સોફોક્લીસ (. . પૂ. 496, કૉલોનસ, ગ્રીસ; . . પૂ. 406, એથેન્સ, ગ્રીસ) : ગ્રીક નાટ્યકાર. પ્રાચીન ગ્રીસના મહાન નાટ્યકારો એસ્કીલસ અને યુરિપિડિસની સાથે તેમને પણ આદરપૂર્વક યાદ કરવામાં આવે છે. તેમના જીવન વિશે માત્ર એકાદ નોંધ પ્રાપ્ય છે, તે મુજબ તેમના શ્રીમંત પિતાનું નામ સોફિલસ હતું. તેમનો વ્યવસાય બખ્તર બનાવવાનો હતો. એ જમાનાના ખ્યાતનામ સંગીતકાર લૅમ્પ્રસ તેમના સંગીતશિક્ષક હતા. ટ્રૅજેડીનો અભ્યાસ તેમણે એસ્કીલસ પાસે કરેલો.

સોફોક્લીસ

ઈ. પૂ. 480માં સલામિસના યુદ્ધમાં જ્યારે ગ્રીસનો પર્શિયનો પર વિજય થયો ત્યારે ‘વિજયગાન’ના પ્રસંગે, તેમને બાળવૃંદમાં મોખરે રાખવામાં આવ્યા હતા. ઈ. પૂ. 468ની નાટ્યસ્પર્ધામાં તેમણે ગુરુ એસ્કીલસને પહેલી વાર પરાજિત કરેલા. નાટ્યહરીફાઈમાં એ ચોવીસ વખત વિજયી બનેલા. તેમણે 123 નાટકો લખેલાં. જોકે સંપૂર્ણ નાટકો માત્ર સાતેક ઉપલબ્ધ છે. સોફોક્લીસે એથેન્સના જાહેર જીવનમાં મહત્વનો ભાગ ભજવેલો. વળી અન્ય રાજ્યોમાં સ્થપાયેલ એથેન્સની કચેરીઓમાં પણ સેવા બજાવેલી. એથેન્સમાં થિયાસોસ (Thiasos) ઑવ્ મ્યુઝીસ નામની સંસ્થાની સંગીત અને સાહિત્યના ઉત્કર્ષ માટે સ્થાપના કરી. તેમના બહુશ્રુત વ્યક્તિત્વને કારણે તેમને આલ્કન(Alcon)ના ધર્મગુરુ તરીકે નિયુક્ત કરવામાં આવેલા. તેમના બિનઅસરકારક અવાજને લીધે પોતાનાં નાટકોમાં અભિનય કરવાનું ટાળતા.

સોફોક્લીસનું અવસાન યુરિપિડિસના મૃત્યુ પછી થોડા મહિના બાદ થયેલું. જોકે પેલોપોન્નેસિયન યુદ્ધ તો તે સમયે ચાલુ હતું. તેના મૃત્યુ વિશે કેટલીક દંતકથાઓ છે. પ્લુટાર્ક તેના ચરિત્રગ્રંથ ‘લાઇવ્ઝ’માં તેમનો ઉલ્લેખ કરે છે. કૅલિપિડીસ નામના એક નટે એન્થીસ્ટીરિયા નામના, ફેબ્રુઆરી માસના વસંતોત્સવ નિમિત્તે સોફોક્લીસને લીલી દ્રાક્ષોની ભેટ મોકલેલી. ઉતાવળે તે ખાતાં ખાતાં તેની શ્વાસનળી રૂંધાતાં તેનું મૃત્યુ થયેલું. બીજી દંતકથા કહે છે કે ‘ઍન્ટિગોની’ નાટકનું મોટેથી વાંચન કરતાં, એક લાંબા વાક્યનો પાઠ કરતાં શ્વાસ રૂંધાતા તેનું મૃત્યુ થયેલું. અન્ય દંતકથા મુજબ ‘ઍન્ટિગોની’ નાટક નાટ્યસ્પર્ધામાં વિજેતા જાહેર થતાં સોફોક્લીસ હર્ષના અતિરેકમાં તત્કાળ મૃત્યુ પામેલા.

