઠારી