સેશ્વાન (સિચુઆન)

February, 2008

સેશ્વાન (સિચુઆન) : નૈર્ઋત્ય ચીનની યાંગત્સે નદીની ખીણના ઉપરવાસમાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 31° 00´ ઉ. અ. અને 105° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 5,46,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંતની કુલ વસ્તી 11,43,00,000 (1997) જેટલી છે અને વસ્તીગીચતા દર ચોકિમી. સરેરાશ 190 છે. સેશ્વાન-થાળામાં આવેલું ચેંગ-દુ (ચેંગ-તુ) તેનું પાટનગર છે. ચીનના પ્રાંતો પૈકી વિસ્તારમાં તે બીજા ક્રમે આવે છે. તેની ઉત્તરમાં કાન્શુ અને શેન્સી પ્રાંતો, પૂર્વમાં હુપેહ અને હોનાન પ્રાંતો, દક્ષિણમાં ક્વિચાઉ અને યુનાન પ્રાંતો, પશ્ચિમમાં તિબેટનો સ્વાયત્ત પ્રદેશ તથા વાયવ્યમાં ત્સિંઘાઈ આવેલાં છે.

હોઆંગહો ખીણના ઉપરવાસના પ્રાંતોને બાકાત રાખતાં સેશ્વાન પ્રાંત ચીની વસવાટનો સર્વપ્રથમ પ્રદેશ ગણાતો હતો. ચાઉ વંશ(ઈ. પૂ. 1122થી 221)થી માંડીને સુંગ અને દક્ષિણી સુંગ વંશ (ઈ. સ. 960થી 1279) સુધી તેનો વહીવટ જુદા જુદા રાજકીય વિભાગો મારફતે થયો હતો. ચિંગ વંશ (1644-1911) દરમિયાન સેશ્વાનને એક પ્રાંત તરીકેનો દરજ્જો મળ્યો. 1911થી 1930નાં ચીની પ્રજાસત્તાકનાં સંઘર્ષનાં વર્ષો દરમિયાન, ચીન જુદા જુદા સ્વતંત્ર લશ્કરી વિભાગોમાં વહેંચાયેલું હતું, ત્યાં સુધી એટલે 1935 સુધી તેનો વહીવટ ચીની રાષ્ટ્રીય સરકાર હેઠળ હતો. 1937-45ના ચીનીજાપાની યુદ્ધ દરમિયાન આ પ્રાંત રાષ્ટ્રીય સરકારના મુખ્ય મથક તરીકે રહેલો, ત્યારે પણ જાપાનીઓ આ પ્રાંતમાં પ્રવેશી શકેલા નહિ.

સેશ્વાન પ્રાંત બધી બાજુએ ઊંચા પર્વતોથી ઘેરાયેલો છે, પરંતુ તેની પૂર્વ બાજુએ સેશ્વાનનું વિશાળ થાળું આવેલું છે, તેને ‘લાલ થાળું’ પણ કહે છે. આ થાળાની કોર ઉચ્ચપ્રદેશોથી ઘેરાયેલી છે. અહીંનો સમગ્ર ભૂમિભાગ બધી બાજુએથી આ વિશાળ થાળા તરફ ઢળતો છે. પશ્ચિમ સેશ્વાનમાં આવેલાં ભૂમિસ્વરૂપોમાં ઉત્તર તરફના ઉચ્ચપ્રદેશ અને દક્ષિણ તરફના પર્વતો મારફતે ઠંડા ધ્રુવીય પવનો વાય છે; તેને પરિણામે અહીં હોવી જોઈએ તે કરતાં નરમ આબોહવા પ્રવર્તે છે. આખુંય વર્ષ લગભગ આ પ્રકારની જ મોસમ રહે છે. જોકે પૂર્વ તરફના ભાગમાં વારંવાર ધુમ્મસ છવાય છે. વર્ષના ઘણા દિવસો વાદળછાયા રહે છે. પવનોનું પ્રમાણ લગભગ ઓછું રહે છે અને સાપેક્ષ ભેજનું પ્રમાણ વિશેષ રહે છે. પશ્ચિમ ભાગ પર્વતોથી રક્ષાયેલો છે, તેનાં શિખરો હિમાચ્છાદિત રહે છે, જ્યારે નીચાણવાળા ભાગોમાં નરમ હવામાન રહે છે. શિયાળા દરમિયાન પહાડી પ્રદેશમાં ભારે હિમવર્ષા થાય છે તથા પૂર્વના પ્રદેશની સરખામણીએ અહીં વરસાદ ઓછો પડે છે.

અર્થતંત્ર : સેશ્વાન પ્રાંત ચીનમાં ડાંગરના ઉત્પાદનમાં મોખરે છે. મકાઈ અને શક્કરિયાંનું ઉત્પાદન પણ આગળ પડતું છે, આ ઉપરાંત અહીં ઘઉં, સરસવ, જુવાર, જવ, સોયાબીન તથા બાજરી પણ થાય છે. રોકડિયા પાકોમાં શેરડી, કપાસ, તમાકુ, રેશમ, શણ અને ચાનો સમાવેશ થાય છે. આ પ્રાંતમાં પશુઓનો ઉછેર કરવામાં આવે છે. ચીનમાં આ જ એક એવો પ્રાંત છે જ્યાં દક્ષિણ ચીનની જળભેંસ (water-buffalo) તેમજ ઉત્તર ચીનના બળદ એકસાથે જોવા મળે છે. અહીંના ડુક્કરના વાળ પીંછી બનાવવાના ઉપયોગમાં લેવાતા હોવાથી તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે અને વર્ષોથી તેની નિકાસ થાય છે.

લાકડાના ઉદ્યોગમાં પણ સેશ્વાન પ્રાંત મંચુરિયા પછીના બીજા ક્રમે આવે છે. આ પ્રાંતમાં મૂળ સ્વરૂપે રહેલો જંગલ-આચ્છાદિત વિસ્તાર હજી આજે પણ જોવા મળે છે. તેમાં સ્પ્રુસ, ફર અને બર્ચનાં વૃક્ષો આવેલાં છે. અહીં વડ, સાયપ્રસ, તાડ અને વાંસનાં વૃક્ષોનું પ્રમાણ વિશેષ છે. વિવિધ પ્રકારના ખનિજ-નિક્ષેપો પણ વિપુલ પ્રમાણમાં મેળવવામાં આવે છે.

સેશ્વાન આજે નૈર્ઋત્ય ચીનનો ઘણો મહત્ત્વનો ઔદ્યોગિક પ્રાંત બની રહ્યો છે. અહીંના અગત્યના ઉદ્યોગોમાં લોહ અને તાંબાનું શોધન, યંત્રસામગ્રી અને વીજઊર્જાનું ઉત્પાદન, કોલસાનું ખનન, ખનિજતેલની રિફાઇનરીઓ, રસાયણોનું ઉત્પાદન અને ખાદ્યસામગ્રીનું પ્રક્રમણ તથા કાપડ-ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે.

સદીઓથી આ પ્રાંતમાંનું પરિવહન-માળખું ખૂબ જ મુશ્કેલીભર્યું રહ્યું છે. યાંગત્સે નદી પરિવહન માટેની કરોડરજ્જુ સમાન રહી છે. 1000 ટન ક્ષમતા ધરાવતી સ્ટીમરો તેમાં વર્ષભેર અવરજવર કરી શકે છે. તેની સહાયક નદીઓમાં તેનાથી ઓછી ક્ષમતાવાળી નૌકાઓથી હેરફેર થાય છે. ભારે વજનવાળો માલસામાન લાવવાલઈ જવા રેલમાર્ગનો ઉપયોગ થાય છે. અહીંની ભૂમિ સમતળ ન હોવાથી સડકમાર્ગો બાંધવાનું અને નિભાવવાનું મુશ્કેલ છે. વળી પહાડોમાં અવારનવાર ભૂપાત (landslides) થયાં કરે છે. આ પ્રાંતમાં હવાઈ માર્ગોની સુવિધા ઉપલબ્ધ છે.

વસ્તી : સમગ્ર ચીનના સંદર્ભમાં જોતાં, અહીં ખૂબ જ ગીચ વસ્તી છે; એટલું જ નહિ, અહીં વિવિધ જાતિના લોકો વસે છે. જુદી જુદી જાતિઓમાં હાન અથવા ચીની, યી (લોલો), તિબેટી, મિયાઓ, હુઈ અથવા ચીની મુસ્લિમો અને ચિયાંગ લોકોનો સમાવેશ થાય છે. બિનચીનીઓનો મોટો ભાગ તદ્દન સ્વતંત્ર રીતે રહે છે અને પરંપરાગત જીવન જીવે છે.

અહીં મુખ્યત્વે ત્રણ ભાષાભાષી સમૂહો છે : ચીની લોકો દક્ષિણ મંડારીન ભાષા, યી અને તિબેટી લોકો તિબેટોબર્મી ભાષા, જ્યારે મુસ્લિમ લોકો દક્ષિણ મંડારીન ભાષા બોલે છે; પરંતુ તેમનાં ધાર્મિક કાર્યોમાં તેઓ ટર્કી કે અરબી ભાષાનો ઉપયોગ કરે છે. વસ્તીની ગીચતા ઘણી હોવા છતાં વસ્તી-વહેંચણીનું પ્રમાણ એકસરખું નથી. 95 % લોકો પ્રાંતના પૂર્વભાગમાં વસે છે. વસ્તીનો મોટો ભાગ પહાડી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. નદીતટના સીડીદાર ભાગોમાં શહેરી વસ્તીનું પ્રમાણ જોવા મળે છે. યાંગત્સે નદીકાંઠે પંદર જેટલાં શહેરો વસેલાં છે. વારંવારનાં પૂરના ભયથી મકાનો થાંભલાઓ પર બાંધવામાં આવે છે. નૈર્ઋત્ય ચીનમાં આવેલું ચુંગકિંગ અહીંનું સૌથી મોટું શહેર છે. તે વ્યાપારી, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક અને પરિવહનનું મથક બની રહ્યું છે. આ પ્રાંતનાં અન્ય મુખ્ય શહેરોમાં પાટનગર ચેંગ-દુ (ચેંગ-તુ), ત્ઝુકિંગ, આઇ-પિન, નાન-ચુંગ, યા-આન, કગ-તિંગ અને સિ-ચાંગનો સમાવેશ થાય છે.

જાહનવી ભટ્ટ