સોફોક્લીસે કરુણાન્તિકાઓમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા. તેમણે સૌપ્રથમ તૃતીય નટનો નાટ્યમાં સમાવેશ કર્યો. એસ્કીલસે સર્જેલા 12 વ્યક્તિઓના નાટ્યવૃન્દની સંખ્યા વધારીને 15ની કરી; પરંતુ વૃન્દને નાટકની ગતિવિધિથી પ્રમાણમાં અળગું રાખ્યું. નાટકનાં દૃશ્યોનાં ચિત્રપટ સર્જવાની પહેલ તેમણે કરેલી.

તેમણે સ્વતંત્ર નાટ્યસર્જનો કરી, પરંપરાગત નાટકત્રયી-પદ્ધતિનો ભંગ કરી, ડાયોનિસિયન મહોત્સવમાં આગવી કૃતિઓ તરીકે નાટકોની રજૂઆત કરી. નાટક માટે નાટ્યવૃન્દની જરૂરિયાત ગૌણ બની હતી. તૃતીય નટના સમાવેશ દ્વારા તેઓ લોકોનું ધ્યાન કોરસને બદલે નાટકની ગતિવિધિ, ક્રિયાકર્મ રજૂ કરનાર નટો તરફ કેન્દ્રિત કરી શક્યા ને તે છતાં તેમણે કોરસ માટે અતિસુંદર, અસરકારક ઉક્તિઓ લખી જે ઘણી વાર તો નાટ્યનાં કેન્દ્રની ગતિવિધિ જ ઉદઘોષિત કરતી.

સંવાદરચનામાં અવાજની વિવિધતા સાથે ભાવ વ્યક્ત કરવામાં સોફોક્લીસ નિપુણ હતા, જેમાં વિવિધ છંદોના પ્રયોગો દ્વારા અભિવ્યક્તિ અર્થપૂર્ણ બનાવતા.

નાટ્યરચનાની દૃષ્ટિએ તેમનાં નાટક બે પ્રકારમાં વહેંચી શકાય : એક કે જેમાં સળંગ રીતે નાટ્યવિભાવના રજૂ કરવામાં આવે છે, જ્યારે બીજામાં બે ભાગમાં રજૂઆત કરવામાં આવે છે – નાયકનું દૈવી શક્તિ વિરુદ્ધનું આચરણ અને તેને લીધે તેનો અંત અને નાયકના તબાહ થવા સાથે સર્જાતી પરિસ્થિતિ. ‘એજૅક્સ’ અને ‘ધ વિમેન ઑવ્ ટ્રૅક્સિ’ એ બીજા પ્રકારની નાટ્યરચનાનાં ઉદાહરણો છે. તે સિવાયનાં નાટકોને પ્રથમ પ્રકારની નાટ્યરચનાઓ ગણી શકાય. તેમાં દરેક પ્રસંગ તેના પહેલાંની ઘટનાને તેમજ પછીથી બનતા પ્રસંગની સાથે સુસંબદ્ધ છે અને એથી કશું પણ અયોગ્ય રીતે નથી બનવા પામતું. દરેકેદરેક પ્રસંગ નાટકની કથા તેમજ પાત્રને સુયોગ્ય રીતે પ્રસ્તુત કરે છે. ખરેખર તો પાત્રો કે જે તેઓના અંતિમ ધ્યેય-ઉદ્દેશ તરફ વિકસતા જાય છે – આ જ તત્વ નાટકને રસપ્રદ બનાવી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરે છે. ઍરિસ્ટોટલ ટ્રૅજેડીની વ્યાખ્યા કરવા આકર્ષાયેલા એ સોફોક્લીસને અભિપ્રેત ટ્રૅજેડીની અનુકંપા (pity) અને ભય(terror)ની વિભાવનાને કારણે.

