સુનહરે (1955) : અમૃતા પ્રીતમ (જ. 1919; અ. 31 ઑક્ટોબર 2005)-રચિત કાવ્યસંગ્રહ. તેમાં ઊર્મિકાવ્યો સંગૃહીત છે. આ કૃતિ બદલ કવયિત્રીને 1956ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અમૃતા પ્રીતમ જ્યારે પ્રખ્યાત ઉર્દૂ ભારતીય કવિ સાહિર લુધિયાનવીના સંપૂર્ણ અને ઉત્કટ પ્રેમમાં હતાં ત્યારે આ કૃતિ તેમને 1953માં અર્પણ કરવામાં આવી હતી; પરંતુ તે 1955માં પ્રગટ થઈ હતી.

આ કાવ્યોમાંનું કલ્પાન્ત તેમની વ્યક્તિગત વ્યથા હોવા છતાં, વ્યાપક માનવસ્તર સુધી તેનું નિરૂપણ કરે છે. વ્યક્તિગત વ્યથાનું વિશ્વજનીન સ્તરે પરિવર્તન એ આકૃતિનું મુખ્ય કાવ્યમય વિશિષ્ટ લક્ષણ છે. તેઓ પ્રગતિશીલ ભાવના સાથે સમાજનો સમાજવાદી ઢાંચો, સમાન અધિકાર, જમીનની સંયુક્ત માલિકી, યુદ્ધ પ્રત્યે નફરત અને વિશ્વશાંતિ માટેની ઉત્કટ ઇચ્છાની હિમાયત કરે છે. તેઓ આદર્શવાદી વિચારસરણી સાથે સમાજના પ્રવર્તમાન સામાજિક-આર્થિક વિષમતા પ્રત્યે અસંતોષ વ્યક્ત કરે છે. તેમણે પ્રકૃતિનું સૂક્ષ્મ અવલોકન કરીને યોગ્ય પ્રતીકો દર્શાવ્યાં છે. ક્યારેક તેઓ પ્રકૃતિનાં પરંપરાગત તત્ત્વોનું નવું અર્થઘટન કરે છે. આમ આ પુરસ્કૃત કૃતિ તત્કાલીન પંજાબી સાહિત્યમાં આગવી ભાત પાડે છે.

બળદેવભાઈ કનીજિયા