સૂરત : દક્ષિણ ગુજરાતમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 200 47’થી 210 34′ ઉ. અ. અને 720 21’થી 740 20′ પૂ. રે. વચ્ચેનો 7,657 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો રાજ્યના કુલ ભૂમિભાગનો 3.95 % વિસ્તાર રોકે છે. તેની ઉત્તરે ભરૂચ અને નર્મદા જિલ્લો, પૂર્વમાં મહારાષ્ટ્રનો ધૂળે જિલ્લો, અગ્નિ દિશા તરફ ડાંગ જિલ્લો, દક્ષિણ તરફ નવસારી જિલ્લો તથા પશ્ચિમે અરબી સમુદ્ર આવેલા છે. જિલ્લામથક જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું છે.

સૂરત જિલ્લો

ભૂપૃષ્ઠ : જિલ્લાનું ભૂપૃષ્ઠ બે કુદરતી વિભાગોમાં વહેંચાયેલું છે : (i) સાગ અને વાંસ જેવાં વૃક્ષોવાળા ગીચ જંગલથી આચ્છાદિત પૂર્વનો પહાડી પ્રદેશ. તે ઉત્તર તરફ સાતપુડા હારમાળાથી અને દક્ષિણ તરફ સહ્યાદ્રિ હારમાળાથી ઘેરાયેલો છે. અહીં જુવારનો મબલક પાક લેવાય છે. આ વિસ્તાર ખૂબ જ પછાત છે, ત્યાં આદિવાસી પ્રજા વસે છે. (ii) તાપી નદીનો ફળદ્રૂપ મેદાની વિસ્તાર. અહીં માફકસરની આબોહવા પ્રવર્તે છે.

જિલ્લાની જમીનો ઉત્તર-દક્ષિણ ત્રણ સમાંતર પટ્ટાઓમાં વિભાજિત છે : (i) ઓલપાડ અને ચોર્યાસી તાલુકાઓમાં જોવા મળતી કાંઠાના પ્રદેશની ખારભૂમિની જમીન; (ii) પૂર્વ પટ્ટાની કાળી માટીની જમીન; (iii) કાળી, કાંપની અને ક્યારીની હલકી કક્ષાની જમીન. તે જિલ્લાની ભૂમિનો ઘણોખરો ભાગ આવરી લે છે. આ ઉપરાંત ગોરાડુ (કાંકરીમય) અને ખડકાળ (પહાડી) જમીનો સોનગઢ, વ્યારા અને ઉચ્છલ તાલુકાઓમાં જોવા મળે છે.

જિલ્લામાં કોઈ ઉલ્લેખનીય ખનિજપેદાશો તો મળતી નથી; પરંતુ અમુક પ્રમાણમાં સુઘટ્ય માટી, ચિનાઈ માટી, કંકર, ગોળાશ્મ, મુરમ, ઈંટની માટી, રેતી અને ટ્રેપ ખડકો મળે છે. આ ઉપરાંત થોડા પ્રમાણમાં બૉક્સાઇટ, ચૂનાખડકો તથા ખનિજતેલ અને કુદરતી વાયુ પણ મળે છે.

જળપરિવાહ : તાપી અને કિમ અહીંની મુખ્ય નદીઓ છે. અન્ય નાની નદીઓમાં મિંઢોળા, પૂર્ણા અને અંબિકા છે. અહીંની બધી જ નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને અરબી સમુદ્રને મળે છે. 752 કિમી.ની કુલ લંબાઈવાળી તાપી નદી મધ્યપ્રદેશના બેતુલ અને પૂર્વ નિમાડ જિલ્લાઓમાંથી અને મહારાષ્ટ્રના જલગાંવ, ધૂળે અને નંદરબાર જિલ્લાઓમાંથી પસાર થઈ ગુજરાતમાં પ્રવેશે છે, ત્યાંથી તે 144 કિમી.ના અંતર માટે ગુજરાતમાં વહી ડુમસ ખાતે અરબી સમુદ્રમાં ઠલવાય છે. મુખભાગથી અંદર તરફ તેમાં નૌકાવ્યવહાર થઈ શકે છે. તાપીકાંઠે 108 યાત્રાસ્થળો આવેલાં છે, તેમાં અશ્ર્વિનીકુમાર, ગુપ્તેશ્વર અને બોધાન મુખ્ય છે. કિમ નદી પૂર્વમાંથી નીકળી જિલ્લાના ઓલપાડ તાલુકામાં પ્રવેશે છે અને જિલ્લાની ઉત્તર સીમા રચે છે. મિંઢોળા અને પૂર્ણા ખાનદેશ સૂરત જિલ્લા વચ્ચેની ટેકરીઓમાંથી નીકળે છે. અંબિકા કેમ (Kem) ટેકરીઓમાંથી નીકળી ડાંગ અને નવસારી જિલ્લા વચ્ચે સીમા બનાવીને મહુવા તાલુકામાં પ્રવેશે છે અને અરબી સમુદ્રમાં ઠલવાય છે.