ઈશ્વરેચ્છાને સ્વીકાર્ય ગણી; પરંતુ કેન્દ્રમાં મનુષ્યયત્ન અને સહિષ્ણુતા રહ્યાં છે. પ્રત્યેક કરુણાન્તિકાના નાયકો એમ જ ખાલી નથી પીડાતા ! જાજ્વલ્યમાન વ્યક્તિત્વ ધરાવનાર નાયક, મહાશક્તિ ઈશ્વરની નૈતિક વ્યવસ્થાની વિરુદ્ધ આચરણ કરવાને કારણે જીવનની તબાહી–મૃત્યુને નોતરે છે અને એ રીતે કાવ્યન્યાય(poetic justice)નું સાતત્ય નાટ્યકાર જાળવે છે.

સોફોક્લીસની કરુણાન્તિકાનાં પાત્રો સાચુકલાં છે અને સોફોક્લીસની ઉષ્માભરી માવજત પાત્રોમાં જીવ રેડે છે; દા.ત., કરુણ નાટક ‘ઍન્ટિગોની’માં માનવસર્જિત વ્યવસ્થા અને ઈશ્વરપ્રેરિત વ્યવસ્થાના સંઘર્ષની વાત છે, જે આધુનિક વિચારધારાને અનુકૂળ અને પ્રસ્તુત લાગે છે. નાટક ‘ઈડિપસ’નો ખલનાયક ક્રેઓન તર્કસુસંબદ્ધ માનવીય વ્યવસ્થાનું પ્રતીક છે, જ્યારે ‘ઍન્ટિગોન’ એક ફલક પર હૃદયના તર્ક પરની જીતનું. એક ફલક પર ઈશ્વરની સર્વોપરિતા પરની શ્રદ્ધામાંથી ઉદભવેલી સ્ફુરણા છે. બીજા ફલક પર નાટક દ્વારા વ્યક્ત થાય છે વ્યક્તિ અને વ્યવસ્થા વચ્ચેનો કાયમી સંઘર્ષ. સોફોક્લીસ આ બંને વિચારધારાઓ વચ્ચેનો વિરોધાભાસ સુંદર રીતે જાળવી રાખે છે અને તેમાંથી ઉદભવતો તણાવ પ્રેક્ષકોમાં ઉત્તેજના પેદા કરે છે. સોફોક્લીસ કોઈ એક વિચારધારાનું સમર્થન કરતા નથી. ક્રેઓન સત્તાના દૃઢ વલણનો સમર્થક છે, જ્યારે ઍન્ટિગોન ઉત્સાહના અતિરેક, સાહસ અને હિંમતનો સમર્થક છે. સોફોક્લીસ બંનેને નિષ્પક્ષ રીતે નીરખે છે.

‘ઍજેક્સ’ તેની ક્ષતિપૂર્ણ નાટ્યરચનાને કારણે સોફોક્લીસની સર્વ કરુણાન્તિકાઓમાં સૌથી ઓછી સંતોષકારક ગણી શકાય; કારણ કે તેમાં હજુ નાટકનો એકતૃતીયાંશ ભાગ બાકી હતો ત્યારે ઍજેક્સનું મૃત્યુ નિપજાવવામાં આવે છે. એ સત્ય છે કે ઍજેક્સ ખૂબ જ શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવતું પાત્ર છે; પરંતુ જ્યારે તે ખળભળાટ સર્જે છે ત્યારે જ તેનાથી વિરુદ્ધભાવ નિરૂપવામાં આવે છે, જેમાં જીવનની વિચિત્રતા અને અનિવાર્યતાની વાત છે. નાટ્યસર્જનના ઇતિહાસમાં આવા મહત્વપૂર્ણ વિષયને પ્રથમ વાર અહીં સ્થાન મળે છે. આ પ્રકારે આલેખાયેલો આ ભાવ ‘ફિલોક્ટેટીસ’ કે જે ‘ઍજેક્સ’થી ઘણું ચડિયાતું છે, તેને માટે અનુકૂળતા ઊભી કરી આપે છે; કારણ કે તેમાં વિભિન્ન સંવેદનશીલતાવાળાં પાત્રો વચ્ચે સુમેળ સાધવામાં આવ્યો છે.

