સોડાલાઇટ : સોડાલાઇટ સમૂહ(સોડાલાઇટ, હૉયનાઇટ, નોસેલાઇટ અને લેઝ્યુરાઇટ)નું મુખ્ય ખનિજ. રાસા. બં. : 3NaAlSiO4·NaCl (3Na2Al2Si2O8·2NaCl); સિલિકા : 37.2 %; ઍલ્યુમિના : 31.6 %; સોડા 25.6 % અને ક્લોરિન : 7.3 % – જે મળીને કુલ 101.7 % થાય, પરંતુ (θ = 2Cl)ના 1.7 % બાદ કરતાં 100 % થઈ જાય છે; ક્યારેક પોટૅશિયમ સોડિયમને આંશિક પ્રમાણમાં વિસ્થાપિત કરતું હોય છે. ટૂંકમાં, સોડાલાઇટ સોડિયમ ઍલ્યુમિનિયમનું સિલિકેટ છે. સ્ફટિક વર્ગ : ક્યૂબિક. તે સામાન્ય સંજોગોમાં તો ગેલેના સમમિતિમાં સ્ફટિકીકરણ પામતું હોય છે; પરંતુ તેની નિરેખણ-આકૃતિઓ (etch-figures) ટેટ્રાહેડ્રલ સમમિતિનું સૂચન કરી જાય છે. તે જ રીતે તેની અણુગૂંથણી સાદી ક્યૂબિક ગોઠવણી હોવાનું જણાય છે; પરંતુ તે ‘Body-Centered type’ની વધુ નજીક હોઈ શકે છે. તેના એકમકોષમાં બે અણુઓ હોય છે અને તેનું સામાન્ય સ્ફટિક-સ્વરૂપ ડોડેકાહેડ્રન હોય છે. યુગ્મતા (111) સ્વરૂપ પર તૈયાર થાય છે. (યુગ્મતા એટલે સ્ફટિકીકરણની ક્રિયા વખતે ઉદભવતી તદ્દન એકસરખા દેખાતા બે કે તેથી વધુ સ્ફટિકોની આંતરગૂંથણી.) અન્ય ખનિજમાં કણોરૂપે હોય ત્યારે તે દળદાર હોય છે; ઇલિયોલાઇટ (સમકક્ષ ખનિજ) કૅલ્સિડોનીની જેમ દ્રાક્ષનાં ઝૂમખાં સ્વરૂપે પણ મળે છે. સંભેદ : ડોડેકાહેડ્રલ –ઓછોવત્તો સ્પષ્ટ; પ્રભંગ : વલયાકાર, ખરબચડો, બરડ. કઠિનતા : 5.5થી 6; વિ. ઘ. : 2.14થી 2.30; ચમક : કાચમય, ક્યારેક રાળમય પણ હોય; રંગ : રાખોડી, લીલાશ પડતો શ્વેત, પીળાશ પડતો શ્વેત, ક્યારેક ભૂરો, લવંડર ભૂરો, આછો રતાશ પડતો પણ હોય. દેખાવ : પારદર્શકથી પારભાસક; ચૂર્ણરંગ : રંગવિહીન.

રાસાયણિક કસોટીમાં સોડાલાઇટ એનલ્સાઇટ, લ્યુસાઇટ અને હૉયનાઇટથી સ્પષ્ટપણે અલગ પડે છે. આ બધાં ખનિજો સિલિકામાં અસંતૃપ્ત હોય છે. નેફેલાઇટને સોડિયમ ક્લોરાઇડ સાથે ગરમ કરી પિગાળવાથી કૃત્રિમ સોડાલાઇટ મેળવી શકાય.

પ્રાપ્તિસ્થિતિ : જ્યાં અસંતૃપ્ત અંત:કૃત ખડકો હોય ત્યાં તેની મળવાની શક્યતા હોય છે. ભારતમાં તે રાજસ્થાનના કિશનગઢ (અજમેર–જયપુરની વચ્ચેના વિસ્તાર) ખાતે મળી આવે છે.

ગિરીશભાઈ પંડ્યા