સૉક્રેટિસ (. . પૂ. 469, ઍથેન્સ, ગ્રીસ; . 399) : અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતો ‘ભારતીય ઋષિ’ના બિરુદને પાત્ર મહાન તત્વજ્ઞાની. જેમ રાષ્ટ્રપિતા ગાંધીજીએ ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’ – એમ કહેલું, તેમ સૉક્રેટિસે પણ કહેલું : ‘મારું જીવન એ જ મારું તત્વજ્ઞાન છે’. વિચાર જીવનમાં જ પ્રતિબિંબિત થવા જોઈએ. જીવન સાથે સંકળાયેલ ન હોય તેવા વિચારોનું કોઈ મૂલ્ય નથી. આથી જ સૉક્રેટિસનું તત્વજ્ઞાન એ નૈતિક વ્યવહારને માટે પ્રેરક બને તેવો વિચાર છે.

સૉક્રેટિસ

પિતા શિલ્પી અને માતા દાયણ હતાં. સૉક્રેટિસ કહે છે કે ‘માતા-પિતાના વ્યાવસાયિક ગુણો મેં અપનાવ્યા છે.’ જેમ દાયણ માતાના ગર્ભમાંથી બાળકને બહાર કાઢે છે તેમ સૉક્રેટિસ લોકોના મનમાંથી અજ્ઞાનને બહાર ખેંચી કાઢે છે. જેમ શિલ્પી પથ્થરમાં માનવ-આકૃતિ કંડારે છે તેમ સૉક્રેટિસ માનવવ્યક્તિત્વને કંડારે છે – તેનું શિલ્પવિધાન કરે છે.

સૉક્રેટિસનો બાહ્ય દેખાવ અત્યંત બેડોળ હતો : ઠીંગણું કદ, ચીબું નાક, આગળ પડતી મોટી આંખો એ બધું ગ્રીસના સામાન્ય સૌષ્ઠવયુક્ત વ્યક્તિ હોય તેથી તદ્દન વિપરીત હતું; પરંતુ તેના પરિચયમાં આવનાર કોઈ પણ વ્યક્તિ તેના આંતરિક ગુણો અને મોહક વ્યક્તિત્વથી તરત જ પ્રભાવિત થઈ જતો. સંતોષ, સંયમ, હિંમત અને સાદગી તેના મુખ્ય ગુણો હતા. ગ્રીસના સૈન્યમાં તેની સેવા અદભુત હતી. કડકડતી ઠંડીમાં જ્યારે બધા બૂટ-મોજાં પહેરીને બહાર નીકળતા ત્યારે સૉક્રેટિસ ઉઘાડા પગે અન્ય જેટલી જ ઝડપથી ચાલતો. થાકવાનું તો નામ જ નહિ અને તે દિવસો સુધી ભૂખ્યો રહી શકતો એવી અસાધારણ શક્તિ હતી.

તેની પત્ની ઝેન્થીપી અતિશય કર્કશ સ્વભાવની હતી. સૉક્રેટિસ તેની બધી વાતોને હળવાશથી લેતો અથવા તેની દરકાર ન કરતો. મુશ્કેલીઓને હસી કાઢવાની સૉક્રેટિસની વૃત્તિ ખરેખર ધ્યાન ખેંચે છે. તેની એક તર્કાપત્તિ આ સંદર્ભમાં વિચારવા જેવી છે. તે કહેતો :

દરેક માણસે લગ્ન કરવાં જ જોઈએ.

કાં તો સારી પત્ની મળે અથવા ખરાબ પત્ની.

∴ કાં તો કવિ બનાય અથવા તત્વજ્ઞાની બનાય. બંને બાબતો ફાયદાકારક જ છે !

સૉક્રેટિસનો ઘણોખરો સમય ઍથેન્સની શેરીઓ કે બજારોમાં વીતતો. કોઈ માણસ મળે અને કંઈ વાત શરૂ થાય એટલે તે પોતાની લાક્ષણિક ઢબે વાત કરવા માંડતો. કોઈ શાળા કે કોઈ મકાનમાં તેની પ્રવૃત્તિઓ નહોતી થતી. શેરીઓ અને બજારો એ જ એની કાર્યશાળા હતાં.

