સૈની રાજકુમાર

February, 2008

સૈની, રાજકુમાર (. 7 સપ્ટેમ્બર 1942, દિલ્હી) : હિંદી વિવેચક અને લેખક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ. (હિંદી) તથા એલએલ.બી.ની તેમજ ‘સાહિત્યરત્ન’ની પદવી મેળવી, પછી તેઓ ગૃહ-વિષયક બાબતોના મંત્રાલય હેઠળ રાજભાષા વિભાગના નિયામક (સંશોધન) તરીકે જોડાયા. તેઓ રાજભાષા અંગેની સંસદ સમિતિમાં કાર્યકારી સેક્રેટરી; ‘રાજભાષા ભારતી’ અને ‘રાજભાષા પુષ્પમાલા’ના સંપાદક; ફણીશ્વરનાથ રેણુ પુરસ્કાર ઍવૉર્ડ સમિતિના સભ્ય; પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશનની રાષ્ટ્રીય સમિતિના સભ્ય અને સંસદસભ્ય રહ્યા હતા.

તેમણે 9 ગ્રંથો આપ્યા છે. ‘નરમ નરમ ધૂપ’ (1985); ‘ઘાટી સે શિખર તક’ (1986)  આ બંને તેમના કાવ્યસંગ્રહો છે. ‘સમર્પણ’ (1984) અને ‘બદલાવ’ (1990) તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ‘સાહિત્યસ્રષ્ટા નિરાલા’ (1981), ‘યથાર્થવાદ ઔર સૌંદર્યશાસ્ત્ર’ (1988) તેમના ઉલ્લેખનીય વિવેચનગ્રંથો છે; જ્યારે ‘પ્રભા’ (1982), ‘આશુતોષ’ (1982), ‘દીવાર મેં તરેર’ (1996) તેમની લોકપ્રિય નવલકથાઓ છે. તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1996-97નો દિલ્હી હિંદી અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.

બળદેવભાઈ કનીજિયા