સિજ્ઝી અમીર હસન

January, 2008

સિજ્ઝી અમીર હસન (. 1255, બદાયૂન; . ?) : પ્રથમ પંક્તિના ફારસી કવિ. તેમનું મૂળ નામ નજમુદ્દીન હસન અને તેમના પિતાનું નામ અલા હતું. તેમના વડવાઓ હાશિમી કુળના હતા. તેમનું વતન સિજિસ્તાન અથવા સીસ્તાન હોવાથી તેઓ સિજ્ઝી કહેવાતા. નજમુદ્દીન પોતાને ‘હસન અલા સિજ્ઝી’ તરીકે ઓળખાવતા. હસનનો ઉછેર દિલ્હીમાં થયો હતો.

હિંદના પ્રખ્યાત ફારસી કવિ અમીર ખુસરોના સમકાલીન અને મિત્ર હતા. તે બંનેમાં વય, પ્રકૃતિ, રસ અને શોખમાં સમાનતા હતી. તેઓ બંને હજરત નિઝામુદ્દીન ઓલિયા જેવા ઉચ્ચ કોટિના સંતના શિષ્ય હતા. સુલતાન ગ્યાસુદ્દીન બલ્બનના બે કુંવરો બુધરાખાન અને સુલતાન મુહમ્મદના તેઓ દરબારી બન્યા. વર્ષો સુધી તેમના દરબારમાં દિલ્હી અને મુલતાનમાં તેમની કવિતા-કલાનું સતત દર્શન કરાવતા રહ્યા. કુંવર હસન તેમને મુલતાન લઈ ગયેલા. ત્યાં 5 વર્ષ સુધી તેમના દરબારમાં ફારસી ગદ્ય-પદ્યની બેનમૂન સેવા કરી.

સિજ્ઝી ફારસી તેમજ અરબીના વિદ્વાન હતા. તેમણે અરબીમાં વ્યાકરણના વિષયમાં ‘ક્વાઈદ-અલ-નહવ’ નામક ગ્રંથની રચના કરી. તેમને સુલતાનો, મહાન વ્યક્તિઓ અને દિલ્હીના મુસ્લિમ સંતો વિશેના ઇતિહાસનું સારું એવું જ્ઞાન હતું. ચંગીઝખાનના હુમલામાં મુહમ્મદ શહીદ થતાં વિદ્યા-સાહિત્યની સભા વેર-વિખેર બની ગઈ. આ દુ:ખદ ઘટના પર સિજ્ઝીએ ગદ્યમાં મરસિયાની રચના કરી તેમના આશ્રયદાતાને અંજલિ આપી. આ મરસિયા-કાવ્ય હિંદના ફારસી સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે.

પછી તેઓ મુલતાનથી દિલ્હી પાછા ફર્યા અને એકાંતવાસ ગાળ્યો. અલાઉદ્દીન ખલજીના સમયમાં તેમણે ફરી જાહેર જીવન શરૂ કર્યું. 1307થી 1317 દરમિયાન તેઓ હજરત નિઝામુદ્દીન ઓલિયાની સતત સોબતમાં રહ્યા અને તેમનાં બોધવચનો (મલ્ફૂઝાલ) એકત્ર કર્યાં. તે સંગ્રહ ‘ફવાઈહુલ ફવાદ’ નામથી જાણીતો છે. તે દરેક કાળમાં સૂફી સંતો તથા સામાન્ય વાચકોમાં વંચાતો-વખણાતો રહ્યો છે. તેમની ફારસી કવિતા અને ખાસ કરીને ગઝલો લોકપ્રિય બની છે. ગઝલોમાં તેમની આકર્ષક અને અસરકારક શૈલીને કારણે તથા ઈરાનના વિખ્યાત કવિ શેખની શૈલી સાથે સામ્ય ધરાવવાને લીધે તેમને ‘હિંદના સઅદી’નું બિરુદ આપવામાં આવ્યું હતું.

મેહબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી