સૂર્યવંશ : સૂર્યથી પ્રવર્તેલો માનવવંશ. પૌરાણિક સાહિત્યમાં સૂર્ય, સોમ, સ્વાયંભુવ, ભવિષ્ય અને માનવેતર વંશોનું વર્ણન મળે છે. સૂર્ય-વંશના આદ્ય સ્થાપક વૈવસ્વત મનુએ પોતાનું રાજ્ય પોતાના નવ પુત્રોને વહેંચી દીધું હતું. તેમાંથી પાંચ પુત્રો અને પૌત્ર વંશકર થયા હતા. ઇક્ષ્વાકુ વંશનું પ્રવર્તન અયોધ્યામાં ઇક્ષ્વાકુએ કર્યું. ઇક્ષ્વાકુપુત્ર નિમિએ વિદેહમાં વંશીય શાસન પ્રવર્તાવ્યું. નાભાનેદિષ્ટથી વૈશાલીમાં દિષ્ટવંશ પ્રવર્ત્યો. શર્યાતિ રાજાએ આનર્તમાં શર્યાતિવંશ સ્થાપ્યો. નૃગ અને નરિષ્યન્ત વંશ પણ પ્રવર્તાવ્યા હતા. છેલ્લા બે વંશ લાંબો સમય ચાલ્યા ન હતા. મનુના પુત્રોમાંથી કરુષ, ધૃષ્ટ અને પૃષધ્રમાંથી કરુષ અને ધૃષ્ટ ક્ષત્રિય પુત્ર અને પૃષધ્રે શૂદ્રપુત્રોના જનક થતાં વંશ નાશ પામ્યા.

સૂર્યના અનુવંશોમાં ઇક્ષ્વાકુ વંશ મધ્ય દેશનું રાજ્ય મળતા મનુના જ્યેષ્ઠ પુત્ર ઇક્ષ્વાકુએ અયોધ્યામાં પ્રવર્તાવ્યો. ઇક્ષ્વાકુના સો પુત્રોમાં વિકુક્ષિ, નિમિ, દંડ, શકુનિ અને વસાતિ મુખ્ય હતા. તેમાં વિકુક્ષિથી અયોધ્યામાં અને નિમિથી વિદેહમાં સ્વતંત્ર વંશો ચાલ્યા. શકુનિએ ઉત્તરાપથ અને વસાતિએ દક્ષિણાપથમાં રાજ્યો સ્થાપ્યાં એમ વાયુ, બ્રહ્માંડ, બ્રહ્મ અને શિવપુરાણમાં કહ્યું છે.

અન્ય પુરાણો પ્રમાણે ઇક્ષ્વાકુના સો પુત્રોમાં વિકુક્ષિ, દંડ અને નિમિ મુખ્ય હતા. વિકુક્ષિએ અયોધ્યામાં રાજ્ય પ્રવર્તાવ્યું. તેના 129 પુત્રોમાં પંદર પુત્રો મેરુની ઉત્તરે જઈ વસ્યા, બાકીના 114 દક્ષિણમાં રહ્યા એમ મત્સ્યપુરાણ, પદ્મપુરાણ અને લિંગપુરાણમાં કહ્યું છે.

ઇક્ષ્વાકુવંશના રાજવીઓની પરંપરામાં એકવાક્યતા નથી. ભાગવત 81, વાયુ 91, વિષ્ણુ 93, મત્સ્યપુરાણ 67 રાજવીઓ થયા હોવાનું કહે છે. આ યાદીમાં પણ મુખ્ય રાજાઓનાં જ નામ છે. ભાગવતની વંશાવલિ વધુ વિશ્વસનીય છે. બ્રહ્મ, હરિવંશ અને મત્સ્યપુરાણની યાદી અપૂર્ણ લાગે છે. તેમાં અનુક્રમે નલ, મરુ અને ખગણ રાજાઓ સુધીની જ યાદી છે.

આ વંશમાં પુરંજય (કકુત્સ્થ), આવસ્ત, કુવલાશ્વ અને દુંદુમાર (ધુંધુમાર), યુવનાશ્વ (બીજો), સૌદ્યુમ્નિ, માંધાતૃ, (યૌવતાશ્વ), પુરુકુત્સ, ત્રસદશ્યુ, ત્રૈય્યારુણ, સત્યવ્રત (ત્રિશંકુ), હરિશ્ર્ચન્દ્ર, સગર (બાહુ), ભગીરથ, સુદાસ, મિત્રસહ, કલ્માષપાદ-સૌદાસ, દિલીપ (બીજો), ખટ્વાંગ, રઘુ, રામદાશરથિ, હિરણ્યનાભ કૌશલ્ય અને બૃહદબલ મુખ્ય રાજવીઓ છે.

