સુબ્રમણ્યમ્, કા. ના. (. 1912, વાલાનગૈમાન, તમિલનાડુ; . 1988) : તમિળના પ્રતિભાસંપન્ન લેખક, વિવેચક અને નવલકથાકાર. તેમને તેમના વિવેચનાત્મક નિબંધસંગ્રહ ‘ઇલક્કીયથુક્કા યા ઇયક્કમ્’ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

તેમણે અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનના સ્નાતકની પદવી મેળવી હતી. તેઓ ‘ઇન્ડિયન ઑથર’ નામક સામયિકના સંસ્થાપક-સંપાદક હતા તેમજ તેમણે તમિળ માસિક ‘જ્ઞાનરતમ્’નું સંપાદન પણ કર્યું હતું. સાહિત્યિક અને પત્રકારત્વવિષયક હજારો લેખો લખીને જીવનનિર્વાહ કરનાર ગણ્યાગાંઠ્યા ભારતીયો પૈકીના તેઓ એક હતા.

તેઓ બહુમુખી લેખક તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેમણે વિદ્યાર્થીકાળથી અંગ્રેજી અને તમિળ – બંને ભાષાઓમાં લેખનકાર્ય શરૂ કરેલું. અત્યાર સુધીમાં તેમની 40 જેટલી કૃતિઓ પ્રગટ કરાઈ છે અને સંખ્યાબંધ હસ્તપ્રતો હજી અપ્રગટ છે. તેમાં કાવ્યસંગ્રહ, નવલકથા, વાર્તાસંગ્રહ, નાટક અને વિવેચનનો સમાવેશ થાય છે. સમગ્રતયા તેમણે વૈશ્ર્વિક સાહિત્યનાં વિવેચનનાં ધોરણો સાથે વૈદિક કાળથી શરૂ કરીને આનંદ કુમારસ્વામી સુધીના લેખકોના ભારતીય વિચારોનો પ્રવાહ રેલાવ્યો હતો.

કા. ના. સુબ્રમણ્યમ્

વિવિધ પ્રકારની 20 નવલકથાઓ પૈકી ‘પોઈ તેવુ’ (‘ફૉલ્સ ગૉડ્ઝ’, 1943); ‘ઑરુ નાલ’ (‘વન ડે’, 1950); ‘અવધૂતાર’ (1982); ‘આત કોલ્લી’ (‘ધ મૅન કિલર’) અને ‘અસૂર ગણમ્’ (‘ધ ડૅમન્સ’) ઉલ્લેખનીય છે.

તેમણે દેશ-વિદેશના અનેક પ્રવાસો ખેડ્યા હતા. તેઓ લગભગ 6 યુરોપીય અને 5 ભારતીય ભાષાઓના જાણકાર હતા. તેમણે વિશ્વની 12 પ્રશિષ્ટ કૃતિઓનાં તમિળ ભાષામાં રૂપાંતરો કર્યાં હતાં.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇલક્કિયથુક્કા યા ઇયક્કમ્’ સાહિત્યશાસ્ત્ર સંબંધી વિવેચનાત્મક નિબંધોનો સંગ્રહ છે. તેની તલસ્પર્શી ભૂમિકા, મૌલિક ચિંતન તથા વિશ્લેષણાત્મક પકડને લીધે સમકાલીન તમિળ સાહિત્યમાં તે મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

બળદેવભાઈ કનીજિયા