સુકુમાર ઘૃત (કલ્પ)

January, 2008

સુકુમાર ઘૃત (કલ્પ) : આયુર્વેદિક ઔષધિ. આયુર્વેદિક ઔષધિનિર્માણશાસ્ત્રમાં અનેક પ્રકાર-સ્વરૂપની ઔષધિઓ બને છે; જેમાં ઔષધિયુક્ત ઘીની પણ અનેક વિશિષ્ટ દવાઓ છે. આયુર્વેદના મતે ઘી સૌમ્ય, શીતળ, મૃદુ, મધુર, વાત તથા પિત્તદોષનાશક, પૌષ્ટિક અને રસાયનગુણયુક્ત છે. તેનાથી બળ, વીર્ય, ઓજ, તેજ, મેધા, બુદ્ધિ અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. વળી વિષનો પણ નાશ થાય છે. પ્રાય: તમામ ઘૃત-ઔષધિના નિર્માણમાં ગાયનું ઘી લેવાય છે. આયુર્વેદોક્ત અનેક ઘૃત-ઔષધિઓમાંની એક વિશિષ્ટ ઔષધિ અત્રે આપી છે.

સાટોડી 50 ભાગ; દશમૂળ 50 ભાગ; ક્ષીરકાકોલી, અશ્વગંધા, એરંડમૂલ, શતાવરી, દર્ભમૂળ, કુશમૂળ, શરમૂળ, કાસનાં મૂળ, શેરડીનાં મૂળ – આ દરેક 5-5 ભાગ લઈ, તેનો 1024 ભાગ જળમાં ઉકાળો કરાય છે. તે ઉકાળો ચોથા ભાગનો રહે ત્યારે તેને ગાળી લઈ, તેમાં 15 ભાગ ગોળ, 16 ભાગ એરંડિયું તેલ, 32 ભાગ ગાયનું ઘી, 32 ભાગ ગાયનું દૂધ અને લીંડીપીપર, ગંઠોડા, સિંધવ, જેઠીમધ, કાળી દ્રાક્ષ, અજમો અને સૂંઠ 1-1 ભાગ લઈ, તેમને વાટી તેની ચટણી તેમાં મેળવીને વિધિસર ઘી પકાવીને, ગાળીને, કાચની બૉટલમાં ભરી લેવાય છે.

આ ઘી 5થી 10 ગ્રામ (1થી 2 ચમચી) દૂધ સાથે સવાર-સાંજ લેવામાં આવે છે.

હરસ, વધરાવળ (અંડવૃદ્ધિ), વિદ્રધિ (નાસૂર), ગોળો, યોનિ તથા લિંગની વાયુની પીડા, વાયુદોષનાં દર્દો, સોજા, ઉદરરોગ, વાતરક્ત (‘ગાઉટ’), બરોળવૃદ્ધિ તથા કબજિયાતમાં તે લાભ કરે છે. આ ઘૃત-ઔષધિ ધનવાનો, સુકુમાર (કોમળ) તાસીરના લોકો તથા સુખી વ્યક્તિઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઘીનું સ્વસ્થ લોકો પણ જો નિત્ય અને દીર્ઘકાળ સુધી સેવન કરે તો તેથી તેમના દેહની કાન્તિ, સૌંદર્યપુષ્ટિ, બળ તથા આયુષ્યની વૃદ્ધિ થાય છે. આ રીતે સેવન કરાતા ઔષધને કલ્પવિધિ કહે છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા