સીરેરગાયરાઇટ (Cerargyrite)

January, 2008

સીરેરગાયરાઇટ (Cerargyrite) : ચાંદીધારક ખનિજ. રાસા. બં. AgCl. સ્ફ. વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો મોટેભાગે ક્યૂબ-ફલકોમાં; પરંતુ ક્યારેક અન્ય ફલકો સહિત, સામાન્ય રીતે દળદાર, ઘણુંખરું પોપડી સ્વરૂપે, મીણવત્ આચ્છાદન સ્વરૂપે, ભાગ્યે જ સ્તંભાકાર કે રેસાદાર. યુગ્મતા (111) ફલક પર સામાન્ય. સ્ફટિકો પારદર્શકથી પારભાસક.

સીરેરગાયરાઇટ

સંભેદ : નથી હોતો. પ્રભંગ : ખરબચડાથી આછો વલયાકાર, છેદ્ય, તન્ય. ચમક : રાળમય, મીણવત્, હીરક. રંગ : રાખોડી, લીલો રાખોડી, પીળાશ પડતો. શુદ્ધ, તાજા તૂટેલા ભાગો રંગવિહીન. પ્રકાશમાં ખુલ્લા રહે તો જામલી-કથ્થાઈ કે પર્પલ બને. કઠિનતા : 2.5. વિ. ઘ. : 5.556.

પ્રાપ્તિસ્થિતિ : ચાંદી-નિક્ષેપોના ઑક્સીભૂત વિભાગોમાં પરિણામી ખનિજ તરીકે. તે પ્રાકૃત ચાંદી, જેરોસાઇટ, લોહ અને મૅંગેનીઝ ઑક્સાઇડ, સેરુસાઇટ, મિમેકાઇટ, પાયરોમૉર્ફાઇટ, વુલ્ફેનાઇટ અને મેલેકાઇટના સંકલનમાં મળે છે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., મૅક્સિકો, બોલિવિયા, પેરુ, ચિલી, જર્મની, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, રશિયા અને ઑસ્ટ્રેલિયા.

ગિરીશભાઈ પંડ્યા