આ યાદી સાથે કેટલાંક નામોમાં પાઠભેદ કે મતાન્તર જોવા મળે છે.

કલિયુગના અંતમાં ઐક્ષ્વાક અને દેવાપિ પૌરવે ક્ષત્રિયકુળનો ઉદ્ધાર કર્યો હતો. ભાગવત પ્રમાણે તેઓ સમકાલીન હતા.

રામદાશરથિની પછી તેમના પુત્ર લવે શ્રાવસ્તીમાં સ્વતંત્ર રાજવંશ પ્રવર્તાવ્યો. તેમાં જન્મેલો પ્રસેનજિત ગૌતમબુદ્ધનો સમકાલીન હતો. આ વંશમાં અંતિમ રાજા ક્ષેમક હતો. એ મગધના મહાપથીનંદનો સમકાલીન હતો.

સૂર્યવંશનો બીજો અનુવંશ દિષ્ટ નાભાનેદિષ્ટથી આરંભાયો. તે મનુના પુત્ર ધૃષ્ટનો પુત્ર અર્થાત્ મનુનો પૌત્ર હતો. આ વંશ વૈશાલ રાજવંશ હોવાનું બ્રહ્માંડ, વાયુ, લિંગ, માર્કંડેય, વિષ્ણુ, ગરુડપુરાણ તેમજ રામાયણ અને મહાભારતમાં કહ્યું છે. પુરાણો અનુસાર સુમતિ અંતિમ રાજા છે. આ વંશનો રાજા ભલંદન વૈશ્ય થઈ ગયો હતો એમ બ્રહ્માંડપુરાણ નોંધે છે. બીજો નોંધપાત્ર રાજા વત્સપ્રી હતો. આ વંશના વિશાલ રાજાએ વૈશાલીની સ્થાપના કરી હતી.

મનુના પુત્ર ઇક્ષ્વાકુના પુત્ર નિમિએ વિદેહમાં રાજ્ય સ્થાપ્યું. તેના પુત્ર મિથિજનક ઉપરથી જનકવંશ અને નગરી મિથિલા અભિન્ન બન્યા. બ્રહ્માંડ, વાયુ, વિષ્ણુ, ગરુડપુરાણ અને રામાયણ-મહાભારતમાં મળતી માહિતી સીરધ્વજ જનક પર્યંતની મળે છે. કુશધ્વજ સીરધ્વજનો ભાઈ હતો. તે સાંકાક્ષ્યા નગરીનો રાજા હતો. ભાગવત કુશધ્વજને સીરધ્વજનો પુત્ર માને છે. આ વંશનો કેશિધ્વજ દાર્શનિક રાજા હતો. કેશિધ્વજ અને ખાંડિક્ય કુશધ્વજના પુત્ર ધર્મધ્વજના પૌત્રો હતા. યાજ્ઞવલ્ક્યના સમકાલીન જનક દેવરાતિ નહીં પણ જનદેવ કે ઉગ્રસેન હતા. આ સિવાય અન્ય કેટલાક રાજાઓને નિમિવંશીય કહેવામાં આવ્યા છે. કુણિ (શકુનિ), રંજન (ખંજન), ઉગ્રદેવ અને ક્રતુજિત વૈદિક રાજવીઓ નિમિવંશીય છે.

મનુના પુત્ર નભગથી ચાલેલા આ વંશનો ઉલ્લેખ બ્રહ્માંડ, ભાગવત, બ્રહ્મ અને વાયુપુરાણમાં છે. તેમનું રાજ્ય ગંગા નદીના દોઆબમાં હતું. અંબરીષ, વિરૂપ, પૃષદશ્વ, રથીતર વગેરે આ વંશના પ્રખ્યાત રાજાઓ છે.

મનુના પુત્ર નરિષ્યન્તના વંશનો ઉલ્લેખ ભાગવત અને વાયુપુરાણમાં મળે છે. ચિત્રસેન, દધિ, મીઢવસ, કૂર્ચ, ઇતુસેન, ઇતિહોત્ર, સત્યશ્રવસ્, ઉરુશ્રવસ્, દેવદત્ત, જાતુકર્ણ અને અગ્નિવેશ્ય પ્રખ્યાત રાજાઓ હતા. પાછળથી આ વંશના રાજવીઓ – ક્ષત્રિય મટી જઈ બ્રાહ્મણ થયા હતા.

