સેનાપતિ ફકીરમોહન

January, 2008

સેનાપતિ, ફકીરમોહન (. 1843; . 1918) : ઊડિયા સાહિત્યમાં અર્વાચીન યુગના એક સ્થાપક, ઉત્તમ નવલકથાકાર અને વાર્તાકાર. બાળપણથી જ અનાથ બનતાં દાદીએ તેમનો ઉછેર કર્યો અને તેમની ભારે માંદગીમાંથી ઊગરે તો તેને ફકીર બનાવવાની માનતા માની. બીમારીમાંથી ઊગર્યા બાદ કેટલોક વખત તહેવારોમાં ઘેર ઘેર ફરી ભીખ માગી. તેના પરથી તેમનું નામ ‘ફકીર’ પડ્યું. પાછળથી તેઓ ‘ફકીરમોહન’ તરીકે ઓળખાયા. તેમનું મૂળ નામ વ્રજમોહન હતું. ગરીબાઈ, માંદગી અને અવગણનાને લીધે તેઓ મહેનતકશ જીવન જીવ્યા. નાણાંના અભાવે અંગ્રેજી શિક્ષણથી તેઓ વંચિત રહ્યા.

ફકીરમોહન સેનાપતિ

શરૂમાં મીઠા ખાતામાં, સઢ બનાવવાના ઉદ્યોગમાં કારીગર, જિલ્લા કલેક્ટરની કચેરીમાં ક્લાર્ક અને શાળામાં શિક્ષકની નોકરી કરી. પછી બાલાસોરમાં છાપખાનું નાખી છાપાનું સંપાદન કર્યું. તે છોડી દઈને ઓરિસા રાજ્યની નીલગિરિ, દમ્પારા, ધેન્કાનલ, કિઓન્ઝાર અને પલહારા જેવી વિવિધ જાગીરોના આસિસ્ટન્ટ મૅનેજર અને દીવાન તરીકે વહીવટી સેવા બજાવી.

તે દરમિયાન તેઓ બાલાસોરના કલેક્ટર જૉન બિમ્સના સંપર્કમાં આવ્યા. તેથી તેમને ભારે લાભ થયો. 1898માં તેમણે ચેન્નાઈ(મદ્રાસ)ની કૉંગ્રેસ પરિષદમાં હાજરી આપી અને 1918માં અલગ અલગ પ્રાંતમાં વિભાજિત ઊડિયા ભાષા બોલતા જુદા જુદા વિસ્તારોના એકત્રીકરણ માટે ઝંખતા સંગઠન ઉત્કલ સંમિલનના પ્રમુખ બન્યા.

19મી સદીના પાછલા ભાગમાં શાળા-શિક્ષણના માધ્યમ તરીકે ઊડિયા ભાષાનાં પાઠ્યપુસ્તકોના અભાવે તે વિષય તરીકે નાબૂદ થવાની તૈયારીમાં હતી. ઓરિસાનું સમૃદ્ધ અને પ્રાચીન સાહિત્ય પ્રગટ કરાયું ન હતું અને તે હજી તાડપત્રની હસ્તપ્રતોમાં અસ્તિત્વ ધરાવતું હતું. ઊડિયા ભાષાને જીવંત રાખવા ફકીરમોહને 1868માં બાલાસોરમાં છાપખાનું નાખી ‘બોધદામિની’ અને ‘બાલાસોર સંબંધવાહિકા’ નામનાં બે જર્નલો પ્રસિદ્ધ કર્યાં. તેમાં તેમની પ્રથમ વાર્તા ‘લછમનિયા’ પ્રગટ કરી. પછી ઓરિસાની પ્રાથમિક અને મિડલ અંગ્રેજી શાળાઓ માટે તેમણે ઇતિહાસ અને વ્યાકરણનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરીને પ્રગટ કર્યાં અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું જીવનચરિત્ર બંગાળીમાંથી અનૂદિત કર્યું. રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભગવદ્ગીતા, હરિવંશ પુરાણ અને કેટલાંક ઉપનિષદોનું તેમણે સરળ રૂઢિપ્રયોગવાળી ઊડિયા ભાષામાં ભાષાંતર કર્યું.

ત્યારબાદ તેમણે 1892માં 1,300 પંક્તિઓવાળું દીર્ઘ કાવ્ય ‘ઉત્કલ બ્રાહ્મણ’ પ્રગટ કર્યું. તે તેમની મૌલિકતાની છાપવાળી પ્રથમ સર્જનાત્મક કૃતિ ગણાય છે. તેમાં ઉત્કલની ચેતના, તેની આશાઓ અને મહત્વાકાંક્ષાઓ રમૂજભરી રીતે અભિવ્યક્ત કરાયાં છે. તેમના જીવનમાં ત્યારપછીનાં 30 વર્ષ સતત રચનાત્મક પ્રવૃત્તિઓ પાછળ વીત્યાં. તેમની ઉલ્લેખનીય નવલકથાઓ – ‘છમના અથાગુંઠા’ (‘સિક્સ ઍન્ડ વન-થર્ડ ઍક્ટ ઑવ્ લૅન્ડ’, 1898); ‘લછમા’, ‘મામુ’ અને ‘પ્રાયશ્ચિત્ત’ (1915) વગેરેએ તેમને પ્રસિદ્ધિ અપાવી. તેમની નવલકથાઓ સમકાલીન રાજકીય ઘટનાઓથી પર છે અને કેટલીક તેમના સમયમાં વિરલ એવી અગમચેતીઓ પણ પ્રસ્તુત કરે છે.

ઊડિયામાં ટૂંકી વાર્તાનો પ્રારંભ પણ ફકીરમોહને કર્યો. તેમણે 20 વાર્તાસંગ્રહો આપ્યા છે. વિષયવસ્તુની ગૂંથણી, પાત્રાલેખન અને ટૅકનિકની દૃષ્ટિએ દરેક વાર્તાનું પોતાનું વ્યક્તિત્વ ઊપસે છે અને તેમાં ઓરિસાના સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક જીવનનું વાસ્તવિક ચિત્ર પ્રગટ થાય છે. વળી, તેમણે ઊર્મિકાવ્યોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. ‘પુષ્પમાલા’, ‘પૂજાફૂલ’ અને ‘ઉપહાર’ કાવ્યસંગ્રહોમાં તેમનાં પત્ની અને મોટા પુત્રના અકાળે થયેલા અવસાનની ઊંડી વેદના વ્યક્ત થાય છે. આદિજાતિના જીવન અંગે ઊર્મિકાવ્ય રચનાર તેઓ ઓરિસાના પ્રથમ કવિ હતા. તેમણે ઊડિયા સાહિત્યની તમામ વિદ્યાઓમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે; પરંતુ ઊડિયા નવલકથાના પિતા તરીકે તેઓ હમેશાં યાદ રહેશે.

બળદેવભાઈ કનીજિયા