તેના વ્યક્તિત્વ અને વિચારોથી ઘણા યુવાનો તેના તરફ આકર્ષાયા હતા. તેમાં પ્લેટો પણ એક હતો. યુવાનોને બહેકાવવાનો અને અવળે માર્ગે દોરવાનો ખોટો આરોપ તેના પર મુકાયો અને તદ્દન ખોટી રીતે તેને દેહાંતદંડની સજા કરવામાં આવી ત્યારે પ્લેટો વગેરેએ તેને ભગાડી તેનું જીવન બચાવવાની પેરવી કરી, પણ સૉક્રેટિસે ભાગી જવાનો ઇનકાર કર્યો. ભાગીને જીવવા કરતાં બહાદુરીથી મરવું તેને વધારે પસંદ પડ્યું.

તેના મૃત્યુ સમયની એક વાત નોંધપાત્ર છે : જ્યારે તેને ઝેર આપવામાં આવ્યું ત્યારે તે પીને તેણે ચાલવાનું હતું, જેથી ઝેર જલદીથી શરીરમાં ફેલાઈ જાય. એ વખતે તેની બાજુમાં રહેલ એક શિષ્યને તેણે કહ્યું કે અમુક માણસ પાસેથી પોતે એક મરઘી ઉછીની લીધી હતી. બની શકે તો તે તેને પરત કરી દેજે.

જેમ તેનું જીવન તેમ તેની જ્ઞાનપદ્ધતિ પણ મહત્વની છે. તેની એ પદ્ધતિ વાતચીતની હતી. તેને જ્ઞાન આપનારી પદ્ધતિ ગણવા કરતાં અજ્ઞાનનું ભાન કરાવતી પદ્ધતિ ગણાવી શકાય. કોઈ પણ વ્યક્તિ સાથેની વાતચીતમાં સૉક્રેટિસની ભૂમિકા પ્રશ્નકર્તાની રહેતી. જાણે કે પોતે કંઈ જ જાણતો નથી તેવા ભાવથી તે પ્રશ્નો પૂછતો. એમ કરતાં કરતાં એક તબક્કે સામી વ્યક્તિ એવો એકરાર કરતી કે પોતાને કશું જ્ઞાન નથી. આ સાથે સૉક્રેટિસની વાતચીત પૂરી થતી. તેની પદ્ધતિનો ઉદ્દેશ વ્યક્તિને પોતાના અજ્ઞાનનું ભાન કરાવવાનો હતો.

સૉક્રેટિસની એક સુપ્રસિદ્ધ ઉક્તિ આ પ્રમાણે છે : All that I know is that I know nothing. (હું એટલું જ જાણું છું કે હું કંઈ જાણતો નથી.) તેના સમયમાં સૉફિસ્ટોની બોલબાલા હતી. સૉફિસ્ટો ખરેખર કંઈ જાણતા ન હોય અથવા ઓછું જાણતા હોય છતાં પોતે ખૂબ જાણતા હોય તેવો દેખાવ કરતા. સૉક્રેટિસ તેમને પ્રશ્નો પૂછી તેમના અજ્ઞાનનું ભાન કરાવતો. વળી, સૉફિસ્ટો ભણાવવા માટે ખૂબ ઊંચી ફી લેતા. ઘણાબધા વિષયોના પોતે નિષ્ણાત હોય એવો દેખાવ કરતા. સૉક્રેટિસ ક્યારેય કોઈ ફી લેતો નહિ અને પોતે કંઈ જ જાણતો નથી એવું માનતો.

સૉફિસ્ટો સત્યની વ્યક્તિલક્ષિતા પર ભાર મૂકતા જ્યારે સૉક્રેટિસ કહેતો કે સત્ય વસ્તુલક્ષી છે. એટલે જ જ્ઞાન વિભાવનાઓ(concepts)નું બનેલું હોય છે.

