સેંઘોર લિયોપોલ સેડર

February, 2008

સેંઘોર, લિયોપોલ સેડર [. 9 ઑક્ટોબર 1906, જોયેલ, મ્બોર, સેનેગાલ (Joal, Mbour, Senegal); . 20 ડિસેમ્બર 2001, નૉર્મન્ડી, ફ્રાન્સ] : સેનેગાલ દેશના સૌપ્રથમ પ્રમુખ, રાજનીતિજ્ઞ, ઊર્મિશીલ કવિ અને શ્યામવર્ણી પ્રજાના સાહિત્ય(black literature)ના પુરસ્કર્તા. પિતા ધનાઢ્ય વેપારી. માતા વિચરતી જાતિની. જીવનનાં પ્રથમ સાત વર્ષ તેની માતા, મામાઓ, માસીઓ, સાથે પસાર થયા બાદ બારમે વર્ષે કૅથલિક શાળામાં અભ્યાસ કર્યો. 1928માં માધ્યમિક શાળાનું શિક્ષણ શરૂ થયું. આફ્રિકા ખંડની છેક પશ્ચિમે આવેલો સેનેગાલ દેશ ફ્રેંચ વસાહત હતો. આ કારણે સેંઘોરે સોરબૉન યુનિવર્સિટી, પૅરિસ ખાતે કૉલેજશિક્ષણ લીધું અને રાજ્યની શિષ્યવૃત્તિ મેળવી 1931માં સ્નાતક થયા. આ દરમિયાન આફ્રિકી પ્રજાની અવહેલનાથી તેઓ સમસમી ગયા હતા. પરિણામે 1930માં ‘નેગ્રિટ્યુડ’ નામની સંસ્થા સ્થાપી નિગ્રો પ્રજાના સ્વાભિમાન માટે કામ કરતાં કરતાં સક્રિય આંદોલનકારી બન્યા. ‘નેગ્રિટ્યુડ’ મુખ્યત્વે શ્યામવર્ણી પ્રજાના સાહિત્ય અને ચિંતનનું આંદોલન હતું. ‘નેગ્રિટ્યુડ’ અંગે અસંખ્ય વિચારપ્રેરક નિબંધો લખી તેમણે અસાધારણ વૈચારિક પ્રદાન કર્યું. આ ક્ષેત્રે કામ કરવા ‘પ્રેઝન્સ આફ્રિકેઇન’ સામયિકની સ્થાપના કરી અને 1948માં સેનેગાલની સ્વાતંત્ર્ય લડતનો આરંભ કર્યો, એ માટે ‘સેનેગાલીઝ ડેમૉક્રેટિક બ્લૉક’ની સ્થાપના કરી હતી. 1932માં એમને ફ્રાન્સનું નાગરિકત્વ મળ્યું અને લશ્કરની નોકરીમાં જોડાયા. 1935થી એમણે શિક્ષકની નોકરી કરી.

લિયોપોલ સેડર સેંઘોર

આ પછીનાં વર્ષોમાં બીજું વિશ્વયુદ્ધ (1939-45) આરંભાતાં તેમણે ફ્રેન્ચ લશ્કરના અધિકારી તરીકે આ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો અને કેદી તરીકે જર્મની દ્વારા પકડાયેલા. 1940-1942નાં બે વર્ષોના જેલજીવન દરમિયાન જર્મન ભાષા શીખ્યા અને તેમણે કેટલીક અત્યંત સુંદર કાવ્યરચનાઓ કરી હતી. 1944માં આફ્રિકન ભાષાના પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક થઈ. 1945માં કવિતાનું પ્રથમ પુસ્તક ‘ચેન્ડસ ડોમ્બરે’ પ્રસિદ્ધ થયું. તેના ઉપર એ જમાનાના ચિંતક ‘હેન્રી બર્ગસાં’નો પ્રભાવ જોવા મળે છે. આ પુસ્તકમાં તડીપાર થયેલી વ્યક્તિની પોતાના વતન માટેની ઝંખનાનાં કાવ્યો છે. પછીનાં થોડાંક વર્ષો સોરબૉન યુનિવર્સિટી ખાતે લૅટિન, ફ્રેંચ ભાષા અને સાહિત્યના પ્રાધ્યાપક રહ્યા. ફ્રેંચ નૅશનલ ઍસેમ્બલી(ફ્રાંસની ધારાસભા)માં તેમણે સેનેગાલના પ્રતિનિધિ તરીકે 1946થી 1958નાં વર્ષોમાં કામગીરી બજાવી હતી. દરમિયાન 1948માં લગ્ન કરી બે બાળકોના પિતા બન્યા. જોકે આ સહજીવન લગ્નવિચ્છેદમાં પરિણમ્યું. તે પછી ફ્રેન્ચ યુવતી સાથે બીજા લગ્ન તેમણે કરેલા.

