સેવાલિયા : પંચમહાલ જિલ્લામાં પંચમહાલ-ખેડા સીમા નજીક આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 22° 50´ ઉ. અ. અને 73° 21´ પૂ. રે.. તે મહી નદીના કાંઠા નજીક પૂર્વ તરફ 6 કિમી.ના અંતરે વસેલું છે. સેવાલિયાનું ભૂપૃષ્ઠ બેસાલ્ટ ખડકોથી બનેલું છે, જમીનો ખડકાળ તેમજ કાળી છે. કાળી જમીનોમાં ખેતીના પાકો લેવાય છે. નજીકમાં બેસાલ્ટની કપચી બનાવવાની સપાટી-ખાણો આવેલી છે. બાલાસિનોરની આજુબાજુમાં મળતા સારી જાતના ચૂનાખડકોને કારણે અહીં સિમેન્ટનું કારખાનું સ્થપાયેલું છે. સિમેન્ટના કારખાનાને કારણે સેવાલિયા ગુજરાતભરમાં જાણીતું બનેલું છે. અહીંની વસ્તીના ઘણાખરા લોકો કારખાનામાં શ્રમિકો તરીકે કામ કરે છે. અહીં પ્રાથમિક અને માધ્યમિક શાળા, ચિકિત્સાલય, પ્રાથમિક આરોગ્યકેન્દ્ર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. નજીકમાં આવેલા ટુવા-ટીંબાના ગરમ પાણીના ઝરા ગુજરાતભરમાં જાણીતા છે. સેવાલિયા આણંદ-ગોધરા રેલમાર્ગ પરનું રેલમથક છે. તે લુણાવાડા તાલુકાનાં જુદાં જુદાં સ્થળો સાથે સડકમાર્ગે જોડાયેલું છે.

નીતિન કોઠારી