આબોહવા : અહીંની આબોહવા મોટેભાગે સમધાત રહે છે. સામાન્ય રીતે ઉનાળા અને ચોમાસાની ઋતુઓ ભેજવાળી રહે છે. શિયાળો સમધાત હોય છે અને ચોમાસામાં ભારે વરસાદ પડે છે. વર્ષાઋતુનો સમયગાળો જૂનના બીજા અઠવાડિયાથી શરૂ થઈ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા સુધી રહે છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 400 સે. અને શિયાળાનું તાપમાન 120 સે. જેટલું રહે છે. જિલ્લાનો સરેરાશ વરસાદ 1,500થી 2,000 મિમી. જેટલો પડે છે.

1810થી 1899 સુધીમાં તાપી નદીમાં 13 વખત અને 1900થી 1975 સુધીમાં 8 વાર પૂર આવેલાં. ઉકાઈ યોજના થયેલી હોવા છતાં ઉપરવાસમાં અતિવૃષ્ટિ થાય ત્યારે પૂરનો ભય ઊભો રહે છે. 1998ના સપ્ટેમ્બરમાં તેમજ 2006ના ઑગસ્ટ માસમાં પૂરની વિષમ પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને પરિણામે જાનમાલની તારાજી થઈ હતી.

ખેતીપશુપાલન : ઘઉં, ડાંગર, જુવાર, તુવેર અને ચણા આ જિલ્લાના મુખ્ય કૃષિપાકો છે. કપાસ અને એરંડા બીજા ક્રમે તથા શેરડી, મગફળી અને મરચાં ત્રીજા ક્રમે આવતા મહત્ત્વના પાકો છે. નહેર અને કૂવા સિંચાઈ માટેના મુખ્ય સ્રોત છે.

ગાય, ભેંસ, બળદ, ઘેટાંબકરાં, ઘોડા, ટટ્ટુ, ખચ્ચર, ગધેડાં, ઊંટ અને ડુક્કર અહીં મુખ્ય પાલતુ પશુઓ છે. મરઘાં-બતકાંનો પણ ઉછેર થાય છે. પશુઓ માટે પશુદવાખાનાં, ચિકિત્સાલયો તથા કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો આવેલાં છે. જિલ્લામાં ઘણી દૂધમંડળીઓ કાર્યરત છે. પુષ્કળ દૂધ-ઉત્પાદન થતું હોવાથી સુમુલ ડેરી વિકસી છે. માછીમારીની પ્રવૃત્તિ પણ ચાલે છે. સૂરત અને ભાગવા માછીમારીનાં મુખ્ય મથકો છે. માછીમારોની સહકારી મંડળીઓ ચાલે છે.

ઉદ્યોગવેપાર : જિલ્લામાં સુતરાઉ, ઊની, રેશમી અને કૃત્રિમ રેસાઓમાંથી બનતા કાપડનું ઉત્પાદન લેવાય છે. કાચ, માટીનાં પાત્રો-વાસણો, સિમેન્ટ, કાગળ અને કાગળની પેદાશો માટેનાં તથા મુદ્રણ-પ્રકાશન સાથે સંલગ્ન એકમો વિકસ્યા છે.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં અહીં હીરાનો ઉદ્યોગ મોટા પાયા પર વિકસ્યો છે. કાચા હીરા અહીં આયાત કરી, ઘસી, તૈયાર કરીને તેમનો વેપાર ચાલે છે. જિલ્લાના વિશેષ ઉલ્લેખનીય ઉદ્યોગોમાં કાપડ-ઉદ્યોગ અને હીરા-ઉદ્યોગનો સમાવેશ થાય છે.

બેકરી, ફરસાણ અને મીઠાઈ જેવી ખાદ્યપેદાશો, રસાયણો-રાસાયણિક પેદાશો, યંત્રસામગ્રી-ઓજારો તેમજ અધાત્વિક ખનિજપેદાશોનું પણ ઉત્પાદન લેવાય છે. અહીં બાટલીબૉય ઍન્ડ કંપની લિ., ગુજરાત ગ્લાસ લિ., હિન્દુસ્તાન ડેવલપમેન્ટ કૉર્પોરેશન, રાજકમલ સિન્થેટિક્સ, સ્ટાન્ડર્ડ સૉલ્ટ વર્ક્સ, મફતલાલ ફાઇન સ્પિનિંગ ઍન્ડ મૅન્યુફૅક્ચરિંગ કંપની લિ., બરોડા રેયૉન કૉર્પોરેશન લિ. જેવા ઉદ્યોગો વિકસ્યા છે. અહીંના કાપડ-ઉદ્યોગમાં આશરે 50 % લોકો તથા પેટ્રોલિયમ અને કોલસાખનનકાર્યમાં 33 % લોકો રોકાયેલા છે. જિલ્લામાં બધા મળીને અંદાજે 650 જેટલા નાના પાયા પરના ઔદ્યોગિક એકમો કાર્યરત છે.

જિલ્લામાંથી થતી નિકાસી ચીજવસ્તુઓમાં ખાંડ, શેરડી, સોડાબાયકાર્બ, તુવેરદાળ, સૂતર, છાપેલું સુતરાઉ કાપડ, હીરા, તૈયાર પોશાકો, કૃત્રિમ રેશમી કાપડ, કાગળ અને અલ્ટ્રામરીન બલૂનો તથા આયાતી માલસામાનમાં લોખંડ, કાચા હીરા, કોલસો, લાકડાં, રંગો, શેરડી, મગફળી, સિંગતેલ, કૃત્રિમ રેસા, રસાયણો અને રદ્દી કાગળનો સમાવેશ થાય છે. જિલ્લામાં વાણિજ્ય બૅંકો અને સહકારી બૅંકોની સુવિધા ઉપલબ્ધ છે.

પરિવહન : જિલ્લામાં રેલમાર્ગો-સડકમાર્ગોની વ્યવસ્થા સારા પ્રમાણમાં વિકસી છે. 38 રેલમથકો સહિતના 209 કિમી.ના રેલમાર્ગો આવેલા છે. અમદાવાદ-મુંબઈના બ્રૉડગેજ રેલમાર્ગ પર સૂરત શહેર લગભગ અડધા અંતરે આવેલું છે. સૂરતથી પૂર્વ તરફ એક રેલમાર્ગ જાય છે. જિલ્લામાં સડકમાર્ગોની લંબાઈ 2,650 કિમી.ની છે, તે પૈકી રાષ્ટ્રીય ધોરી માર્ગ (51 કિમી.), રાજ્ય ધોરી માર્ગો (453 કિમી.), જિલ્લા માર્ગો (479 કિમી.), કાચા ગ્રામમાર્ગો (1,112 કિમી.) અને અન્ય માર્ગોનો સમાવેશ થાય છે. જિલ્લાનાં 1,185 ગામો પૈકી 993 ગામો રાજ્યપરિવહનની બસોથી સંકળાયેલાં રહે છે.

પ્રવાસન : સૂરત અને બારડોલી આ જિલ્લાનાં મુખ્ય જોવાલાયક સ્થળો ગણાય છે. સૂરત એ આ જિલ્લાનું વડું વહીવટી મથક, ઔદ્યોગિક શહેર તથા બંદર તરીકે વિકસ્યું છે. બારડોલી આઝાદીની ચળવળ દરમિયાન સત્યાગ્રહના મથક તરીકે ઐતિહાસિક પ્રસિદ્ધિ પામ્યું છે. 1928ના ફેબ્રુઆરીમાં બ્રિટિશ શાસન હેઠળ સરકારે જમીન-મહેસૂલના દર વધારેલા તેના વિરોધમાં વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સત્યાગ્રહ થયેલો. ગાંધીજી સહિત વલ્લભભાઈ પ્રજાને માર્ગદર્શન આપવા બારડોલી ગયેલા. અંગ્રેજ સરકારને નમતું જોખવું પડેલું, મહેસૂલ-વૃદ્ધિ પાછી ખેંચાયેલી. આ સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ‘સરદાર’ના હુલામણા નામથી જાણીતા બન્યા. અહીંથી બે-ત્રણ કિમી.ને અંતરે કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જિલ્લામાં વારતહેવારે મેળા ભરાય છે.

