સુકુમાર ઍઝિકૉડ

January, 2008

સુકુમાર ઍઝિકૉડ (. 14 મે 1926, ઍઝિકૉડ, જિ. કેન્નોર, કેરળ) : મલયાળમ ભાષાના વિવેચક અને વિદ્વાન. મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.કૉમ., બી.એડ. તથા મલયાળમ અને સંસ્કૃતમાં એમ.એ.. તે પછી કેરળ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.. 2002 પછી સ્વતંત્ર લેખનપ્રવૃત્તિ.

ઍઝિકૉડ સુકુમાર

તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : માનાર્હ પ્રાધ્યાપક, પ્રો-વાઇસ-ચાન્સેલર અને મલયાળમના પ્રાધ્યાપક, કાલિકટ યુનિવર્સિટી; પ્રિન્સિપાલ, એસ. એન. એલ. ટ્રેનિંગ કૉલેજ, મૂતાકુન્નમ્; પ્રમુખ, સમસ્ત કેરળ સાહિત્ય પરિષદ, 1964-76; કેન્દ્રીય સાહિત્ય અકાદમીના કાર્યવાહક બોર્ડ તથા સલાહકાર બોર્ડના સભ્ય, 1973-77, 1978-82, 1983-87, 1988-92; અધ્યક્ષ, નૅશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, 1993-96.

તેમને મળેલ સન્માનો આ પ્રમાણે છે : કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1985; કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1985; રાજાજી ઍવૉર્ડ, 1986; વાયલાર ઍવૉર્ડ, 1989.

તેમની માતૃભાષા મલયાળમ છે અને અંગ્રેજીમાં પણ તેઓ લેખન-પ્રવૃત્તિ કરે છે. તેમનાં પ્રકાશનો આ પ્રમાણે છે : ‘અશાંતે સીતાકાવ્યમ્’ (1954), ‘રામાનાનુમ્ મલયાળા કવિતાયમ્’ (1956), ‘મલયાળા સાહિત્ય વિરુપનગલ’ (1986) (એ તમામ વિવેચનગ્રંથો); ‘તત્ત્વમસિ’ (1984) (તત્ત્વજ્ઞાન); ‘એઝિકોડિન્ટે પ્રભાસનનંગલ’ (1995) (વ્યાખ્યાનો); ‘જયદેવન’ (1980) (લઘુપુસ્તક – ભાષાંતર); આ ઉપરાંત અંગ્રેજીમાં – ‘મહાકવિ ઉલ્લુર’ (1970) (અભ્યાસગ્રંથ). તેમની ‘તત્ત્વમસિ’ કૃતિ અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ પામી છે. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ઍવૉર્ડ ઉપરાંત બીજા પણ ઍવૉર્ડ મળેલા છે. તેમાં ઉપનિષદ-કાલીન દ્રષ્ટાઓનાં દર્શન તથા તત્ત્વવિચારણાનું વિસ્તૃત અને રસાત્મક નિરૂપણ છે. 1984માં પ્રકાશિત થયેલી સૌથી વધુ વેચાણ ધરાવતી કૃતિઓમાં તે ગ્રંથ મોખરે રહેલો.

તેઓ સંસ્કૃતના અને ખાસ કરીને ભારતીય કાવ્યશાસ્ત્ર અને અદ્વૈતના મહાન વિદ્વાન છે. તેઓ પાશ્ર્ચાત્ય સાહિત્ય-સિદ્ધાંતોના ઊંડા અભ્યાસી છે. તેમનું મુખ્ય પ્રદાન સાહિત્ય-વિવેચનાના ક્ષેત્રે છે.

મહેશ ચોકસી