સુધાંશુ (. 6 એપ્રિલ 1917, બારામતી, મહારાષ્ટ્ર; . 20 સપ્ટેમ્બર 2006, ઔદુંબર, જિ. સાંગલી, મહારાષ્ટ્ર) : મરાઠીના ખ્યાતનામ કવિ, સ્વાતંત્ર્યસેનાની અને દત્તગુરુના આજન્મ ઉપાસક. મૂળ નામ હણમંત નરહર જોશી. ‘સુધાંશુ’ આ કવિનામ કાવ્યવિહારી નામના બીજા મરાઠી કવિએ તેમને આપ્યું. ત્યારથી તેમની બધી જ કાવ્યરચનાઓ આ તખલ્લુસથી જાણીતી થઈ છે. શિક્ષણ માત્ર મરાઠી સાત ધોરણ સુધીનું. પરિવારનો મુખ્ય વ્યવસાય ખેતી, જેમાં આજન્મ પરોવાયા. સાથોસાથ દત્ત ભગવાનની નિષ્ઠાપૂર્વક આરાધના કરી. તેમના જ વતનમાં રહેતા સમાનધર્મી બાળમિત્ર સદાનંદ સામંતની સંગતમાં ગ્રામવિસ્તારમાં સાહિત્યપ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. 1939-2006 ગાળામાં દર વર્ષે સંક્રાંતિના દિવસે એકદિવસીય વાદવિવાદમુક્ત ‘ઔદુંબર મરાઠી સાહિત્ય સંમેલન’નું આયોજન તેઓ કરતા રહ્યા છે. તેમણે ગુપ્તવેશમાં સ્વાધીનતાની ચળવળમાં ભાગ લીધો હતો. તેમના ચાર કવિતા-સંગ્રહો મરાઠી ભાષામાં પ્રકાશિત થયા છે : ‘દત્તગીત’, ‘ગીત દત્તાત્રય’, ‘દત્ત ગુરુંચી ગાણી સુંદર’ અને ‘ભરલી ચંદ્રભાગા’. ભગવાન દત્તની આરાધના પર તેમણે લખેલી કેટલીક રચનાઓ ગેય સ્વરૂપમાં મરાઠીભાષી લોકોમાં ખૂબ પ્રસિદ્ધિ પામી છે. તેમની એક રચના ‘દત્ત દિગંબર દૈવત માઝે’ આર. એન. પરાડકરના કંઠે ગાયેલી મહારાષ્ટ્રના લગભગ દરેક પરિવારમાં ભક્તિભાવપૂર્વક ગવાતી હોય છે અને આધુનિક મરાઠી ભક્તિગીતોની શૃંખલામાં તે ઐતિહાસિક સ્થાન પ્રાપ્ત કરી ચૂકી છે.

ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ના ખિતાબથી નવાજ્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે