સૈની, પ્રીતમ [. 7 જૂન 1926, કરવાલ, જિ. સિયાલકોટ (હાલ પાકિસ્તાન)] : પંજાબી લેખક અને વિવેચક. તેમણે પંજાબ યુનિવર્સિટી, પતિયાળામાંથી એમ.એ., પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. પછી પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી. તેઓ કેન્દ્રીય પંજાબી લેખક સભાના આજીવન સભ્ય; પંજાબી લેખક સભા, સંગરૂરના પ્રમુખ અને યુનિયન ઑવ્ જર્નાલિસ્ટ્સ, સંગરૂરના સિનિયર ઉપપ્રમુખ રહ્યા હતા.

તેમણે 50થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ધીયે ઘર જા અપને’ (1981); ‘ઇશ્ક તે દમિશક’ (1984) તેમની ઉલ્લેખનીય નવલકથાઓ છે. ‘જંગનામા શાહ મોહમ્મદ’ (1974) અને ‘હીર વારિસ : એક પુનર્મૂલ્યાંકન’ (1976) તેમના વિવેચનગ્રંથો છે. ‘સૈયદ ફઝલ શાહ : જીવન તે રચના’ (1984) ચરિત્રગ્રંથ છે. તેમણે બાળકો માટે એક દૂરદર્શન પરની ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને મોહિન્દર કૌર કલ્ચરલ સોસાયટી ઍવૉર્ડ, યુકે અને અન્ય ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા