સૈયદ, સબાહુદ્દીન અબ્દુલરહમાન મોહિયુદ્દીન

February, 2008

સૈયદ, સબાહુદ્દીન અબ્દુલરહમાન મોહિયુદ્દીન (જ. 1911, દેસ્ના, જિ. નાલંદા, બિહાર) : ફારસી-ઉર્દૂના લેખક, સંશોધક અને ઇતિહાસકાર. પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ વતનમાં પૂરો કર્યા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસાર્થે અલીગઢ ગયા. ફારસી-ઉર્દૂમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. પછી આઝમગઢની પ્રસિદ્ધ સંસ્થા ‘દારૂલ મુરાન્નિફીન’માં ‘નાઝિમેઆલા’ એટલે સર્વોચ્ચ વ્યવસ્થાપક તરીકે જોડાયા. તેઓ ‘મુઆરિફ’ના સંપાદક રહેલા.

વિવિધ વિષયોને આવરી લેતા મોટા કદના ગ્રંથો તેમણે આપ્યા છે : ‘લઝમે સૂફિયા’, ‘લઝમે મમલૂકિયા’ અને ‘લઝમે તૈમૂરિયા’ નામક 3 ભાગમાં લખાયેલ ઇતિહાસને લગતા ગ્રંથો છે, જે ખૂબ લોકપ્રિય નીવડ્યા છે. તે ઉપરાંત ‘હિંદુસ્તાન કે અહદે વૃસ્તા કી એક એક ઝલક’; ‘હિંદુસ્તાન કે અહદે વૃસ્તા કા ફૌજી નિઝામ’; ‘હિંદુસ્તાન કે મુસલમાનોં કે તહઝીબી કારનામેં’; ‘હિંદુસ્તાન કે મુસલમાનોં કે તમદુની જલ્વે’; ‘એહદે મુગલિયા : મુસલમાન-હિન્દુ મુઅર્રિખન કી નઝર મેં’; ‘હિંદુસ્તાન કે અહદે માઝીમેં મુસલમાનોં હુક્મરાનોં કી મઝહબી રવાદારી’ – 3 ભાગમાં તથા ‘અમીર ખુસરો કી શાયરી’ – 2 ભાગમાં ખાસ ઉલ્લેખનીય છે.

તેમણે પાકિસ્તાન, ઇંગ્લૅન્ડ અને અરબ દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. તેમને રાજ્ય અકાદમીના ઍવૉર્ડ, ગાલિબ ઍવૉર્ડ, પ્રેસિડેન્ટ ઍવૉર્ડ, બિહાર ઉર્દૂ અકાદમીનો ‘લાઇફ ટાઇમ સાહિત્ય સેવા’ ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા