સેઈ સમય (‘તે સમય’)

January, 2008

સેઈ સમય (‘તે સમય’) : પ્રસિદ્ધ બંગાળી કવિ અને નવલકથાકાર સુનીલ ગંગોપાધ્યાય(જ. 1934)ની નવલકથા. આ નવલકથા ‘દેશ’ સામયિકમાં પહેલાં ધારાવાહિક રૂપે અને પછી બે ભાગમાં – પહેલો ભાગ 1981માં અને બીજો ભાગ 1982માં – પ્રકટ થઈ છે. 1983નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર બીજા ભાગ માટે એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે પોતે આમુખમાં જ કહ્યું છે કે અહીં તેમણે 19મી સદીના બંગાળના, વિશેષે કરીને કોલકાતાના, જનજીવનનો ચિતાર આપ્યો છે. સમયની પટભૂમિકા પર જીવંત મનુષ્યોની ગદ્યગાથા – એવી 1840થી 1870 સુધીના એક નિશ્ચિત સમયને લગતી આ કથા છે. ઘણાં ઐતિહાસિક પાત્રો આ નવલકથામાં નિરૂપાયાં છે – અલબત્ત, કલ્પનાના રંગો સાથે. આટલાં પાત્રો હોવા છતાં લેખક ‘નવલકથાનો નાયક છે સમય’ એમ દૃઢપણે જણાવે છે. બંગાળના નવજાગરણનું વિશ્લેષણ લેખકે પોતાની રીતે કરી આપ્યું છે. સમયને મૂર્ત રૂપ આપવા એક પાત્રની આવશ્યકતા ઊભી થાય અને એ રીતે નવીનકુમાર તે સમયનું પ્રતીક બની રહે છે. તેના જન્મની ઘટનાથી શરૂ કરી તેના જીવનની અનેક વૈવિધ્યભરી, વિરોધોભરી ઘટનાઓ આલેખાઈ છે. અંતે, એક અજાણી સ્ત્રીમાં – પોતાની માતાના મૂર્ત સ્વરૂપમાં તેને દર્શન થાય છે અને આવી વિસ્મય પ્રેરતી ઘટના પછી નવીનકુમારનું મૃત્યુ થાય છે. પ્રતીકનું સાતત્ય લેખક આમ જાળવે છે, કારણ નવીનકુમારનું પાત્ર અકાળે મૃત્યુ પામેલા એક ઐતિહાસિક પાત્રને મળતું આવે છે.

