સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ

January, 2009

સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ : લોહીનું દબાણ વધી જવાથી ઉદભવતા સંકટમાં ઉપયોગી ઔષધ. તેનું રાસાયણિક બંધારણ નીચેની આકૃતિમાં છે. તે નાઇટ્રિક ઑક્સાઇડ ઉત્પન્ન કરે છે, જે ધમનિકાઓ (arterioles) અથવા નાની ધમનીઓને તથા લઘુશિરાઓ-(venules)ને પહોળી કરે છે અને તેથી લોહીનું દબાણ ઘટે છે.

સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનું શાસ્ત્રીય નામ છે સોડિયમ પેન્ટાસાયનોનાઇટ્રોસિલ ફેરેટ (III). તેનાં અન્ય નામો પણ છે; જેમ કે, સોડિયમ નાઇટ્રોફેરિસ સાઇનાઇડ, સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ ડાયહાઇડ્રેટ. તે લાલ રંગના ભૂકા રૂપે મળે છે. તે પાણી અને ઇથેનૉલમાં દ્રાવ્ય છે. તે જલાણુયુક્ત (dihydrated) સ્વરૂપે સોડિયમના ક્ષારના રૂપે ઉપલબ્ધ છે. તેને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ વેચી શકાય છે. શરીરમાં પ્રવેશ્યા પછી તેનો અર્ધકાળ 2 મિનિટનો જ હોય છે, કેમ કે તે લોહીમાં જ અપચય પામે છે. તેમાંનું ધાતુ-નાઇટ્રોસિલ સંકુલ બે ઋણભારધારી આયન છે, જેનું રાસાયણિક સૂત્ર છે : [Fe(CN)5NO]2. તે સક્રિય ઘટક છે.

સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ

તેને નસ વાટે સીધું લોહીમાં અપાય છે. તે ધમનિકાઓ અને લઘુશિરાઓને પહોળી કરીને પરિઘીય સરણ-રોધ (peripheral resistance) ઘટાડે છે તથા શિરાઓ દ્વારા પાછા આવતા લોહીનું પ્રમાણ પણ ઘટાડે છે. આમ, તે હૃદય પરનો પૂર્વભાર (preload) એટલે હૃદય તરફ પાછા આવતા લોહીનું કદ તથા ઉત્તરભાર (afterload) એટલે કે હૃદય દ્વારા નસોમાં ધકેલાતું લોહી અને તેને માટેનો હૃદયને કરવો પડતો શ્રમ ઘટાડે છે. તેથી તેને હૃદયની ક્રિયા-નિષ્ફળતા(failure)ની વધુ પડતી તીવ્રતા હોય તો વપરાય છે. તેની પૂર્વભાર અને ઉત્તરભાર ઘટાડવાની પ્રક્રિયાથી તે હૃદયમાંથી બહાર ધકેલાતા લોહીનું પ્રમાણ વધારે છે. હૃદયમાંથી 1 મિનિટમાં બહાર નીકળતા લોહીના કદને હૃદીય બહિષ્પાત (cardiac output) કહે છે. તે જો સામાન્ય હોય તો સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ લોહીનું દબાણ ઘટાડે છે. તે પ્રકાશસંવેદી (photosensitive) પદાર્થ છે અને સૂર્યપ્રકાશમાં તે ભંગુરિત થાય છે તથા સાયનાઇડ છૂટો પડે છે, જે એક ઝેરી દ્રવ્ય છે; વળી તે નાઇટ્રિક ઑક્સાઇડ (NO) પણ મુક્ત કરે છે જે હીમોગ્લોબિન જોડે સંયોજાઈને સાયનો-મેથહીમોગ્લોબિન બનાવે છે. આ પ્રકારનું જોખમ હોવા છતાં તે ચેતાશસ્ત્રક્રિયા (neurosurgery) અને વાહિનીશસ્ત્રક્રિયા(vascular surgery)માં લોહીનું દબાણ અતિશય ઊંચું અને મારક કક્ષાનું થાય ત્યારે સારવારમાં ઉપયોગી ગણાય છે. સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડમાંથી વિમુક્ત થઈ રહેલા સાયનાઇડના આયનોને યકૃત(liver)માં થાયૉસાયનેટમાં રૂપાંતરિત કરાય છે, જેને મૂત્રમાર્ગે શરીરમાંથી દૂર કરાય છે. જો દર્દીને મૂત્રપિંડની નિષ્ફળતા થયેલી હોય તો તે વાપરી શકાતું નથી.

સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડની સારવાર 72 કલાકથી વધુ અપાતી નથી. તે નસો પરનાં સંશોધનોમાં પણ ઉપયોગી છે.

શિલીન નં. શુક્લ