વસ્તી : 2001 મુજબ સૂરત જિલ્લાની વસ્તી 49,96,391 જેટલી છે. તે પૈકી 60 % પુરુષો અને 40 % સ્ત્રીઓ છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી વસ્તી વિશેષ છે; જ્યારે શીખ અને બૌદ્ધો ઓછા છે. જિલ્લામાં ગુજરાતી, હિન્દી, મરાઠી, સિંધી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીંના 80 % લોકો શિક્ષિત છે. 1,185 વસ્તીવાળાં ગામો પૈકી 1,147 ગામોમાં શાળાઓની વ્યવસ્થા છે. સૂરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું મથક આવેલું છે. 15 જેટલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે. જિલ્લામાં હૉસ્પિટલો, ચિકિત્સાલયો, કુટુંબનિયોજનકેન્દ્રો, પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો અને ઉપકેન્દ્રો, પ્રસૂતિગૃહો અને બાળકલ્યાણકેન્દ્રો કાર્યરત છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 13 તાલુકા અને 13 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 14 નગરો અને 1,278 (93 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું શહેર સૂરત છે. ‘સૂરત’ નામ ‘સૂર્ય’ પરથી, ‘રાંદેર’નું નામ સૂર્યપત્ની ‘રાંદલ’ પરથી, ‘તાપી’ નદીનું નામ સૂર્યપુત્રી ‘તપતી’ પરથી અને ‘અશ્ર્વિનીકુમાર’ વિસ્તારનું નામ સૂર્યપુત્ર ‘અશ્ર્વિનીકુમાર’ પરથી પડ્યું છે. એટલે કોઈ સૂર્યપૂજક જાતિ અહીં રહેતી હશે એવું સહજ અનુમાન કરી શકાય. સૂરત ક્યારે વસ્યું એ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી; પરંતુ હિંદના સુલતાનો કુતુબુદ્દીન અયબેક અને મોહંમદ તુઘલુકે સૂરતની મુલાકાત લીધી હતી એવું મુસ્લિમ ઇતિહાસકારો નોંધે છે. સુલતાન ફિરોઝ તુગલુકે સૂરતના રક્ષણ માટે ઈ. સ. 1373માં તાપી નદીના કિનારે નાનો કિલ્લો બંધાવ્યો હતો. 1391માં ગુજરાતના ગવર્નર ઝફરખાને એના પુત્ર મસ્તીખાનને રાંદેર તથા સૂરતના ગવર્નર તરીકે નીમ્યો હતો. મૂળ સૂરત દરિયામહેલ, ફૂરજા, શાહપોર, સોદાગરવાડ, નાણાવટ વગેરે વિસ્તારો પૂરતું મર્યાદિત હતું; પરંતુ ઈસુની 15મી સદીના અંતમાં અથવા 16મી સદીની શરૂઆતમાં મલિક ગોપી નામના હિંદુ અમીર અને અધિકારીએ ગોપીપુરા વસાવી તથા ગોપીતળાવ અને રાણીતળાવ બંધાવી તેનો વિકાસ કર્યો.

16મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોએ સૂરતના બંદર ઉપર કબજો જમાવ્યો. તેઓ સૂરત અને એની આસપાસના દરિયામાં લૂંટફાટ તથા ચાંચિયાગીરી કરતા હતા. 1530માં એમણે રાંદેરને લૂંટ્યું, બાળ્યું અને એની સમૃદ્ધિનો નાશ કર્યો. પોર્ટુગીઝોના હુમલાઓથી બચવા સૂરતના નાઝીમ ખ્વાજા સફર સલમાનીએ ઈ. સ. 1540માં જૂના નાના કિલ્લાને સ્થાને નવો મજબૂત અને વિશાળ કિલ્લો બંધાવ્યો, જે આજે તાપી નદીના હોપપુલ પાસે મોજૂદ છે. સૂરત જીતવા મુઘલ બાદશાહ અકબર પોતે અહીં આવ્યો હતો અને દોઢ માસના ઘેરા પછી ફેબ્રુઆરી 1573માં એણે સૂરતના કિલ્લા ઉપર કબજો મેળવ્યો હતો.