પહેલા ભાગ(લગભગ 550 પાનાં)માં નવીનકુમારના જન્મ સમયે તેની માતા બિમ્બવતીની ગંભીર સ્થિતિ હતી, પણ તેના પિતા રામકમલ તે સમયના જમીનદારોની માનસિકતાને કારણે રખાત કમલાસુંદરી સાથે સહેલ કરવા નીકળેલા હતા. મિલકતની સંભાળ પણ વિશ્વાસુ મિત્ર વિધુશેખર રાખતા. વાસ્તવમાં, વર્ષો સુધી નિ:સંતાન બિમ્બવતીએ પુત્રૈષણાથી વિધુશેખર પાસે માગણી કરેલી અને એમ નવીનકુમારના સાચા પિતા રામકમલ નહિ, પણ વિધુશેખર હતા. વર્ષો પહેલાં બિમ્બવતીએ અનાથ ગંગાનારાયણ (જેને રામકમલે પછી દત્તક લીધેલો) પર બધો પુત્રસ્નેહ અર્પ્યો જ હતો. બાળપણથી જ નવીનકુમારની પ્રતિભાથી બધાં આશ્ર્ચર્ય પામેલાં. ગંગાનારાયણે અભ્યાસમાં તે વધુ પ્રગતિ સાધે માટે શિક્ષકો-પંડિતોની વ્યવસ્થા પણ કરી હતી. મોટા થયા પછી નવીનકુમાર પોતાના મોટા ભાઈ ગંગાનારાયણની જેમ હિન્દુ કૉલેજમાં અભ્યાસ કરવા ઉત્સુક હોય છે. રામકમલના અચાનક થઈ ગયેલા મૃત્યુને લીધે બધી જવાબદારી વિધુશેખર સંભાળે છે. તે તો નવીન તેર વર્ષનો થયો કે કૃષ્ણભામિની નામની એક શ્રીમંત પરિવારની કન્યા સાથે તેનાં લગ્ન કરાવી દે છે. સંતાન પણ વાંધો નહિ લેતાં એનો સ્વીકાર કરી લે છે – આ છે તે સમય. તો મોટા ભાઈ ગંગાનારાયણને તેની મરજી વિરુદ્ધ એક 8-9 વર્ષની અબુધ બાલિકા સાથે પરણાવી દેવામાં આવે છે, જેને પછી પણ અભ્યાસની રુચિ નથી. સહજ જ ગંગાનારાયણ, વિધુશેખરની એક દીકરી બિન્દુવાસિની તરફ આકર્ષાય છે તે બાળવિધવા છે, પણ બુદ્ધિશાળી છે. બંને એક જ પંડિત પાસે અભ્યાસ કરતાં હતાં. આ સમય દરમિયાન બંને વચ્ચે નાજુક લાગણીભર્યો સંબંધ બંધાય છે. પણ પંડિત પાસેનું શિક્ષણ બંધ કરવામાં આવે છે, ગંગાનારાયણ હિંદુ કૉલેજમાં જોડાય છે; તેમ છતાં બંનેને એક વાર સાથે જોઈ જતાં વિધુશેખર દ્વારા પછી બિન્દુવાસિનીને અનેક બાળવિધવાઓની જેમ કાશી મોકલી દેવામાં આવે છે અને જેમ તે વખતે બનતું તેમ એક ધનવાન તેનું અપહરણ કરે છે. પેલી તરફ ગંગાનારાયણ એક વાર જમીનદારીની તપાસ અર્થે ઇબ્રાહીમપુર જાય છે ત્યાં ઉપસ્થિત થતી એક સ્થિતિમાં – ગળીના પ્લાન્ટેશનની બાબતે – અંગ્રેજ સાહેબ તેનું ભારોભાર અપમાન કરે છે. વ્યથિત ગંગાનારાયણનો મતિભ્રમ થતાં એક યાત્રાળુઓની ટોળીમાં જોડાઈ તે કાશી પહોંચી જાય છે. ત્યાં અથાગ પ્રયત્ન પછી બિન્દુવાસિની સાથે મેળાપ થાય છે, તેને નાસી જવા કહે છે, પણ બિન્દુ ગંગા નદીમાં કૂદી પડે છે. નદીમાં ભારે તોફાન થતાં ગંગાનારાયણ પણ ક્યાંક બીજી પાર ફેંકાઈ જાય છે. આવી વિધિવક્રતા અને નિયતિની કઠોરતા કે પછી તે સમયબોધ બંનેના જીવનનો જાણે કરુણ અંત આણે છે – પહેલો ભાગ આટલેથી અટકે છે.

નવલકથાનાં યુવાન પાત્રો આમ એક તરફ રૂઢિચુસ્ત સમાજની જડતા, અને બીજી તરફ અંગ્રેજી શિક્ષણનો પ્રભાવ – એવા બે પ્રકારનાં સામાજિક, રાજકીય આંદોલનોની વચ્ચે અથડાય છે, વ્યથા પામે છે, સંવેદનોને ભારી દઈ તીવ્ર પીડા મનોમન અનુભવે છે અને ક્યારેક અવળા માર્ગે જઈ જીવનના વિનાશને નોતરે છે.

