સોગંદનામું (affidavit)

January, 2009

સોગંદનામું (affidavit) : કેટલીક અરજીઓમાં લખેલી વિગતોની પુષ્ટિ કરવા માટે તથા કેટલાક સંજોગોમાં ન્યાયાલય સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવા સારુ લેવાતું સહીવાળું લેખિત નિવેદન. સામાન્ય રીતે તે જ્યુડિશ્યિલ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ, મૅજિસ્ટ્રેટ, ન્યાયાધીશ કે નૉટરી અથવા અધિકૃત અધિકારી સમક્ષ લેવામાં આવતું હોય છે. આવું નિવેદન આપનારે તેમાં દર્શાવેલ હકીકતો સાચી છે એવી લેખિત બાંયધરી આપવાની હોય છે. સાદા લેખિત નિવેદનની સરખામણીમાં આવા સોગંદનામાની ગંભીરતા અને તેનું મૂલ્ય વધારે હોય છે, કારણ કે આવા સોગંદનામામાં કોઈ અંશ ખોટો જણાય તો તેનું નિવેદન કરનારની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય છે. સામાન્યપણે જે ગંભીર જવાબદારીવાળાં નિવેદનો હોય છે તેની નીચે સોગંદ ઉપર લેવાય છે, નિવેદન કરનારની સહી પણ સોગંદ આપી શકનાર અધિકારી સમક્ષ નિવેદન કર્યું નહિ હોવાથી તે સોગંદનામું ગણાતું નથી.

સોગંદનામામાં ત્રણ ભાગ હોય છે : પ્રથમ ભાગમાં નિવેદક પોતે જે જાણતો હોય એ હકીકત જણાવે છે; બીજા ભાગમાં નિવેદક જે માહિતી મળી હોય તે માહિતી જણાવે છે અને ત્રીજા ભાગમાં નિવેદક જે માનતો હોય પણ હકીકતમાં પોતે તે બાબત વિશે કશું જાણતો ન હોય એવો અભિપ્રાય દર્શાવે છે. અલબત્ત, પૂરતા કારણસર હુકમ કરી શકે કે અમુક ચોક્કસ હકીકતને માત્ર સોગંદનામાથી સાબિત કરવામાં આવે, પણ જો કોઈ સાહેદ અદાલતમાં હાજર હોય અને મુકદ્દમાનો પક્ષકાર એની ઊલટતપાસ કરવા માગે તો તેનો પુરાવો સોગંદનામાથી પણ રૂબરૂ લેવામાં આવે છે. વળી કોઈ પણ અરજીના સમર્થનમાં પ્રથમ દર્શનીય પુરાવા તરીકે સોગંદનામું રજૂ કરી શકાય છે, પણ કોઈ પણ પક્ષકાર તે બાબતમાં ઊલટતપાસ કરવા માગતો હોય તો અદાલત નિવેદકને અદાલતમાં હાજર થવાનો હુકમ કરી શકે છે.

આમ, વારસો દાખલ કરવાની અરજી; સગીર તરફથી કરવામાં આવેલો દાવો પાછો ખેંચવાની અરજી; નવીન દાવો લાવવાની પરવાનગી સાથે જૂનો દાવો પાછો ખેંચવાની અરજી; જુબાની નોંધવા માટે અથવા સ્થાનિક તપાસ કરાવવા માટે, મિલકતની વહેંચણી કરાવવા માટે કે વેચાણવિધિ કરાવવા માટે અથવા વૈજ્ઞાનિક તપાસ કરાવવા માટે કમિશન નીમવા બાબતની અરજી; સગીર પ્રતિવાદીના વાલી નીમવા માટેની અરજી; સગીર વતી કરેલો દાવો પાછો ખેંચવાની અરજી; નાદારીમાં દાવો કરવાની અરજી; અદાલતનો ચુકાદો આવતાં પહેલાં પ્રતિવાદીની ધરપકડ અથવા એની મિલકત જપ્ત કરવા માટેની અરજી; કામચલાઉ કે વચગાળાના મનાઈ હુકમ માટેની અરજી કે જંગમ મિલકતના વચગાળાના વેચાણ માટેની અરજી; રિસીવર નીમવાની અરજી; નીચલી અદાલતના હુકમનો અમલ અટકાવવા માટેની અરજી; ફેરતપાસ માટેની અરજી; તેમજ હુકમનામાનો અમલ કરવાની અરજી – એ બધાંમાં સોગંદનામું સંપૂર્ણપણે જરૂરી હોય છે.