સૉક્રેટિસનું મુખ્ય સૂત્ર હતું : ‘સદગુણ એટલે જ્ઞાન.’ તેનું ચિંતન નૈતિક બાબતો અંગેનું છે. તેને માટે એવું કહેવાય છે કે જે તત્વજ્ઞાન તેના જમાનામાં આકાશી પદાર્થોમાં ઉડ્ડયન કરતું હતું તેને પકડીને સૉક્રેટિસે માનવની ઝૂંપડીમાં કેદ કર્યું. મતલબ કે માનવજીવનની સમસ્યાઓ તેને મન પ્રાકૃતિક તત્વજ્ઞાન કરતાં વધારે મહત્વની હતી. આ દૃષ્ટિએ માનવજીવનને ઉત્તમ બનાવતા વિચારો કરવાની તેની નેમ હતી. જે મનુષ્ય નીતિમય જીવન વિતાવતો હોય તે જ ઉત્તમ જીવન જીવનારો કહેવાય. આથી સૉક્રેટિસ નૈતિક જીવનના પાયા રૂપે સદગુણનો વિચાર કરે છે.

માણસ વિચારશીલ પ્રાણી છે. તે જે કાંઈ વર્તન કરે છે તે વિચારપૂર્વક કરે છે. આ સંદર્ભમાં સૉક્રેટિસ કહે છે કે જ્ઞાન એ જ જીવનનું સર્વસ્વ છે. જ્ઞાન વિભાવનાઓનું બનેલું હોય છે. જ્ઞાન એ કોઈ વ્યાવસાયિક તાલીમ નથી. જ્ઞાન એ છે, જે વડે મનુષ્ય પોતાની જાતને ઓળખી શકે. આવું જ્ઞાન સદગુણી જીવન જીવવાથી જ મેળવી શકાય. આ રીતે સદગુણ અને જ્ઞાનને સૉક્રેટિસ એક ગણે છે.

જોકે, સદગુણ અને જ્ઞાનને એક ગણવા છતાં હકીકત તો એ છે કે સદગુણ કારણ છે અને જ્ઞાન પરિણામ છે. આથી તેમની વચ્ચે કારણ-પરિણામ જેટલો ભેદ રહે જ. વળી, સૉક્રેટિસની એવી માન્યતા પણ હતી કે માણસને સદગુણ શીખવી શકાય, પણ જ્ઞાન શીખવી શકાતું નથી. જ્ઞાન વ્યક્તિમાં સહજ રીતે જ સ્ફુરે છે. આમ છતાં સદગુણ અને જ્ઞાનની એકતા પર ભાર મૂકતાં કે ‘સદગુણ એટલે જ્ઞાન’ અને ‘જ્ઞાન એટલે સદગુણ’ એવાં બેવડાં સૂત્રો તેણે આપ્યાં છે. બીજા સૂત્ર દ્વારા તે એમ સૂચવવા માગે છે કે જ્ઞાન જ્યાં પૂર્ણ રૂપે ઉપસ્થિત હોય ત્યાં અનીતિ કે અયોગ્ય કર્મ થવાની શક્યતા જ નથી. મહાભારતનો દુર્યોધન કહે છે કે ધર્મ શું તે હું જાણું છું પણ તે મુજબ હું વર્તી શકતો નથી. સૉક્રેટિસ આ વાતનો ઇનકાર કરી કહેશે કે જે જ્ઞાન તમારા વર્તનમાં આવી શકતું નથી તે જ્ઞાન નહિ પણ અજ્ઞાન જ છે.

આ અર્થમાં સદગુણ અને જ્ઞાનની એકતા સૉક્રેટિસ સમજાવે છે. સૉફિસ્ટોના ‘મનુષ્યને સર્વ વસ્તુઓનો માપદંડ’ ગણવાના સિદ્ધાંતનો સૉક્રેટિસે આ રીતે અસરકારક જવાબ આપ્યો છે.