મનુના પુત્ર નૃગના વંશનો ભાગવતમાં ઉલ્લેખ છે. તેમાં સુમતિ, વસુ, ઓઘવત જેવા મુખ્ય રાજાઓ થઈ ગયા છે.

મનુના શર્યાતિ નામના પુત્રે ગુજરાતમાં આવી રાજ્ય સ્થાપ્યું. તેના પુત્ર આનર્ત ઉપરથી ગુજરાત ‘આનર્ત’ કહેવાયું. ગુજરાતના હૈહયવંશ સાથે તેમને ગાઢ સંબંધ હતો. આ વંશનો ઉલ્લેખ ભાગવત, હરિવંશ, વાયુ, બ્રહ્માંડ અને બ્રહ્મપુરાણમાં મળે છે. આ વંશના આનર્ત, હોયમાન, રેવત, કકુદમન જેવા પ્રખ્યાત રાજવીઓ થઈ ગયા. કકુદમનની કન્યા રેવતી યદુવંશના બલરામ સાથે પરણાવી હતી. તેની રાજધાની કુશસ્થલી (દ્વારકા) હતી.

આમ સૂર્યવંશમાંથી ઇક્ષ્વાકુ, દિષ્ટ, નિમિ, નભગ, નરિસ્યેન, નૃગ અને શર્યાતિ રાજાઓથી અનુવંશો પ્રવર્ત્યા હતા.

સૂર્ય-ચંદ્રથી વંશોની ઉત્પત્તિનું પુરાકલ્પન માનવીના સદગુણો અને ચંચળ-લોલુપવૃત્તિના આધારે અનુમાની શકાય છે. કાલિદાસે રઘુવંશના આરંભે સૂર્યવંશી રાજાઓની લાક્ષણિકતાઓ દર્શાવી છે. ચંદ્ર દ્વારા ગુરુની પત્નીનું અપહરણ અને બુધની ઉત્પત્તિની કથા સોમવંશની વિશિષ્ટતા દર્શાવે છે. કવિ કાલિદાસે રઘુવંશમાં કરેલા વર્ણન પ્રમાણે રઘુવંશના અંતિમ રાજા અગ્નિવર્ણની વિલાસિતા સૂર્યવંશી રાજાઓના સદગુણોની સંપત્તિનો થયેલો હ્રાસ બતાવે છે.

સૂર્યવંશમાંથી ઊતરી આવેલા અનુવંશોના થયેલા વિસ્તારમાંથી અદ્યાપિ પણ સૂર્યવંશીય પરંપરા જીવિત હોવાનું ઇતિહાસ નોંધે છે.

ઓરિસામાં કપિલેન્દ્ર દ્વારા સ્થાપવામાં આવેલો વંશ સૂર્યવંશ તરીકે જાણીતો છે; કારણ કે તે વંશના રાજાઓ પોતાને સૂર્યના વંશજો માને છે. તેઓ ઓરિસાના ગજપતિ રાજાઓ તરીકે પણ ઓળખાય છે. આ બિરુદ તેમણે સ્વીકાર્યું હતું.

મેવાડના રાણા પ્રતાપના પૂર્વજો અને સિસોદિયાઓ પણ સૂર્યવંશી રાજવી પરંપરામાં જન્મેલા છે.

નેપાળના હરિસિંહના વારસો મતિસિંહ, શક્તિસિંહ અને શ્યામસિંહ ભટગાંવના સૂર્યવંશી રાજાઓ તરીકે ઓળખાય છે. આ મલ્લવંશના શાસકો છે.

વૈશાલી પણ પૌરાણિક સમયનું સૂર્યવંશી રાજવીઓનું હતું. લિચ્છવી જાતિના અંશુવર્માના વારસદારો પણ સૂર્યવંશી છે.

સૂર્યવંશી ક્ષત્રિયો-રાજપૂતોનાં સ્થળાંતરણ સાથે આ વંશ ઘણી જગ્યાએ પ્રવર્તેલો છે, પણ કાળક્રમે રઘુવંશમાં કાલિદાસે ગાયેલી ગરિમાનો પ્રાય: અભાવ થયો છે.

ઈશ્વરલાલ ઓઝા

દશરથલાલ ગૌ. વેદિયા