સૈયદ મોહંમદ જોનપુરી

February, 2008

સૈયદ, મોહંમદ જોનપુરી (. 1443, જોનપુર; . 23 એપ્રિલ 1504, ફર્રાહ) : મેહદવી પંથના સ્થાપક. પોતાને હજરત મહંમદ પેગંબર સાહેબના દોહિત્ર ઇમામ હુસેનના વંશજ ગણાવતા હતા. આખું નામ સૈયદ મોહંમદ નૂરબક્ષ જોનપુરી હતું. પાંચ વર્ષની નાની ઉંમરે શાળામાં શિક્ષકોને પોતાના જ્ઞાનથી મુગ્ધ કર્યા. યુવાનીમાં લશ્કરમાં જોડાયા. ઈ. સ. 1482માં જોનપુરમાં સંત તરીકે જીવન શરૂ કર્યું અને ‘વલી’ તરીકે વર્તવા માંડ્યું.

જોનપુરના પતનથી તેમને લાગ્યું કે ‘આખ્ખર જમાનો’ આવી ગયો છે. એક વખત એમણે આકાશવાણી સાંભળી કે ‘અંત મેહદી’ અર્થાત્ ‘તું મેહદી’ છે; તેથી તેમણે કાબા શરીફ મુકામે પોતાને મેહદી તરીકે જાહેર કર્યા. ઇસ્લામમાં એક પરંપરા છે કે કયામતના દિવસ પહેલાં એટલે કે સૃષ્ટિના અંત વખતે ન્યાયના દિવસ પહેલાં ઇમામ મેહદીનો અવતાર થશે અને સાત વર્ષ સુધી દુનિયા પર અમલ કરી અસ્ત પામતા ધર્મનો પુનરુદ્ધાર કરશે. તેમના મેહદી હોવાના દાવા વિશે ‘મિરાતે અહમદી’ નોંધે છે તેમ, તેમણે પોતે ‘ઇમામ મેહદી’ હોવાનો દાવો કર્યો નહોતો; પરંતુ તેમના ચમત્કારો ઉપરથી તેમના મુરીદોએ તેમને ઇમામ મેહદી માની લીધા હતા.

તેઓ સુલતાન મહમૂદ બેગડાના રાજ્ય-અમલની આખરમાં ઈ. સ. 1497માં અમદાવાદ આવ્યા અને જમાલપુર દરવાજા પાસે તાજખાન સાલારની મસ્જિદમાં મુકામ કર્યો. ધર્મોપદેશક તરીકે એમની અસાધારણ ખ્યાતિની વાત સુલતાનના કાન સુધી પહોંચી. તેથી સુલતાને તેમને મળવાની ઇચ્છા દર્શાવી. વળી શાહઆલમ સાહેબના સગા સૈયદ શાહ શેખજી પણ તેમને મળ્યા હતા અને એમણે જાહેર કર્યું કે સૈયદ મોહંમદ જોનપુરી આધ્યાત્મિક ઉન્માદની દશામાં છે. આ બંને સંતોએ સમગ્ર વાતચીત કુર્આને શરીફની આયાતોમાં જ કરી હતી.

અમદાવાદથી પાટણ આવવા માટેનાં તેમના સંબંધી બે કારણો મળે છે. પ્રથમ, સુલતાન મહમૂદ બેગડાને સૈયદ મોહંમદ જોનપુરી પ્રત્યે આકર્ષણ થયું હતું અને એના અમીરોને ડર લાગ્યો કે જો સુલતાન તેમના આધ્યાત્મિક પ્રભાવતળે આવી જશે તો રાજ્યશાસન પ્રત્યે ઉદાસીન બનશે અને રાજ્યમાં અવ્યવસ્થા ફેલાશે; પરિણામે અમદાવાદના ઉલેમાઓએ સૈયદ વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો. બીજું કારણ એ બતાવવામાં આવે છે કે સૈયદે એક દિવસ પોતાના એક મુરીદને એવું કહ્યું કે પોતે તેને અંતર્ચક્ષુથી અલ્લાહ તા’લા બનાવશે. તેમનું આ કથન અમદાવાદના ઉલેમાઓ સુધી પહોંચી ગયું. આ બાબતની ખાતરી કર્યા પછી તેમણે સૈયદ મોહંમદ સામે કુત્ર્ફ અર્થાત્ નાસ્તિકતાનો ફતવો બહાર પાડ્યો. અમદાવાદના તે વખતના મુફતીઓ(ફતવો બહાર પાડનાર)માંથી તેમના આગેવાન મૌલાના મોહમ્મદ તાજ સિવાય બાકીના તમામે તેમાં સહી કરી હતી.

તેઓ ઈ. સ. 1499માં પાટણ આવ્યા અને આ નગરની પાસે આવેલા બારલી (વલ્લી) નામના ગામમાં તેમણે મુકામ રાખ્યો; પરંતુ અમદાવાદના મુફતીઓના ફતવાને કારણે પાટણના ઉલેમાઓએ પણ તેમને મારી નાખવાનું જાહેર કર્યું. તેથી તેઓ ઉત્તર ભારત તરફ ચાલ્યા ગયા.

ત્યાંથી તેઓ ખુરાસાન તરફ ગયા અને ત્યાં ફર્રાહ નામના શહેરમાં તાવ આવવાથી જન્નતનશીન થયા. કેટલાકના મતે સૈયદને ખુરાસાનમાં મારી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ મુસાફરીમાં તેમની સાથે રહેનારા સૈયદ ખોન્દમીર અને સૈયદ મોહમ્મદમાંથી સૈયદ ખોન્દમીર ગુજરાત પાછા આવ્યા અને સૈયદ મોહંમદ જોનપુરીને ઇમામ મેહદી તરીકે કબૂલ રાખી પોતાના પંથનો પ્રચાર કરવા માંડ્યો. ‘મિરાતે અહમદી’માં વર્ણવ્યા પ્રમાણે સુલતાન મહમૂદ ત્રીજો, સુલતાન મહમૂદ મુઝફ્ફરશાહ ત્રીજો તેમજ તેનો વજીર ઇલિમાદખાન તથા બીજા અમીરો ઉપરાંત પાટણના શેરખાન અને મુસલમાન ફુબાદી તથા પાલનપુરના નવાબો વગેરે આ મેહદવી સંપ્રદાયના અનુયાયી હતા.

15મી સદીના ઉત્તરાર્ધમાં સૈયદ મોહંમદ જોનપુરીએ ઉત્તર ભારતમાં મેહદવી પંથ પ્રવર્તાવી ગુજરાતમાં પણ એનો પ્રચાર કર્યો. આ પંથનો પ્રભાવ સામાન્ય લોકોમાં ઝડપથી પ્રસર્યો. મધ્ય ગુજરાતમાં ડભોઈ અને ઉત્તર ગુજરાતમાં પાલનપુર એનાં મહત્ત્વનાં કેન્દ્રો બન્યાં. ખાસ કરીને કારીગર લોકોએ આ પંથ અપનાવ્યો.

તેમના સમગ્ર જાહેર જીવનમાં તેમણે ઘણા ચમત્કારો કરી દેખાડ્યા હતા. એમ કહેવાય છે કે તેઓ મરેલાઓને સજીવન કરતા હતા, આંધળાને દેખતા અને મૂંગાને બોલતા કરતા હતા. એક બહુ જાણીતી અનુશ્રુતિ નીચે પ્રમાણે છે :

એક જુવાને પોતાની પ્રેમિકા સાથે આખી રાત ગાળી પરંતુ સવારના તેની સાથે ઝઘડો થયો. તેથી ગુસ્સામાં તે સીધો સાબરમતી નદી તરફ ગયો. તે વખતે સૈયદ મોહંમદ પોતાના કેટલાક મુરીદો સાથે ફજરની નમાજ પઢવા જઈ રહ્યા હતા. તેમણે આ યુવાનને જોઈને કહ્યું કે ‘દુન્યવી પ્રેમ તરફ ગુસ્સામાં મોં ફેરવી આવેલાને હું દૈવી પ્રેમનો રસ્તો બતાવું.’ આ સાંભળી પેલો યુવાન એકાએક ચીસ પાડીને પડી ગયો. તે ભાનમાં આવ્યો ત્યારે તેમનો ચુસ્ત અનુયાયી બની ગયો; એટલું જ નહિ તેણે વિરક્ત થઈ સંસાર-ત્યાગ કર્યો.

મેહદવીઓની માન્યતા મુજબ સૈયદ મોહંમદ જોનપુરી ઇમામ મેહદી હતા. તેઓ રાતની ઇશાન્ત નમાજ પછી આવી દુઆ પઢે છે :

‘લા ઈલાહા ઇલ્લાલાહા મોહમ્મદ રસૂલ લ્લાહા, અલ કુર્આનો વંલ મહેદી ઇમામૌના’

ઘણી વખત મેહદવીઓ નમાજ અદા કર્યા પછી હાથ ઉઠાવી દુઆ માગતા નથી.

ઈશ્વરલાલ ઓઝા