સદગુણને જ્ઞાન સાથે જોડીને વિચારવાના સૉક્રેટિસના દૃષ્ટિકોણને લીધે એમ માનવું જ પડે કે જે વ્યક્તિને સારા-નરસાના ભેદની જાણકારી હોય તે વ્યક્તિ કદી નૈતિક રીતે દુષ્ટ આચરણ કરશે જ નહિ. પ્લૅટો, ઍરિસ્ટોટલ અને બીજા ઘણા ચિન્તકોને સૉક્રેટિસનો આવો કેવળ-જ્ઞાનવાદ માન્ય થયો નથી. સારું શું છે તે જાણવા છતાં ઘણા લોકો વૃત્તિને વશ થઈને આવેશમાં કે જુસ્સામાં અયોગ્ય આચરણ કરી બેસે છે; એટલું જ નહિ, પણ અયોગ્ય નૈતિક વર્તન શું છે તે જાણવા છતાં લોકો તેનાથી કાયમ દૂર પણ રહી શકતા નથી. સદાચારની પ્રેરણામાં સદગુણ અંગેના જ્ઞાન ઉપરાંત ઇચ્છાઓ, વૃત્તિઓ, આવેગો, ભાવનાઓ વગેરે પ્રેરકો પણ મહત્વના છે. નૈતિક વર્તનનો પ્રશ્ન કેવળ જ્ઞાનનો પ્રશ્ન નથી પણ વૃત્તિઓ ઉપર પોતાના સંકલ્પ(will)થી કાબૂ રાખવાનો પ્રશ્ન પણ છે.

સૉક્રેટિસે પોતે તો જોકે કશું લખ્યું નથી, પણ તેમની ચિન્તન પદ્ધતિની અને તેઓ જે દૃઢ રીતે માનતા હતા તેની જાણકારી આપણને નીચેનાં સાધનોથી મળી રહે છે.

(1) પ્લૅટોના કેટલાક પ્રારંભિક (early) સંવાદોમાં સૉક્રેટિસની પદ્ધતિ અને તેમના નૈતિક ચિન્તન વિશેનું નિરૂપણ થયું છે. આ સૉક્રેટિસ-મતનિરૂપક સંવાદો(Socratic Dialouges)માં ‘એપોલૉજી’, ‘ક્રીટો’, ‘ચારમાઇડ્સ’, ‘યુથિફાય્રો’, ‘પ્રોટાગોરાસ’ વગેરેનો સમાવેશ થાય છે. પ્લૅટોના પછીના સંવાદોમાં પ્લૅટોની પોતાની તત્વમીમાંસા અને જ્ઞાનમીમાંસા રજૂ થઈ છે.

(2) ઝેનોફોન(Xenophon)ની Memorabilia નામની કૃતિમાં પણ સૉક્રેટિસ વિશેની જાણકારી મળે છે.

(3) ઍરિસ્ટોફેઇન્સની Clouds નામની કૉમેડીમાં સૉક્રેટિસને સૉફિસ્ટ તરીકે ઘટાવતું વ્યંગચિત્રણ થયું છે.

ઉપર્યુક્ત ત્રણ સાધનોમાંથી પ્લૅટોના ઉપર્યુક્ત સંવાદો જ સૉક્રેટિસના ચિન્તન વિશેની વિશ્વાસપાત્ર માહિતી આપે છે તેવું વિદ્વાનોનું મંતવ્ય છે.

પરંપરાગત માન્યતાઓને ને ધાર્મિક કર્મકાંડોને પડકારવાની તેમજ સ્વતંત્ર વિચારવાની હિંમત કેળવવા બદલ સૉક્રેટિસને મૃત્યુદંડ મળ્યો. સૉક્રેટિસે તો સ્વતંત્ર રીતે વિચારવાની તાર્કિક પદ્ધતિને સ્થાપવાના જ માત્ર પ્રયત્નો કર્યા હતા. કોઈ આખરી સત્યનો તેમનો દાવો ન હતો. તેમ છતાં તેમને મૃત્યુદંડ દેવાયો હતો. સૉક્રેટિસે પોતાના મૃત્યુ દ્વારા સત્યનિષ્ઠા વ્યક્ત કરી હતી તે અનન્ય ઐતિહાસિક ઘટના છે.

કિશોર સ. દવે