સેમારંગ : મધ્ય જાવાનું પાટનગર, મુખ્ય બંદર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 6° 58´ દ. અ. અને 110° 25´ પૂ. રે.. ઇન્ડોનેશિયાનાં મોટાં શહેરો પૈકી તે પાંચમા ક્રમે આવે છે. મધ્ય જાવાના ઉત્તર કાંઠા નજીક વસેલું આ શહેર જાવા સમુદ્ર અને ઉંગારન પર્વત વચ્ચેનો કિનારાનો સાંકડો મેદાની ભાગ આવરી લે છે. સેમારંગનો લગભગ અડધો ભાગ બારા નજીકના કળણ વિસ્તાર પર અને બાકીનો અડધો ભાગ દક્ષિણ તરફની ઉંગારન પર્વત તળેટીમાં આવેલો છે. બારા નજીકનો વિસ્તાર ખૂબ જ ગરમ અને ભેજવાળો રહે છે. ઇન્ડોનેશિયાનું મહત્તમ તાપમાન ક્યારેક અહીં આ શહેર ખાતે અનુભવાય છે.

બ્લેન્ડક ચર્ચ

કૅન્ડી તરીકે ઓળખાતો શહેરનો દક્ષિણ ભાગ જાવા સમુદ્ર તરફથી વાતી ઠંડી લહેરોથી ઠંડો રહે છે, તેથી ત્યાંની આબોહવા સમશીતોષ્ણ રહે છે. આ શહેરમાં સરેરાશ વાર્ષિક વરસાદ 1650 મિમી. જેટલો પડે છે. જ્યારે ઝંઝાવાતી મોસમી પવનો વાય છે ત્યારે સેમારંગનું બારું ભયમાં મુકાઈ જાય છે. ભૂતકાળમાં જહાજોને કોઈ રક્ષણ મળતું ન હતું, પરંતુ 1980ના દાયકા દરમિયાન બારાનો સારો વિકાસ થયો છે. 1985માં 1500 મીટર લાંબી જળરોધી પટ્ટી બાંધવામાં આવી છે, જેથી આખુંય વર્ષ બારું કાર્યરત રહે છે. આ શહેરનું જાણીતું બ્લેન્ડક ચર્ચ જોવાલાયક સ્થળ છે. સેમારંગની વસ્તી 13,70,000 (1995) છે.

ગિરીશભાઈ પંડ્યા