મુઘલ યુગ દરમિયાન સૂરતની વસ્તી, વિસ્તાર, વેપાર, સમૃદ્ધિ અને જાહોજલાલીમાં ખૂબ વધારો થયો. ઈસુની 17મી સદીમાં એ પશ્ચિમ હિંદનું મુખ્ય અને આંતરરાષ્ટ્રીય બંદર બન્યું. પોર્ટુગીઝો, અંગ્રેજો, ડચ લોકો, ફ્રેન્ચો વગેરેએ એમની કોઠીઓ સૂરતમાં નાખી હતી. આર્મેનિયનો પણ અહીં વેપારીઓ તરીકે આવ્યા. એમનાં કબ્રસ્તાનો કતારગામ દરવાજા પાસે છે. મુઘલ યુગ દરમિયાન સૂરતમાં ‘મુત્સદ્દી’ નામનો વહીવટી અને ‘કિલ્લેદાર’ નામનો લશ્કરી અધિકારી રહેતો. સૂરતના કિલ્લેદાર ઇશાકબેગ યઝદી ઉર્ફે હકીકતખાને ઈ. સ. 1644માં મુસ્લિમ પ્રવાસીઓને રહેવા માટે એક ભવ્ય અને વિશાળ ‘મોગલસરાઈ’ બંધાવી, જેનો ઉપયોગ અંગ્રેજોએ થોડા સમય માટે જેલ તરીકે કર્યો હતો. આજે આ ઐતિહાસિક ઇમારતનો ઉપયોગ સૂરત મહાનગરપાલિકા(મ્યુનિસિપલ કૉર્પોરેશન)ના મુખ્ય કાર્યાલય તરીકે થાય છે. આ ‘મોગલસરાઈ’ પરથી એની આસપાસનો વિસ્તાર ‘મુગલીસરા’ તરીકે ઓળખાય છે.

મોગલસરાઈ, સૂરત

મુઘલ યુગમાં મુસ્લિમો સૂરત બંદરે થઈને જ મક્કા હજ કરવા જતા. તેથી તે ‘બાબ-ઉલ-મક્કા’ એટલે કે ‘મક્કા જવાના દરવાજા’ તરીકે ઓળખાતું. સૂરતના મક્કાઈ પુલ (વર્તમાનમાં વિવેકાનંદ સર્કલ) પાસેથી મક્કા જવાનાં વહાણો ઊપડતાં. અહીં વેપાર માટે અનેક દેશોનાં વહાણો આવતાં. તેથી ચોર્યાસી બંદરના વાવટા આ બંદરે ઊડતા એમ કહેવાતું. સૂરતમાં વીરજી વોરા, કૃષ્ણ અર્જુન ત્રવાડી, રૂસ્તમ માણેક જેવા મોટા વેપારીઓ થઈ ગયા. આત્મારામ ભૂખણ સૂરતના મોટા શરાફ હતા, જે દેશવિદેશમાં પ્રસિદ્ધ હતા. એમના મકાનનાં ભોંયરાંઓ ચાંદીના રૂપિયાથી ભરેલાં રહેતાં. સૂરતમાં ફુરજા સામે એક ટંકશાળ હતી; જ્યાં સોના, ચાંદી અને તાંબાના સિક્કાઓ પાડવામાં આવતા. મુઘલ સમ્રાટ શાહજહાંની પુત્રી જહાનઆરાને સૂરતની જાગીર આપવામાં આવી હતી. એનો મહેલ જ્યાં હતો એ વિસ્તાર ‘બેગમવાડી’ અને ‘બેગમપુરા’ તરીકે ઓળખાય છે. યુરોપિયન પ્રવાસીઓ સીઝર ફ્રેડરિક, વિલિયમ હૉકિન્સ, વિલિયમ ફિન્ચ, ઍડવર્ડ ટેરી, પીટર ડેલ્લાવેલ, ટૉમસ રો, ટૉમસ હર્બર્ટ, મેન્ડેલસ્લો, ફાધર મૉન્સેરાટ, ટેવર્નિયર, થેવેનો, જ્હૉન ફ્રેયર, ઓવિંગ્ટન વગેરેએ સૂરતની મુલાકાત લીધી હતી. એમણે એમનાં પ્રવાસવર્ણનોમાં એ સમયના સૂરતની આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક સ્થિતિ તથા લોકજીવનનું વિસ્તૃત વર્ણન કર્યું છે.