બીજા ભાગમાં (લગભગ 700 પાનાં) તરુણ નવીનકુમારનું જીવન કેવી રીતે આગળ વધે છે તેનું આલેખન મળે છે, પણ પહેલા ભાગની જેમ જ અન્ય ઐતિહાસિક વ્યક્તિઓનાં ચરિત્ર-ચિત્રોની ભિન્ન ભિન્ન રેખાઓ લેખક ઉપસાવે છે અને એ રીતે બંગાળના નવજાગરણના તે સમયને મૂર્તતા બક્ષે છે. વ્યક્તિઓના ચિત્રણમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, માઇકેલ મધુસૂદન દત્ત, ટાગોર કુટુંબની વ્યક્તિઓ, રાણી રાસમણિ, કેશવચંદ્ર સેન, ઇંગ્લૅન્ડના બેથ્યૂન વગેરે આવે છે. ફૉર્ટ વિલિયમ કૉલેજના બંગાળીના પ્રોફેસર વિદ્યાસાગરની નિષ્ઠા અને જ્ઞાનથી અંગ્રેજો પ્રભાવિત થાય છે. પછીથી સંસ્કૃત કૉલેજના અધ્યક્ષનું સ્થાન મળે છે. એક વાર તેમણે નવ-દસ-બાર વર્ષની બાળ વિધવાઓને માથું મુંડાવી સફેદ વસ્ત્રોમાં તપ કરતી – મોટેભાગે જબરદસ્તીથી – જોઈ; તેઓ બળાત્કારનો ભોગ પણ બનતી. વિદ્યાસાગર એટલા તો હલી ગયા કે તેમણે વિધવાઓનાં પુનર્લગ્નનું જાણે મિશન શરૂ કર્યું. બીજા ભાગમાં તેમને યુવાવર્ગનો સહકાર મળતો તો સનાતનીઓ દ્વારા તેમનો તીવ્ર પ્રતિકાર થતો પણ જોવા મળે છે. કેટલાક તબક્કા એવા આવે છે જ્યારે તે હતાશ પણ થઈ જાય છે. આની સાથે વર્ણ અને જાતિના પ્રશ્નો પણ બંગાળી સમાજમાં એવા તો જોડાયેલા છે કે ઘણી મથામણો પછી પણ અનેક પ્રશ્નો ઊકલતા નથી. મધુસૂદન દત્ત ગંગાનારાયણના કૉલેજના સહપાઠી, અસાધારણ બુદ્ધિશાળી હતા અને વિદ્યાર્થી-અવસ્થાથી જ વિદેશી પ્રભાવ ધરાવતા અને મિજલસો માણતા હતા. આ પછી લગ્નનું દબાણ થતાં એમનો ગૃહત્યાગ અને અંગ્રેજ મિશનરીનો આશ્રય, બંગાળી નહિ પણ અંગ્રેજીમાં કવિતાની રચના, ખ્રિસ્તી થઈ ચેન્નાઈ (મદ્રાસ) ચાલ્યા જઈ ખ્રિસ્તી સ્ત્રી હેન્રિયેટા સાથે લગ્ન વગેરે ઘટનાઓ નિરૂપાય છે. પછી પાછા કોલકાતા આવી જે રચનાઓ અંગ્રેજીમાં કરેલી તે બંગાળીમાં લાવે છે. નવીનકુમાર વિદ્યાસાગર અને મધુસૂદન બંનેના સંપર્કમાં તેઓ રહે છે અને તેમના કાર્યમાં ઉપકારક બને છે. દેવેન્દ્રનાથ ઠાકુરના બ્રહ્મસમાજની વિચારધારા અને તેની સાથે-સામે સનાતનીઓનો, હિંદુઓનો સંઘર્ષ અહીં નિરૂપાયો છે. નવીનકુમાર આ બધી વિચારધારાઓમાં આંદોલિત થતો રહે છે. સ્ત્રીશિક્ષણના હિમાયતી બેથ્યૂન છોકરીઓ માટેની ‘બેથ્યૂન સ્કૂલ’ સ્થાપે છે. એમને એક એંગ્લો-ઇન્ડિયન સુધારક ડિરોઝીઓ અને તેના શિષ્યોની સહાય મળે છે. નવજાગરણમાં સ્ત્રી-વિકાસ વિશેનું, સ્ત્રીશિક્ષણનું દૃષ્ટિબિંદુ ખૂબ ભારપૂર્વક રજૂ થતું રહે છે. લેખક રાણી રાસમણિ દ્વારા કોલકાતાનું અતિ પ્રસિદ્ધ દક્ષિણેશ્વરનું મંદિર કયા સંજોગોમાં કેવા વિરોધો વચ્ચે આ સમય દરમિયાન જ બંધાયું તેની વિગતો આપી રાણી રાસમણિના એક સ્ત્રી તરીકેની ગૌરવભરી સ્થાપના કરે છે.

