સૅવુ (ટાપુ) : ઇન્ડોનેશિયા-બહાસાનો ટાપુ તેમજ ટાપુજૂથ. ભૌગોલિક સ્થાન : 10° 30´ દ. અ. અને 121° 54´ પૂ. રે.. તે સૅવુ સમુદ્રમાં આવેલો છે, જે ન્યુસા ટેંગારા તિમુર પ્રાંતમાં આવેલો છે.

સૅવુ ટાપુ 37 કિમી. લાંબો અને 16 કિમી. પહોળો છે. તેનું ક્ષેત્રફળ 414 ચોકિમી. જેટલું છે. રાઇજુઆ ટાપુ 13 કિમી. લાંબો અને 5 કિમી. પહોળો છે. તેનું ક્ષેત્રફળ 36 ચોકિમી. જેટલું છે. તેમનાં ભૂપૃષ્ઠ આછો ઢોળાવ ધરાવતાં લગભગ સમતળ છે, સમુદ્રસપાટીથી વધુ ઊંચાઈ પર નથી. સ્થાનભેદે તેમની ઊંચાઈ 1 મીટરથી 100 મીટર વચ્ચેની છે. આબોહવા ગરમ, ભેજવાળી રહે છે. વરસાદ ભેજવાળી મોસમ પૂરતો મર્યાદિત રહે છે. અહીં જ્વાળામુખી-પ્રસ્ફુટન થતું રહેવાથી દર વર્ષે નવી સમુદ્ર-ફળદ્રૂપ જમીનો રચાતી રહે છે.

આ ટાપુઓ ગીચ વસ્તીવાળા છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. મકાઈ અને કપાસ અહીંના મુખ્ય કૃષિપાકો છે. કિનારાના ભાગોમાં પુષ્કળ પ્રમાણમાં નાળિયેરી થાય છે. અહીં ઢોર અને ટટ્ટુનો ઉછેર થાય છે. કોપરાં અને માછલીની અહીંથી નિકાસ કરવામાં આવે છે.

અહીંનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે. સૅવુ ટાપુ પર સેબા અને બાહ મુખ્ય નગરો છે, તે સડકમાર્ગોથી જોડાયેલાં છે. અહીંથી પશ્ચિમ તરફ સુંબા (લઘુ સુંદા ટાપુ) અને પૂર્વ તરફ તિમોર સાથે હોડીઓ દ્વારા અવરજવર થાય છે.

ગિરીશભાઈ પંડ્યા