મુઘલ યુગમાં સૂરતની જે સમૃદ્ધિ અને જાહોજલાલી હતી તેમાં મરાઠા યુગ દરમિયાન ઓટ આવી. શિવાજીએ ચોથ ઉઘરાવવા સૂરતને 1664માં અને 1670માં એ બે વખત લૂંટીને કરોડો રૂપિયાની સંપત્તિ મેળવી હતી. એ પછી પણ ઘણી વાર મરાઠી લશ્કરો સૂરત સુધી હુમલો લઈને આવતા. અંગ્રેજોને સૂરત અસલામત લાગતાં એમણે મુંબઈ ટાપુનો વિકાસ કરી એમનું મુખ્ય મથક સૂરતથી મુંબઈ ખસેડ્યું. સૂરતના ઘણા વેપારીઓ પણ મુંબઈ જઈને વસ્યા. સૂરતનું રક્ષણ કરવા એનો પ્રથમ કોટ ‘શહેરપનાહ’ 1666થી 1679 દરમિયાન અને બીજો વિસ્તૃત કોટ ‘આલમપનાહ’ 1717થી 1719 દરમિયાન બંધાયો. હાલમાં એ બંને કોટ અને એમના દરવાજાઓ નામશેષ છે. ‘આલમપનાહ’ની જગ્યાએ આજનો ‘રિંગ રોડ’ બન્યો છે. 1707માં ઔરંગઝેબના અવસાન પછી મુઘલ સત્તા નબળી પડતાં 1733માં સૂરતનો મુત્સદ્દી બનેલો તેગબેગખાન સ્વતંત્ર નવાબ બન્યો. એના પછી એના કેટલાક વંશજોએ નવાબ તરીકે રાજ્ય કર્યું. છેલ્લો નવાબ મીર અફઝલુદ્દીન અપુત્ર મરણ પામતાં 1842માં અંગ્રેજોએ સૂરતને ખાલસા કર્યું અને એના જમાઈ જાફરઅલીને વાર્ષિક પેન્શન બાંધી આપ્યું. આ જાફરઅલીએ સૂરતમાં 1861માં સૌપ્રથમ કાપડની મિલ શરૂ કરી હતી, જે પછીથી સૂરત કૉટન મિલ તરીકે પ્રસિદ્ધ બની હતી.

અંગ્રેજી શાસન સ્થપાયા પછી સૂરતમાં ભૌતિક સગવડ – સુધારા દાખલ થયા. 1826માં ગુજરાતી શાળા, 1842માં અંગ્રેજી શાળા, 1850માં એન્ડ્રૂઝ લાઇબ્રેરી અને 1852માં રાયચંદ દીપચંદ પ્રાથમિક કન્યાશાળા તથા સૂરત શહેર સુધરાઈની સ્થાપના થઈ. 1864માં સૂરત રેલવે દ્વારા મુંબઈ સાથે જોડાયું અને 1877માં તાપી નદી પર હોપપુલ બંધાયો. સમય જતાં રસ્તાઓ, વીજળી, વારિગૃહ, તાર, ટપાલ અને બગીચાઓની સગવડ થઈ. 1844માં મીઠાના કરમાં વધારા સામે, 1848માં તોલમાપમાં બંગાળી મણ દાખલ કરવા સામે અને 1860માં આવકવેરા સામે સત્યાગ્રહ જેવાં ઉગ્ર આંદોલનો કરી સૂરતે સરકારને તેની તાકાતનો પરિચય કરાવ્યો હતો. સૂરતને કેટલીક મોટી આગોએ અને તાપી નદીના પૂરે ઘણું નુકસાન કર્યું હતું. ઈ. સ. 1837ની મોટી આગે સૂરતમાં ભયંકર વિનાશ વેર્યો હતો અને એના મધ્ય ભાગનાં સેંકડો મકાનો બળી ગયાં હતાં.