‘ઇલેક્ટ્રા’ (ઈ. પૂ. 409) નાટકના કેન્દ્રમાં નાયિકા છે. વિવેચકોના મતે આ નાટક અતિસામાન્ય છે. નાટકના મુખ્ય પાત્રનો ઉદ્દેશ બદલાની ભાવનાનો છે. ‘ઇલેક્ટ્રા’માં પ્રગટેલી ભયંકર પ્રતિહિંસાનું વલણ સત્તા સાંખી લે તેમ ન હતી. એથી ઇલેક્ટ્રાનો હેતુ પાર પડતો નથી. નાટકનું સબળું પાસું છે ઘરનો સન્નિવેશ અને તેને લીધે યાતનાને, ઇલેક્ટ્રાની પ્રતારણાને સવિશેષ વાચા મળે છે.

‘ધ વિમેન ઑવ્ ટ્રૅક્સિ’ આ તેનું એકમાત્ર નાટક છે, જે પુરુષ અને સ્ત્રીના પ્રેમસંબંધને વિસ્તારપૂર્વક આલેખે છે. તેની મહાનતા ખાસ કરીને ડિયાનિરાના પાત્રાલેખનમાં રહેલી છે.

‘ઈડિપસ ધ કિંગ’ (ઈ. પૂ. 430/426) નાટ્યના ઇતિહાસમાં આ નાટક અદ્વિતીય છે. ઍરિસ્ટોટલ તેને એક ઉદાહરણરૂપ કરુણાન્તિકા ગણે છે. અહીં ભાષાની કરકસર દૃષ્ટિગોચર થાય છે. સુગઠિત નાટ્યરચના છે. તેમાં તણાવ અને રહસ્યના ભાવો અદભુત રીતે નિરૂપાયા છે, જે આ પ્રકારનાં નાટકોમાં સીમાચિહ્ન સમા છે, તેનું અનુગામી મહાન નાટક ‘ઈડિપસ ઍટ કૉલોનસ’ સોફોક્લીસના જીવનનાં અંતિમ વર્ષોમાં લખાયેલું. (ભજવણી તેમના મૃત્યુ બાદ થયેલી.) આ નાટકનાં છેલ્લાં રહસ્યમય દૃશ્યો  પ્રગાઢ વિવેકદક્ષતા અને શાંતિપ્રિયતાથી ભરપૂર ભાવો  છે એ શેક્સપિયરની નાટ્યવિભાવનાની સમીપ લઈ જાય છે.

એસ્કેલિયન કરુણાન્તિકા કે જેના પોતે ઉત્તરાધિકારી હતા, તેમાંથી આછુંપાતળું લઈ અને ટ્રોજન સાઇકલમાં હોમરે સંયોજેલું વાર્તાવસ્તુ લઈને અને ‘પોલિશ ભાષા’ની ભાવાત્મકતાનું નિરૂપણ કરી, ગુણવત્તા સાથે શ્રેષ્ઠ પુરવાર થનાર, નિશ્ચિત આકાર સાથેનું પોતાની કૃતિનું સ્વરૂપ ઘડ્યું. આ પ્રકારે સંરસન દ્વારા નાટ્યના ઇતિહાસમાં ખ્યાતિ પામેલી શ્રેષ્ઠતમ કરુણાન્તિકાઓનું તેમણે સર્જન કર્યું.

સદીઓ પર્યંત પ્રાચીન અને અર્વાચીન વિવેચકોએ સોફોક્લીસને હોમર સાથે સરખાવ્યો છે. મહાન કવિઓની કૃતિઓમાંથી વિષયવસ્તુ લેવા સાથે પોતાની કવિતાના સામર્થ્યને તેઓ અડગ રીતે વળગી રહ્યા. માનવતાની ઝાંખી કરાવતી તેમની પ્રબળ કવિતાની રજૂઆત, એ ફિલસૂફીના વિવરણનું માધ્યમ બને એ માટે નહિ, પણ કવિતા પ્રતિનો સદભાવ ટકાવી રાખવા માટે કરવામાં આવેલી.

જનક દવે