સોનભદ્ર : ઉત્તરપ્રદેશના અગ્નિછેડે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન

January, 2009

સોનભદ્ર : ઉત્તરપ્રદેશના અગ્નિછેડે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે આશરે 23° 50´થી 24° 50´ ઉ. અ. અને 82° 10´થી 83° 30´ પૂ. રે. વચ્ચેનો 6788 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મિરઝાપુર અને વારાણસી જિલ્લા, પૂર્વમાં બિહાર રાજ્યની સીમા તથા અગ્નિ, દક્ષિણ અને પશ્ચિમ તરફ મધ્યપ્રદેશની સીમા આવેલાં છે. જિલ્લામથક રૉબર્ટ્સગંજ જિલ્લાની ઉત્તરમાં મધ્યભાગમાં આવેલું છે.

સોનભદ્ર જિલ્લો (ઉત્તરપ્રદેશ)

ભૂપૃષ્ઠ : સોનભદ્ર જિલ્લો બે મુખ્ય કુદરતી વિભાગોમાં વહેંચાયેલો છે. ઉત્તર તરફ વિંધ્ય ઉચ્ચપ્રદેશ અને તેના સમુત્પ્રપાતો (escarpments) તથા ઈશાન ભાગમાં કૈમૂરની ટેકરીઓ આવેલાં છે. જિલ્લાના દક્ષિણ ભાગમાં સોન (શોણ) તથા તેની સહાયક નદીઓ રિહાન્દ અને કાન્હારના ખીણપ્રદેશો જ્યારે વચ્ચેના ભાગમાં કાંપનાં મેદાનો આવેલાં છે. સોન અને રિહાન્દ નદીઓના વચ્ચેના ભાગમાં સોનપહાડની ટેકરીઓ વિસ્તરેલી છે.

જળપરિવાહ : જિલ્લાના ઉત્તર ભાગમાં સોન નદી વહે છે. બેલન, રિહાન્દ અને કાન્હાર તેની સહાયક નદીઓ છે. સોન નદી ગંગાને મળે છે. જિલ્લાના નૈર્ઋત્ય ભાગમાં રિહાન્દ નદી પરના બંધ પાછળ ગોવિંદ વલ્લભ પંત સાગર નામનું જળાશય તૈયાર કરેલું છે. વિંધ્યના સમુત્પ્રપાતો અને સોન નદીના વહનમાર્ગ વચ્ચે બે મોટાં જળાશયો આવેલાં છે.

ખેતી–પશુપાલન : કૈમૂર ટેકરીઓની તળેટીના વિસ્તારમાં ગોરાડુ માટીવાળી જમીનોથી બનેલો ફળદ્રૂપ મેદાની વિસ્તાર આવેલો છે; જિલ્લાની બાકીની જમીનો લોહદ્રવ્યયુક્ત પડખાઉ પ્રકારની તથા કાળા રંગની છે. અહીંના ઢોળાવો ઘસારો અને ધોવાણ પામેલા છે; જ્યાં જ્યાં ખેડાણયોગ્ય ફળદ્રૂપ જમીનો છે ત્યાં ખરીફ અને રવી પાકો લેવાય છે. ડાંગર, જવ, ચણા અને ઘઉં અહીંના મુખ્ય કૃષિપાકો છે.

ગાય, બળદ, ભેંસ, ઘેટાં-બકરાં અહીંનાં મુખ્ય પાલતુ પ્રાણીઓ છે. જિલ્લામાં મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે. આ જિલ્લામાં પશુ-દવાખાનાં તથા પશુસંવર્ધન-કેન્દ્રો અને તેમની ઓલાદ સુધારવા માટેનાં કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો વિકસાવાયેલાં છે.

ઉદ્યોગવેપાર : આ જિલ્લામાં હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને કનોરિયા કેમિકલ્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેવા બે મહત્વના ઉદ્યોગો કાર્યરત છે. તેમાં ઍલ્યુમિનિયમ ધાતુ, ગઠ્ઠા, પતરાં, સળિયા તેમજ વાહક-તાર બને છે. કૉસ્ટિક સોડા, પ્રવાહી ક્લોરિન, મીઠાનો તેજાબ (HCl), બેન્ઝિન હેક્ઝાક્લોરાઇડ, બ્લિચિંગ પાઉડર, સૂતર, કાપડ વગેરેનું ઉત્પાદન લેવાય છે.

ઍલ્યુમિનિયમનો પેદાશી માલ, જુદાં જુદાં રસાયણો, સિમેન્ટ, લાખ, રાઈ, ડાંગર, જવ, જુવાર અને આરસની પેદાશોનો નિકાસી વેપાર થાય છે; જ્યારે ઘઉં, ચોખા, કઠોળ, ચિરોડી, કોલસો, બૉક્સાઇટ, લૅટરાઇટ, કેરોસીન, મીઠું અને કાપડની આયાત થાય છે.

પરિવહન–પ્રવાસન : આ જિલ્લાનું નજીકમાં નજીક આવેલું મુખ્ય રેલમથક મિરઝાપુર છે, આ રેલમાર્ગનો એક ફાંટો જિલ્લામથકને જોડે છે. જિલ્લામાં પાકા અને કાચા રસ્તાઓની પૂરતી સગવડો છે. રાજ્ય-પરિવહનની બસો અહીંનાં મુખ્ય શહેરો અને ગામડાંઓમાં અવરજવર કરતી રહે છે.

અહીંની નદીઓ પર મંદિરો અને સ્નાનઘાટ આવેલાં છે. વિંધ્યદેવી મંદિર, સક્તેશગઢ કિલ્લો, વિજયગઢ કિલ્લો, અઘોરી કિલ્લો, આહરવા કિલ્લો, સિદ્ધનાથકી દરી સિરસી, લાલખાવા જેવાં જોવાલાયક સ્થળો અહીં આવેલાં છે. ટેન્ડા ધોધ, વાયંધમ ધોધ, રિહાન્દ ડૅમ, જારગોદામ જેવાં ઉજાણીસ્થળો અને પ્રવાસીસ્થળો પણ છે. અહીંનું દૂધીનગર પણ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. જિલ્લામાં વારતહેવારે મેળા ભરાય છે અને ઉત્સવો યોજાતા રહે છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 14,63,468 જેટલી છે, તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ અનુક્રમે 53 % અને 47 % જેટલું છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તી 86 % અને 14 % જેટલી છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ આશરે 30 % જેટલું છે. હિન્દી અને ઉર્દૂ અહીંની મુખ્ય ભાષાઓ છે. જિલ્લામાં તબીબી સુવિધા લગભગ બધે જ ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને બે તાલુકાઓમાં અને આઠ સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 8 નગરો અને 1426 (80 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : 1981–91 દરમિયાન મિરઝાપુર જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવેલી છે; મિરઝાપુર જિલ્લાના દક્ષિણ વિભાગના રૉબર્ટ્સગંજ અને દૂધીનગર તાલુકાઓને અલગ પાડીને સોનભદ્ર જિલ્લો બનાવાયો છે.

ગિરીશભાઈ પંડ્યા