આઝાદીની ચળવળમાં સૂરતે મહત્ત્વનો ફાળો નોંધાવ્યો હતો. 1885માં મુંબઈમાં યોજાયેલા કૉંગ્રેસના પ્રથમ અધિવેશનમાં સૂરતના છ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. 1907માં કૉંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન સૂરતના અઠવાગેટ પાસેના દિવાળી બાગ વિસ્તારમાં યોજાયું હતું. એ સ્થળ એ સમયે ‘ફ્રેન્ચ વાડી’ તરીકે ઓળખાતું હતું. આ અધિવેશનમાં કૉંગ્રેસ જહાલ અને મવાળ – એવાં બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. ગાંધીજીએ 1916ના જાન્યુઆરીમાં આર્યસમાજના મકાનનું ઉદઘાટન કરવા સૂરતની પ્રથમ મુલાકાત લીધી હતી. એ પછી ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ ઘણી વખત સૂરત આવ્યા હતા. પાટીદાર આશ્રમ અને અનાવિલ આશ્રમ સૂરતની સ્વાતંત્ર્યચળવળનાં બે મુખ્ય કેન્દ્રો હતાં. એ બંને આશ્રમોની વચ્ચે ‘સ્વરાજ્યભવન’ નામનું નાનું મકાન હતું, જેમાં ભૂગર્ભ પ્રવૃત્તિઓ થતી હતી. સૂરતના નોંધપાત્ર રાજકીય નેતાઓમાં કલ્યાણજી મહેતા, દયાળજી દેસાઈ, કનૈયાલાલ દેસાઈ, હિતેન્દ્રભાઈ દેસાઈ, ગોરધનદાસ ચોખાવાલા, ઝીણાભાઈ દરજી, કાશીરામ રાણા વગેરેને ગણાવી શકાય.

ગુજરાતમાં સમાજસુધારાની ચળવળની શરૂઆત સૂરતથી થઈ હતી. દુર્ગારામ મહેતાજી, નર્મદાશંકર દવે, દાદોબા પાંડુરંગ, મહીપતરામ રૂપરામ નીલકંઠ વગેરેએ એમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. સ્વામી દયાનંદ સરસ્વતી અને સ્વામી શ્રદ્ધાનંદજીએ સૂરતની મુલાકાત લીધી હતી. નંદશંકર મહેતા, નર્મદાશંકર દવે, નવલરામ ત્રિવેદી, મહીપતરામ નીલકંઠ, રમણભાઈ નીલકંઠ, રણજિતરામ વાવાભાઈ મહેતા, જ્યોતીન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા, ચં. ચી. મહેતા, ડૉ. વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી, ડૉ. જયંત પાઠક જેવા સાહિત્યકારો સૂરત સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. સૂરતની નર્મદ સાહિત્ય સભા 1939થી સાહિત્યિક પ્રવૃત્તિઓ કરે છે. શિક્ષણ, નાટ્યકલા, નૃત્ય, સંગીત, ઉદ્યોગ, વ્યાપાર અને ધર્મના ક્ષેત્રે સૂરતનું પ્રદાન નોંધપાત્ર છે. હાલમાં સૂરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું મુખ્ય મથક છે. એ ઉપરાંત ઝાંપાબજારમાં એશિયાની વિશિષ્ટ કહી શકાય એવી ‘અલ જામિયા તુસ સૈફિયા’ નામની દાઉદી વહોરાઓએ સ્થાપેલી અરબી યુનિવર્સિટી પણ કાર્યરત છે. મુંબઈ શેરબજારના રાજા તરીકે પ્રસિદ્ધ થયેલા પ્રેમચંદ રાયચંદ સૂરતના વતની હતા. એમણે મુંબઈ યુનિવર્સિટી, કોલકાતા યુનિવર્સિટી, અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા) તથા અન્ય કેટલીક સંસ્થાઓને મોટાં દાનો આપ્યાં હતાં. છેલ્લાં થોડાં વર્ષોમાં સૂરતમાં આર્ટ સિલ્ક, કાપડ, જરી અને હીરાના ઉદ્યોગો વિકસ્યા છે. હજીરા નજીક કરોડો રૂપિયાની મૂડીવાળાં જંગી કારખાનાંઓ થયાં છે. ઊધના, પાંડેસરા, કતારગામ, અમરોલી, વરાછા વગેરે વિસ્તારોમાં પણ નાના-મોટા ઉદ્યોગો વિકસ્યા છે.