સમાધાન : કોઈ દાવામાં અદાલતને એમ લાગે કે કાયદેસરના લેખિત કરાર કે સમાધાનથી દાવાની પૂરેપૂરી કે આંશિક પતાવટ થઈ છે તો અદાલત આવો લેખિત કરાર કે સમાધાન નોંધી લઈ પક્ષકારોની ઇચ્છા મુજબ હુકમનામું કરી આપે છે. કરારના કાયદા પ્રમાણે જે કરાર કે સમાધાન રદબાતલ ગણાય એ કાયદેસર ગણાય નહિ અને તે ધ્યાનમાં પણ લેવાય નહિ. જો બેમાંથી એક પક્ષકાર અદાલતને જણાવે કે પતાવટ થઈ નથી તો અદાલત એ બાબતમાં જાતે નિર્ણય કરે છે.

પ્રાતિનિધિક સ્વરૂપના દાવામાં અદાલતની પરવાનગી વિના કોઈ કરાર કે સમાધાન કરી શકાય નહિ અને એવી પરવાનગી વિનાનો કરાર કે સમાધાન રદબાતલ ગણાય. પરવાનગી આપતાં પહેલાં અદાલત આવા દાવામાં હિત ધરાવતી જણાય એવી વ્યક્તિઓને અદાલતમાં હાજર થવાની કે રજૂઆત કરવાની સૂચના આપે છે. પરિણામે જાહેર ધર્માદા ટ્રસ્ટને લગતી બાબતો, જાહેર ઉપદ્રવને લગતો દાવો, દાવાની વિષયવસ્તુમાં હિત ધરાવતી અનેક વ્યક્તિઓ વતી પ્રાતિનિધિક સ્વરૂપે કરવામાં આવતો દાવો, અવિભક્ત હિંદુ કુટુંબ વતીથી કર્તાએ કરેલો દાવો, દાવામાં જેમનાં નામ દર્શાવવામાં ન આવ્યાં હોય એમને ચુકાદો અસર કરે એમ હોય તો એવો દાવો પાછો ખેંચવો હોય તો અદાલતની પરવાનગી અનિવાર્ય બને છે.

છેલ્લાં વીસેક વર્ષથી ગુજરાતમાં લોકઅદાલતો યોજવામાં આવે છે. ઈ. સ. 1987ના કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમથી લોક-અદાલતને તકરાર-નિવારણનું મહત્વનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આવી લોકઅદાલતોમાં કાનૂની અદાલતનું ગંભીર વાતાવરણ નહિ હોવાથી તેમજ ગ્રામજનોની હાજરી અને સમજાવટથી તકરારનું સમાધાન જલદી થાય છે અને તે લખી લેવામાં આવ્યા પછી પક્ષકારોની સહીઓ લેવામાં આવે છે. આવા ચુકાદા સામે અપીલ થઈ શકતી નથી અને ટૂંકા સમયમાં તકરારનો અંત આવે છે.

ફોજદારી અદાલતોમાં પણ સમાધાનને અવકાશ છે. જે ગુનાઓ સામાન્ય હોય અને ગંભીર પરિણામ ઉપજાવનારાં ન હોય એ સમાધાનયોગ્ય (compoundable) ગણાય છે; દા.ત., સામાન્ય ઈજા કે અપમાન થયું હોય; પણ જે ગુનાઓ ગંભીર હોય એ અદાલતની પરવાનગીને અધીન સમાધાનયોગ્ય (compoundable with the permission of the court) ગણાય છે; દા.ત., હથિયારથી ગંભીર ઈજા કરવી. આવા બંને પ્રકારના ગુનાઓની યાદી 1973ના ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 320માં આપવામાં આવી છે. તે સિવાયના અતિગંભીર ગુના સમાધાનયોગ્ય ગણાતા નથી.

ચિન્મય જાની