સૂર્યાસાવિત્રી

January, 2008

સૂર્યાસાવિત્રી : ઋગ્વેદની એક ઋષિકા. ऋषि: किल दर्शनात् અનુસાર શ્રવણ, મનન અને નિદિધ્યાસનના અંતે સમાધિ અવસ્થામાં મંત્રોનું મનન અને દર્શન કરવાથી ઋષિ બને છે. ઋષિ જ ક્રાન્તદર્શનને લીધે કવિ કહેવાય છે. તેના દર્શનને પરિષ્કૃત કરવાથી તે ‘કારુ’ કહેવાય છે. આમાં સાક્ષાત્કૃતધર્મા ઋષિ સર્વશ્રેષ્ઠ છે. ऋषी गतौ અનુસાર ऋष् ધાતુ ગત્યર્થક પણ છે. તપસ્યામાં રત ઋષિઓ પાસે મંત્રોએ ગતિ કરી. ‘શતપથ બ્રાહ્મણ’ અનુસાર ‘रिष् – તપ કરવું’ ઉપરથી પણ ‘ઋષિ’ શબ્દ નિષ્પન્ન થયો છે.

ઋગ્વેદમાં લગભગ 400 ઋષિઓના મંત્રો સંગૃહીત છે. यस्य वाक्यं स ऋषि: । – તે અનુસાર મંત્ર કે મંત્રાંશનું જેને દર્શન થયું હોય તેને ઋષિ કહે છે. વિભિન્ન ઋષિઓના પ્રકારો પણ આપવામાં આવ્યા છે.

મનુષ્ય માત્ર આવું દર્શન કરી ઋષિ બની શકે છે. સ્ત્રી-પુરુષના ભેદ કે વર્ણભેદ ઋષિત્વની પ્રાપ્તિમાં બાધાકારક નથી. વેદમાં ઋષિઓની માફક ઋષિકાઓ પણ સુવિદિત છે. આવી ઋષિકાઓમાં લોપામુદ્રા, વિશ્વવારા, રોમશા, અપાલા વગેરે સુપ્રસિદ્ધ છે.

‘ઋષિ’ શબ્દને इकन् પ્રત્યય લાગતાં ‘ऋषिका’ શબ્દ બને છે. આવી ઋષિકાઓમાં સૂર્યાસાવિત્રી એક છે.

ઋગ્વેદ 10/85 અને અથર્વવેદ 14/12નાં સૂક્તોમાં સૂર્યાસાવિત્રીનો ઉલ્લેખ ‘ઋષિકા’ તરીકે મળે છે. આ સૂક્તમાં તેના વિવાહનું વર્ણન છે. ઋગ્વેદમાં અન્યત્ર તેને ‘સવિતૃકન્યા’ કહેવામાં આવી છે. અશ્ર્વિનીકુમારોના રથમાં આરૂઢ થયેલ સૂર્યાનો ઉલ્લેખ છે. (ઋ.વે. 1/116/17) ઐતરેય બ્રાહ્મણમાં અશ્ર્વિનીકુમારો દ્વારા હોડમાં વિજય પ્રાપ્ત કરવા બદલ તેનો વિવાહ તેમની સાથે થયો હોવાનો સ્પષ્ટ નિર્દેશ છે. (ઐ. બ્રા. 4/7) અશ્ર્વિનીકુમારો સાથે તેના વિવાહનું વર્ણન વસ્તુસ્થિતિ દર્શાવે છે. તે રૂપકાત્મક હોવાની સંભાવના ચિત્રાવશાસ્ત્રી માને છે (પ્રાચીન ચરિત્રકોશ, પૃ. 1052).

સૂર્યાનું ‘સાવિત્રી’ વિશેષણ ઋગ્વેદ 10/85 અને અથર્વવેદ 14/1-2 ઋષિ-વિષયક ઉલ્લેખમાં મળે છે. આ સૂક્તના મંત્રોથી ઋષિકા સૂર્યા છે. સાવિત્રી વિશેષણનો અર્થ ‘સવિતૃકન્યા’ છે. સૂર્યાએ પોતે પોતાના પતિ સોમનો મહિમા આ સૂક્તના 11 મંત્રોમાં ગાયો છે. બાકી તેણે પોતાના વિવાહનું વર્ણન કર્યું છે. આ વર્ણન એટલું તો સ્પષ્ટ અને સુરેખ છે કે આ સૂક્તની સૂર્યા કોઈ માનવી કન્યા નથી કે નથી તેનો પતિ કોઈ સાધારણ મનુષ્ય. ઋ.વે. 10.85-17માં માનવઋષિએ મિત્ર, વરુણ તથા પ્રાણીઓને સુમતિ દેનાર અન્ય દેવો સાથે સૂર્યને પણ પ્રણામ કર્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે અહીંના માનવઋષિ આ સાવિત્રીથી ભિન્ન છે એવો મત ડૉ. કપિલદેવ શાસ્ત્રી ‘વૈદિક કવિ – એક પરિશીલન’માં આપે છે. (પૃ. 176)

વૈદિક લોકગીતના કથાનકની આ નાયિકા હોવાનો સંભવ પણ માનવામાં આવ્યો છે. સમય જતાં આ નાયિકાને જ ઋષિકા માની લેવામાં આવી હોય તેમ જણાય છે. આ સૂક્તના ઘણા મંત્રો ગૃહ્યસૂત્રોમાં નિર્દિષ્ટ વિવાહવિધિ સાથે સંકળાયેલા છે. આ મંત્રો આજે પણ વિવાહવિધિમાં પ્રયોજાય છે.

આમ સૂર્યાસાવિત્રી – સવિતૃકન્યા સૂર્યા વિવાહસૂક્તની નાયિકા અને ઋષિકા છે.

દશરથલાલ ગૌ. વેદિયા