રીંગરોડ ઉપરનો ફ્લાય ઓવરબ્રિજ

છેલ્લાં થોડાં વર્ષોમાં સૂરત શહેરની વસ્તી અને વિસ્તારમાં ઘણો ઝડપી વધારો થયો છે. ભૂતકાળમાં સૂરત ‘સોનાની મૂરત’ તરીકે ઓળખાતું હતું, જ્યારે વર્તમાનમાં એ ‘હીરાની નગરી’ (ડાયમન્ડ સિટી) તરીકે ઓળખાય છે. સૂરત નગરપાલિકાનું 1966માં મહાનગરપાલિકા(મ્યુનિસિપલ કૉર્પોરેશન)માં પરિવર્તન થયું છે. શહેરની શોભા વધારે એવા કેટલાક ફુવારાઓ, તરણકુંડો, બગીચાઓ વગેરે થયાં છે અને ટ્રાફિક્ને સરળ બનાવવા કેટલાક ફ્લાય ઓવરબ્રિજ બન્યા છે. જૂનો હોપપુલ બિનઉપયોગી બન્યો છે, પરંતુ એની પાસે નહેરુપુલ બન્યો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં સરદારપુલ, વિવેકાનંદપુલ, અમરોલી પાસેનો પુલ અને નાના વરાછા તથા મોટા વરાછાને જોડતા પુલ બન્યા છે. નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે રંગઉપવન, ગાંધી સ્મૃતિ ભવન, સરદાર સ્મૃતિ ભવન અને ઇનડોર સ્ટેડિયમ બન્યાં છે. નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય સૂરતનું મોટું અદ્યતન ગ્રંથાલય છે. સરદાર વલ્લભભાઈ પટેલ સંગ્રહાલય સમૃદ્ધ છે. શાહપોર વિસ્તારમાં આવેલ ચિંતામણિ પાર્શ્ર્વનાથનું જૈન મંદિર એની કાષ્ઠકલા અને ચિત્રકલા માટે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. સૂરતના કેટલાક જૈન ગ્રંથભંડારોમાં હજારો પ્રાચીન હસ્તપ્રતો સંગ્રહાયેલી છે.

સૂરતની પાપડી, પોંક, પતંગની દોરી, ઘારી, મઠો, ઊંધિયું, સરસિયાં ખાજાં અને ભૂસું પ્રસિદ્ધ છે. સૂરતની મિષ્ટ વાનગીઓને લીધે ‘સૂરતનું જમણ અને કાશીનું મરણ’ એ કહેવત પ્રચલિત બની છે. દર વર્ષે શિયાળામાં જુવારનો મીઠો પોંક ખાવા અન્ય શહેરોમાંથી લોકો સૂરત આવે છે. સૂરતમાં ચંદની પડવો(આસો વદ એકમ)નો ઉત્સવ ઘારી ખાવા માટે પ્રસિદ્ધ છે. સૂરતી લોકો ભોળા, દંભરહિત, શોખીન અને લહેરી છે. સામાન્ય વાતચીતમાં ઝઘડવાના હેતુ વિના અભાનપણે ગાળોનો ઉપયોગ કરવો એ કેટલાક સૂરતી લોકોની ખાસિયત છે. નદીનું પૂર અને પ્લેગ જેવી કુદરતી આફતોનો તેઓ હિંમતપૂર્વક સામનો કરે છે. તાપી નદીના કિનારે વસેલું સૂરત એની પ્રાચીન પરંપરાઓ જાળવી નવા જમાના સાથે તાલ મેળવી રહ્યું છે.

મોહન વ. મેઘાણી

મુગટલાલ પોપટલાલ બાવીસી

ગિરીશભાઈ પંડ્યા