સોન્ગ્રામ પિબુન

January, 2009

સોન્ગ્રામ પિબુન (. ?; . ?) : થાઇલૅન્ડ(સિયામ)ના ફીલ્ડ માર્શલ અને રાજનીતિજ્ઞ. 1941માં થાઇલૅન્ડ પર જાપાને આક્રમણ કર્યું ત્યારે તેઓ ફીલ્ડ માર્શલના હોદ્દા પર હતા. તેમણે જાપાનના નેતૃત્વ હેઠળ થાઇલૅન્ડમાં રચાનારી કઠપૂતળી સરકાર માન્ય રાખી હતી. 1947માં લશ્કરી બળવા દ્વારા તેમણે સત્તા હાંસલ કરી અને રાજકીય વડા બન્યા. આ સમયે લશ્કરી શાસન સ્થાપી રાજાને માત્ર નામનો વડો બનાવી દેવામાં આવ્યો. આ ગાળા દરમિયાન તેમણે અમેરિકા-તરફી વિદેશનીતિ અપનાવી. પરિસ્થિતિ કંઈક સામાન્ય બનતાં 1955માં રાજકીય પક્ષોને માન્યતા તેમજ નાગરિકોને વાણીસ્વાતંત્ર્યનો અધિકાર અપાયાં. 1957માં પરિસ્થિતિ બેકાબૂ બનતાં કટોકટી જાહેર કરવામાં આવી અને તેમની વિરુદ્ધ ક્રાંતિ થતાં તેમને પદભ્રષ્ટ કરાયા.

રક્ષા મ. વ્યાસ