સિંહ, એમ. નવકિશોર (. 1940, હિયંગલમ્ માયાઈ લીકાઈ, મણિપુર) : મણિપુરી વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘પાંગલ શોનબી ઐશે એદોમગીનિ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી બી.એ. તથા બી.ટી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. મણિપુરની ઘણી સરકારી હાઈસ્કૂલો તથા માધ્યમિક શાળાઓમાં અધ્યાપનકાર્ય કર્યા પછી તેઓ વાબાગાઈ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના આચાર્યપદેથી 1998માં સેવાનિવૃત્ત થયા.

બાળપણથી લેખનકાર્યનો આરંભ કરીને તેમણે અત્યાર સુધીમાં 4 વાર્તાસંગ્રહો આપ્યા છે; દા.ત., ‘આયુક્કી શિંગારેઈ’, ‘મંત્રીજી નુપી સનજાઓબી’, ‘થૉન્ગ લોંખ્રાબા પાન દુકાન’ તથા ‘પાંગલ શોનબી ઐશે એદોમગીનિ’. તેમની કેટલીક વાર્તાઓ અંગ્રેજીમાં અનૂદિત થઈ છે. તેમને યામબેમ માની સાહિત્ય માના પુરસ્કાર તથા મણિપુરી રાજ્ય કલા અકાદમી પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘પાંગલ શોનબી ઐશે એદોમગીનિ’ની વાર્તાઓ મણિપુરના સમકાલીન જીવનને પ્રતિબિંબિત કરે છે. પુરુષ-વર્ચસ્વવાળા મણિપુરી સમાજમાં આ વાર્તાઓ મહિલાઓની ભાવનાઓ, ફરિયાદો, ચિંતાઓ, નિરાશાઓ અને બહેતર જીવન માટેની આશાઓ અને વિશ્વાસને વાચકો સમક્ષ પ્રગટ કરે છે. લેખક તેમની વ્યંગ્ય અને હાસ્યપરક અનોખી શૈલીમાં સમાજની બૂરાઈઓ ઉજાગર કરે છે. આ વાર્તાઓમાં પુરુષ અને મહિલાના નાજુક સંબંધોને ખૂબ અસરકારક રીતે વ્યક્ત કર્યા છે. તેમની ભાષા સરળ છતાં પ્રવાહી છે. આ કારણે તેમની કૃતિ સમકાલીન ભારતીય કથાસાહિત્યમાં મહત્વનું પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા