સોજિત્રા : આણંદ જિલ્લામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 32´ ઉ. અ. અને 72° 53´ પૂ. રે. પર તાલુકામથક પેટલાદથી 11 કિમી. દૂર આવેલું છે.

સોજિત્રા ચરોતરના સમતળ, ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું છે. તેની આજુબાજુની જમીન ગોરાડુ છે. આબોહવા વિષમ છે. ઉનાળા અને શિયાળાનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક તાપમાન અનુક્રમે 42° સે. અને 26° સે. તથા 28° સે. અને 12° સે. જેટલાં રહે છે. મે માસમાં ક્યારેક તાપમાન વધીને 45° સે. સુધી પહોંચી જાય છે. વરસાદની સરેરાશ 800 મિમી. જેટલી રહે છે.

ખેતરોને સેઢે સીમમાં અને ગામને ગોંદરે વડ, ખીજડો, શીમળો, બાવળ, આંબા વગેરે જેવાં વૃક્ષો જોવા મળે છે. અહીં આજુબાજુ જંગલ નથી. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, બાજરી, જુવાર, કપાસ અને તમાકુનો સમાવેશ થાય છે. મહીની નહેરો, કૂવા અને ટ્યૂબવેલ સિંચાઈ માટેના મુખ્ય સ્રોત છે. અહીં ત્રણ-ચાર તળાવો આવેલાં છે.

અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય વેપાર, ખેતી અને પશુપાલન છે. તમાકુનો પાક સારા પ્રમાણમાં થતો હોવાથી બીડી બનાવવાનો ગૃહઉદ્યોગ વિકસ્યો છે. લોખંડનું રાચરચીલું બનાવતાં ત્રણથી ચાર કારખાનાં અહીં આવેલાં છે. લુહારો મજબૂત તાળાં બનાવે છે. લાકડાં વહેરવાની ચાર મિલો આવેલી છે. હાલ અહીં હાથસાળ પર વણકરો વિવિધ પ્રકારનું કાપડ, સાડી, ધોતિયાં વગેરે તૈયાર કરે છે. પરંપરાગત ઉદ્યોગોમાં સુથારો, લુહારો, કુંભાર, ભાવસાર, વણકર, ચમાર, ચૂડગર વગેરે દ્વારા રથ, ગાડાં, તલવારો, ચામડાની બરણીઓ, હાથીદાંતનાં ચૂડા-ચૂડીઓ વગેરેનું ઉત્પાદન થાય છે.

જૂના વખતમાં નગરા જ્યારે બંદર હતું ત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતા ધોરી માર્ગ પર સોજિત્રા આવેલું હતું. આ રીતે માળવા અને મેવાડ સાથે તેનો વેપાર ચાલતો. ધોળકા, ખેડા અને નડિયાદ, કપડવંજ વગેરે સાથે તે જોડાયેલું હતું. મધ્ય ગુજરાતનું પણ મહત્વનું વાણિજ્ય-કેન્દ્ર હતું. નડિયાદ–ભાદરણ નૅરોગેજ રેલમાર્ગનું પણ તે (રેલ)મથક છે. રાજ્ય-પરિવહનની બસો દ્વારા પણ તે આજુબાજુનાં શહેરો, ગામડાંઓ વગેરે સાથે વેપાર અર્થે સંકળાયેલું રહે છે.

પુરુષો અને સ્ત્રીઓનું વસ્તી-સંખ્યાપ્રમાણ લગભગ સરખું છે. હવે અહીંના મોટાભાગના પાટીદારો તેમજ અન્ય કોમના લોકો પરદેશ વસે છે, તેથી સોજિત્રાનો ઔદ્યોગિક વિકાસ ઓછો છે. જૂના વખતમાં દેવાતજથી જયરામ પટેલ અહીં આવીને વસેલા. તેમની બાર-તેર પેઢી અહીં વસવાને કારણે અહીં પાટીદારોની સંખ્યા 1200 ઉપર પહોંચી છે. તેઓ સાહસિક સ્વભાવના હોવાથી પૂર્વ આફ્રિકા, ઇંગ્લૅન્ડ અને અમેરિકા જઈ વસ્યા. આ ઉપરાંત સોજિત્રામાં બાજખેડાવાળ બ્રાહ્મણોની પણ મોટી વસ્તી છે. પેઢી દર પેઢી તેઓ શરાફીકામ કરતા આવ્યા છે. તેમના પૈકીના કેટલાક ચેન્નાઈ જઈને વસ્યા છે. ત્યાં તેમણે શરાફી પેઢીઓ ઊભી કરી છે. ત્યાં ગુજરાતી સમાજની હાઈસ્કૂલ પણ છે. આ ઉપરાંત સોજિત્રામાં શ્રીમાળી; મોઢ અને ઔદીચ્ય બ્રાહ્મણો; વૈષ્ણવ સંપ્રદાયના મોઢ વણિકો, વિવિધ કારીગર-વર્ગો, પછાત વર્ગના હરિજનો; રાવળિયા અને ઠાકોરોની વસ્તી પણ છે. કારીગર-વર્ગમાં સુથાર, લુહાર, છીપા વગેરેનો સમાવેશ થાય છે.

અહીં બે બાલમંદિરો, ચાર પ્રાથમિક શાળાઓ, બે માધ્યમિક શાળાઓ, બે પુસ્તકાલયો, કલા અને હુન્નરનું કેન્દ્ર વગેરે આવેલાં છે. આ ઉપરાંત અહીં બૅંકો, પોસ્ટ-ટેલિગ્રાફ-ટેલિફોન કાર્યાલય, દવાખાનું તેમજ પ્રસૂતિગૃહની સગવડો પણ છે.

ધાર્મિક સ્થળોમાં રામજીમંદિર, વૈષ્ણવ-હવેલી, ગોસ્વામી મહારાજનું મંદિર, હરિકૃષ્ણ મહારાજનું મંદિર, સત્યનારાયણનું મંદિર, લક્ષ્મીનારાયણનું મંદિર, કબીરપંથી મંદિર, પ્રણામી મંદિર, નાનકપંથી શીખમંદિર, રણછોડદાસ બાવાનું મંદિર, સ્વામીનારાયણનું મંદિર; જ્યોતેશ્વર, મુક્તેશ્વર, રામનાથ અને વૈજનાથ મહાદેવનાં મંદિરો; વેરાઈ, ખોજાઈ, ખોડિયાર, અન્નપૂર્ણા અને અંબાજી માતાનાં મંદિરો તથા જૈનોનાં ચાર મંદિરો આવેલાં છે. મોટાભાગનાં મંદિરો તેમનાં શિલ્પ-સ્થાપત્ય માટે જાણીતાં છે. તે અગિયારમી સદીનાં છે. આ મંદિરોમાં અગિયારમી સદીની મૂર્તિઓનો સંગ્રહ તેમજ પ્રાચીન હસ્તપ્રતોનો ભંડાર જળવાયેલો છે. મુસ્લિમોની ચાર મસ્જિદો પણ છે. નવ ધર્મશાળાઓ, પાંજરાપોળ અને ચાર પરબડીઓ પણ ગામમાં છે.

એક મંતવ્ય અનુસાર સોજિત્રા ઈ. પૂ. બીજા સૈકામાં અસ્તિત્વમાં આવેલું હોવાનું કહેવાય છે. ટૉલેમી(ઈ. સ. 130)એ તેનો સેઝન્ટિયન તરીકે ઉલ્લેખ કરેલો છે, એમ યુલે(Yule)એ જણાવેલું છે. અહીંના એક કુંડમાંથી મળેલ મસ્તક તેના શિલ્પના આધારે બીજી સદીનું હોવાનું જણાય છે. ગામમાં બે વાવ આવેલી છે. અહમદશાહે બંધાવેલો એક કિલ્લો પણ છે, તેની મરામત માનાજી ગાયકવાડે 1800માં કરાવેલી. કિલ્લા નજીકની વાવ સુલતાન મુઝફ્ફરશાહે બંધાવી હતી. હવેલી પાસેની વાવમાં 1796નો શિલાલેખ છે. ક્ષત્રપકાળના રુદ્રદામન્ અને રુદ્રસેનના સિક્કા અહીંથી મળેલા છે. અહીંનું ખોજાઈ અથવા ક્ષેમકલ્યાણી માતાનું મંદિર 1622નું હોવાનું કહેવાય છે. અહીં દર વર્ષે ભાદરવા સુદ ચૌદશે મેળો ભરાય છે.

શિવપ્રસાદ રાજગોર