એક તરુણની જેમ નવીનકુમારનું આલેખન ચંચળ, આવેગભર્યા, વિચારધારાઓમાં આમથી તેમ આંદોલિત થતા યુવાન તરીકે થયું છે. જમીનદારનો એ દીકરો, હિંદુ કૉલેજનો અભ્યાસ તેને નાપસંદ. પણ અતિ બૌદ્ધિક હોવાને કારણે ઘરમાં ‘વિદ્યોત્સાહિની સભા’ની તેણે સ્થાપના કરી; જેમાં વિચારશીલ, ગુણવાન વ્યક્તિઓ આવતી અને દેશ, કાળ, સમાજ, સાહિત્ય વિશે વક્તવ્યો આપતી. યુવાચેતનાની આવી જાગૃતિ તે સમયે હતી એમ જોવા મળે છે. વિધુશેખરને લાગે છે કે નવીનકુમાર સ્વચ્છંદી બની રહ્યો છે; અંકુશ કેમ રાખવો તેવો પ્રશ્ન તેમના મનમાં ઊઠે છે. નવીન વિધુશેખરને ટાળવાનો પ્રયત્ન કરે છે. તેણે નાટ્યપ્રયોગો શરૂ કર્યા, બંગાળી ભાષાને પ્રોત્સાહન આપ્યું. વિદ્યાસાગરના પ્રભાવ હેઠળ વિધવા-વિવાહ બાબતે પણ તે ઘણો ઉત્સુક બને છે. આમાં તે જમીનદારીની દેખભાળ કરી શકતો નથી, પણ તે બહારની દુનિયાના પરિચયમાં આવે છે અને ખૂબ ઉદારતાથી સમાજ-ઉન્નતિ, વિધવા-વિવાહ વગેરે પ્રસંગોએ દાન કરે છે. આવે વખતે અંધશ્રદ્ધા, પ્રેત-ભૂત વગેરે ઉપસ્થિત સ્થિતિઓનો પણ તે સામનો કરે છે. યુવાન નવીનની ઊછળતી શક્તિના માટે સમાજની ઉન્નતિ લક્ષ્ય બને છે; પણ પ્રતિઘાતોથી તે બેચેન બને છે.