1959માં સેનેગાલ અને પડોશી રાજ્ય માલીનું ‘ફેડરેશન ઑવ્ માલી’ નામથી સમવાયતંત્ર રચાયું. તેના તેઓ પ્રમુખ બન્યા. જોકે 1960માં જ આ સમવાયતંત્ર તૂટી પડ્યું અને સેનેગાલનું સ્વતંત્ર રાજ્ય રચાતાં નવા સેનેગાલ રાજ્યના તેઓ 1960થી 1981 સુધી 20 વર્ષ માટે પ્રથમ પ્રમુખ રહ્યા બાદ રાજીનામું આપી હોદ્દો છોડી દીધો. આફ્રિકાનાં સ્વતંત્ર રાજ્યોમાં રાજ્યના વડા તરીકે ઇચ્છાથી હોદ્દો છોડનાર તેઓ સૌપ્રથમ નેતા હતા. પ્રમુખ હોવા ઉપરાંત તેઓ સાહિત્યના જીવ હતા અને કવિતા પણ રચતા. પ્રમુખ તરીકે તેમણે દેશની આર્થિક પ્રગતિ અને સ્થિરતા માટે સભાન પ્રયાસો કર્યા હતા. સેનેગાલને આધુનિક રાજ્ય બનાવવાના, ભ્રષ્ટાચાર ઘટાડવાના અને આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાના તેમના પ્રયાસો નોંધપાત્ર હતા. રાજકીય વડા તરીકે સેનેગાલમાં વિરોધપક્ષો રચવાના તેમના પ્રયાસો પણ ઉલ્લેખનીય હતા. અલબત્ત, તેઓ ખાસ સામાજિક સુધારા કરી શક્યા નહોતા, તેથી હંમેશાં વિરોધીઓનું નિશાન બનતા રહ્યા. ફ્રાંસ સાથે ગાઢ સંબંધો ટકાવી રાખવા છતાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેમણે બિનજોડાણની નીતિ અખત્યાર કરી હતી.

બીજી તરફ લેખો અને કવિતા દ્વારા તેઓ આફ્રિકાની શ્યામવર્ણી સંસ્કૃતિનાં ગુણગાન ગાતા અને પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિની આલોચના કરતા. 1969માં તેઓ ‘ફ્રેન્ચ એકૅડેમી ઑવ્ મોરેલ ઍન્ડ પૉલિટિકલ સાયન્સિઝ’માં ચૂંટાયેલા. 1984માં ફ્રેન્ચ (સાહિત્ય) અકાદમીમાં પણ તેઓ ચૂંટાયેલા. અકાદમીમાં તેઓ શ્યામવર્ણી પ્રજાના હિતચિંતક બની, તેમના સાહિત્યને પુરસ્કારતા હતા. આફ્રિકન સાહિત્ય અને સંસ્કૃતિની ગરિમા અને વિકાસ પર તેમનું ધ્યાન કેન્દ્રિત થયું હતું. ‘સિમલાંગ ડાયમાનો’ અને ‘પેટ્રિસ માગલેઇન કેવમોર’ના ઉપનામ હેઠળ તેમણે સમીક્ષાત્મક નિબંધો પણ પ્રકાશિત કર્યા હતા.

સેંગોરને લેખક તરીકે અને રાજકીય ચિંતક તરીકે અનેક ખિતાબો એનાયત થયા હતા. તેમાં મહત્ત્વના ખિતાબોમાં 1965માં મળેલ ‘દાગ હેમરશીલ્ડ પ્રાઇઝ’, ‘ધીસ પ્રાઇઝ ઑવ્ જર્મન બુક હેડ’ (1973), ‘હેલે સેલેસી આફ્રિકન રિસર્ચ પ્રાઇઝ’ (1973) અને ‘એપોલ’, ‘લીનેર પ્રાઇઝ ફૉર પોએટ્રી’ – એ મુખ્ય છે.

સેંગોરની કવિતા ફ્રેન્ચ ભાષામાં લખાયેલી છે અને તેનો અનુવાદ સ્પૅનિશ, અંગ્રેજી, જર્મન, રશિયન, જાપાની, ચીની, ઇટાલિયન, સ્વીડિશ વગેરે ભાષાઓમાં થયેલ છે. એમની કવિતામાંનો વિષય મુખ્યત્વે આફ્રિકાના આધિભૌતિક અને રહસ્યમય જીવનની વાતોનો છે. તેમણે ભાષાશાસ્ત્ર, રાજકારણ અને સમાજશાસ્ત્ર ઉપર પણ પુસ્તકો લખ્યાં છે. એમનાં રાજકીય ચિંતનો અંગેનાં લખાણોમાં તેમણે આફ્રિકન સામ્રાજ્યવાદનું વિશ્લેષણ કર્યું છે. એમનાં લખાણોમાં મુખ્યત્વે આફ્રિકાના અને યુરોપના જીવન વચ્ચે રહેલ વિસંવાદિતા તથા આફ્રિકાના ઉદ્ધાર માટેની એમની નિષ્ઠા જોવા મળે છે.

‘સૉંગ્ઝ ઑવ્ શેડ’ (1945; અંગ્રેજી અનુવાદ, 1964) તેમનો કાવ્યસંગ્રહ હતો. તેમણે ‘ઇથિયોપિક્યૂઝ’ (1956) અને અન્ય સાહિત્યિક રચનાઓ ઉપરાંત ‘ઍન આફ્રિકન સોશિયાલિઝમ’ (1961; અંગ્રેજી અનુવાદ, 1964) જેવા બીજા ગ્રંથો પણ રચ્યા હતા.

ધીમંત પંકજ સોની

રક્ષા મ. વ્યાસ