સૈરંધ્રી : મૂક ચલચિત્ર. નિર્માણવર્ષ : 1920. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : મહારાષ્ટ્ર ફિલ્મ કંપની. દિગ્દર્શક અને પટકથા : બાબુરાવ પેન્ટર. કથા : કૃષ્ણાજી પ્રભાકર ખાડિલકરના તે જ નામ ધરાવતા નાટક પર આધારિત. છબિકલા : શેખ ફત્તેલાલ, બાબુરાવ પેન્ટર. મુખ્ય કલાકારો : બાળાસાહેબ યાદવ, ઝુંઝારરાવ યાદવ, કમલાદેવી, કિશાબાપુ બાકરે, બાબુરાવ પેંઢારકર, ગણપત બાકરે, સુશીલાદેવી.

ભારતમાં ચલચિત્રોના વિકાસમાં બાબુરાવ પેન્ટર અને તેમણે સ્થાપેલી મહારાષ્ટ્ર ફિલ્મ કંપનીનું બહુ મોટું યોગદાન રહ્યું છે. 1919માં આ કંપનીની સ્થાપના કર્યા બાદ બાબુરાવે પહેલું જ મૂક ચિત્ર ‘સૈરંધ્રી’ બનાવ્યું હતું. આ કથાનક પર પસંદગી ઉતારવાનું મુખ્ય કારણ એ હતું કે આ કથાનક મહારાષ્ટ્રમાં 1850થી વિવિધ સ્વરૂપોમાં દર્શાવાતું રહ્યું હતું અને લોકો માટે તે માત્ર જાણીતું જ નહોતું, પણ ખૂબ લોકપ્રિય પણ હતું. મહાભારતમાં પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન બનેલી આ ઘટનામાં લોકરંજનનાં તમામ તત્ત્વો મોજૂદ છે. રસોઇયાના રૂપમાં ભીમ અને રાણીની દાસીના રૂપમાં દ્રૌપદી, તેને હેરાન કરતો કીચક અને અંતે ભીમ દ્વારા કીચકનો વધ – આ તમામ પ્રસંગોને ગૂંથીને એક રસપ્રદ કથાનક બની ગયું છે. બાબુરાવે બનાવેલા ચિત્ર ‘સૈરંધ્રી’ સંદર્ભે એક રસપ્રદ વાત તો એ છે કે તેમણે આ કથાનક્ને પ્રવર્તમાન રાજકીય સ્થિતિ સાથે સાંકળી લીધું હતું. તેમાં કીચક્ને લૉર્ડ કર્ઝનનું પ્રતીક અને દ્રૌપદીને ભારતમાતાનું પ્રતીક બનાવી દેવાયાં હતાં. ખાડિલકર લિખિત આ નાટક પર બ્રિટિશ સરકારે પ્રતિબંધ લાદી દીધો હતો, પણ તેના પરથી ચલચિત્ર બનતાં તે ખૂબ લોકપ્રિય થયું હતું. બાબુરાવ પેન્ટર પોતાનાં ચિત્રોમાં દૃશ્યોને વાસ્તવિકતાનો સ્પર્શ આપવા માટે જાણીતા હતા. આ ચિત્રમાં ભીમ કીચક્ને મારી નાંખ્યા પછી જે રીતે તેનું કપાયેલું માથું હાથમાં રાખીને ઊભેલો દર્શાવાયો હતો, તે દૃશ્ય સામે સેન્સરે વાંધો લેતાં તેને કાઢી નાંખવું પડ્યું હતું. ભીમ અને કીચકની ભૂમિકાઓ માટે બે વ્યાવસાયિક પહેલવાનોને લેવાયા હતા. તેમણે પછી બીજાં ઘણાં ચિત્રોમાં કામ કર્યું હતું. આ ચિત્રને રંગીન બનાવવાનો પ્રયાસ કરાયો હતો અને તે માટેની રાસાયણિક પ્રક્રિયા માટે તેને જર્મની મોકલાઈ હતી, પણ તેમાં સફળતા મળી નહોતી. જોકે તે પ્રથમ ભારતીય રંગીન ચિત્ર હોવાનો પણ ઘણી જગ્યાએ ઉલ્લેખ મળે છે.

હરસુખ થાનકી