એક માંદગીમાં થોડા દિવસ શ્રવણશક્તિ પણ ગુમાવે છે. આમાંથી બહાર આવ્યા પછી વળી પાછી જ્ઞાનોપાસના – કાલિદાસનાં નાટકોનો બંગાળી અનુવાદ અને તેમની ભજવણી. 1857નો સિપાઈઓનો વિદ્રોહ થયો તે વિશે વાદ-વિવાદમાં, ચર્ચાઓમાં નવીનને એક તેજસ્વી, ‘હિન્દુ પેટ્રિયટ’ના સંપાદક હરીશ મુખરજી સાથે સંપર્ક થયો. નવીન એની દીપ્તિથી ખૂબ પ્રભાવિત થાય છે. દેશપ્રેમી હરીશનું પાત્ર લેખકે જે રીતે નિરૂપ્યું છે તેમાં એક તરફ બુદ્ધિમત્તાનું પ્રાબલ્ય, તો બીજી તરફ તે સમયના બંગાળી યુવાનોની મદ્યપાન તેમજ વારાંગનાઓના સંબંધોમાંની નિમગ્નતા દર્શાવી છે. જમીનદાર હોવા છતાં નવીન હજુ એ તરફ ખેંચાયો નહોતો – માની મૂર્તિ આંખ સામે આવી જતી. પણ હરીશ સાથેના સંપર્ક પછી એ પણ સુરા અને સુંદરી તરફ ખેંચાયો. આ બધાં ચિત્રો લેખકે એકદમ વાસ્તવિક રીતે રજૂ કર્યાં છે, પણ તે પીડાકારક હોઈ કરુણ પણ બને છે. દરમિયાન ગંગાનારાયણ એમને પાછો મળે છે. એનું વ્યક્તિત્વ એકદમ સૌમ્ય, છતાં દૃઢતાવાળું બતાવ્યું છે. વિશેષે, એણે ગળીના પ્લાન્ટર્સ સંદર્ભે અંગ્રેજો સામે જે હિંમતથી વિરોધ કર્યો તે ખૂબ નોંધપાત્ર બને છે. નવીન પછી ‘મહાભારત’ના અનુવાદનું બહુ મોટું કામ હાથમાં લે છે, પણ અન્ય સ્થિતિઓ તેને બીજી તરફ પણ ઘસડી જાય છે. ધન પણ ઘસડાઈ ગયું છે, જમીનો – અન્ય મિલકતો વેચાય છે. ગંગાનારાયણ કંઈ કરી શકતો નથી. નવલકથાને અંતે લેખકે એક વિસ્મયકારી ઘટના મૂકી છે, જેમાં નવીન એક નારીમાં પોતાની મા બિમ્બવતીને જુએ છે. બિમ્બવતી તો બધું છોડી હરદ્વાર ચાલી ગઈ છે. નવીન માને મળવા હરદ્વાર તરફ જતો હતો, ત્યારે રસ્તામાં જંગલમાં – ઇબ્રાહીમપુરની નજીક જ – પાગલ જેવો એક ત્રિલોચનદાસ આ જમીનદાર પર જીવલેણ હુમલો કરે છે, એમ સમજીને કે અમને ગળીના ખેડૂતોને આવા લોકોએ પાયમાલ કર્યા છે. નવીનનું નાની ઉંમરે આકસ્મિક મૃત્યુ થાય છે. નવીનકુમાર કે ગંગાનારાયણના શુભ આશયો ફળીભૂત થતા નથી. સામાન્ય જનતાને ઊંચે લાવવામાં કેવી રીતે ભલભલા બુદ્ધિશાળી અને ધનિકો – લોકો અને સમાજસુધારકો પરસ્પરની ગેરસમજૂતીને કારણે સફળ થઈ શકતા નથી તેમજ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવાનેય વાસ્તવમાં કેવા સંઘર્ષો કરવા પડ્યા તે નિરૂપિત કરીને લેખક તે સમયની માનસિકતાનાં અનેક પાસાંઓને ખોલી આપે છે.

લેખકે આમુખમાં એક વાત નોંધી છે તે આવકાર્ય છે. ભારત દેશ વ્યક્તિપૂજામાં (મૂર્તિપૂજાની જેમ) માનનારો છે, વ્યક્તિઓને દેવને સ્થાને સ્થાપવામાં આવે છે; પણ લેખક જણાવે છે કે તેમને આ રચના કરતી વખતે નિરપેક્ષ રીતે પાત્રોનાં જીવનનાં બધાં જ પાસાં આવરી લેવાની જરૂર જણાઈ છે. તેઓ કહે છે : ‘‘મારે મતે, ‘નિંદા’ (blasphemy) આધુનિક સાહિત્યનું એક અનિવાર્ય અંગ છે. પૂર્વનાં અનેક ઐતિહાસિક ચરિત્રો સામે પાછળથી આવતા ઇતિહાસકારોએ પ્રહાર કર્યો છે. પરિણામે, વાચકવર્ગમાં એક આંદોલન ઊભું થાય છે અને તે કારણે આગલા સમય વિશે એક નવી ચેતના જાગ્રત થાય છે, તે સાથે ઇતિહાસનું પુનર્મૂલ્યાંકન થાય છે.’’

અનિલા દલાલ