સાહિત્ય : ઈ. સ. 1913માં મટુભાઈ કાંટાવાળા દ્વારા વડોદરાથી પ્રસિદ્ધ થતું માસિક. સાહિત્યને લગતી ચર્ચાઓ કરવી, ગુજરાતી પ્રાચીન સાહિત્યના અપ્રસિદ્ધ ગ્રંથોને પ્રસિદ્ધ કરવા તેમજ પારસી-ગુજરાતી લેખકોની પ્રવર્તતી વાડાબંધીને દૂર કરવાનું તેનું પ્રયોજન હતું. રૂપરંગમાં, વ્યવસ્થામાં તેમ ભાષામાં પણ સાદગીનો આત્યંતિક મહિમા કરનારા આ સામયિકે ‘આમવર્ગનું માસિક’ કહી પોતાની ઓળખને દૃઢાવી હતી. દર મહિનાની પહેલી તારીખે પ્રસિદ્ધ થતા આ સામયિકે એ સમયનાં સુપ્રસિદ્ધ સામયિકોની સામે નિયમિતતાનો દાખલો બેસાડ્યો હતો. ‘સાહિત્ય’ના તંત્રીલેખો તંત્રીની નીડર વાણી અને સ્પષ્ટ અભિપ્રાયનો પરિચય આપે છે. સમકાલીન, સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક ઘટનાઓ પર તડફડિયા શૈલીમાં આ તંત્રીલેખો લખાયા હોવાને કારણે આ તંત્રીલેખો એ સમયનું દર્પણ બની રહે છે. વિદ્વત્તાનો દંભ દૂર કરવાનો અને સાહિત્યને સામાન્ય પ્રજામાં પ્રિય કરવાનો પ્રયત્ન આ સામયિકે એના આરંભથી કર્યો. કવિતા, વાર્તા, નાટક, હળવા નિબંધો જેવાં સર્જનાત્મક સાહિત્યસ્વરૂપો અને શાસ્ત્રીય લેખોમાં કેટલીક ઉત્તમ સામગ્રી ‘સાહિત્ય’માં પ્રકટ થયેલી જોઈ શકાય છે. ધૂમકેતુની અતિખ્યાત વાર્તા ‘પોસ્ટ ઑફિસ’ ‘સાહિત્ય’માં પ્રકાશિત થઈ હતી. કવિ ખબરદારની અનેક કાવ્યરચનાઓ ‘સાહિત્ય’ના પાને જોવા મળે છે. કેળવણી, ભાષાવિચાર અને સુધારા-વિષયક લેખો ઉપરાંત ‘આધુનિક કવિતા અને તેના કેટલાક દોષો’, ‘ગુજરાતી પદ્યરચનાઓ, સળંગ અગેય પદ્ય’, ‘કવિતા અને અપદ્યાગદ્ય’ જેવી અનેક લેખમાળાઓ ‘સાહિત્ય’નું નોંધપાત્ર પાસું છે. ‘સાહિત્ય’નું ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રદાન પ્રાચીન કવિતાને પ્રકટ કરવાનું રહ્યું છે. પ્રાચીન સમયના લગભગ સત્તર જેટલા અપ્રકાશિત ગ્રંથોને પ્રસિદ્ધિમાં મૂકી આપવાનું શ્રેય ‘સાહિત્ય’ને ફાળે જાય છે. ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતાં સામયિક-પત્રોની સમાલોચના કરવાનો એક ખાસ વિભાગ ‘ચોપાનિયાં શું કહે છે ?’ નિયમિતપણે પ્રકાશિત કરીને સમાજ અને સાહિત્યના જાગ્રત પ્રહરી બનવાની ભૂમિકા આ સામયિકે અદા કરેલી. પ્રેમાનંદનાં નાટકોના વિવાદમાં આ સામયિકે પ્રેમાનંદને નાટકોનો કર્તા ઠેરવતાં લખાણો વારંવાર પ્રસિદ્ધ કરીને પોતાની શ્રદ્ધેયતાને ગુમાવી હતી. કૃત્રિમ શૈલીના મોહમાં ઘસડાવાને બદલે તળપદી, સાદી ભાષાના આગ્રહે ‘સાહિત્ય’ને બહોળો વાચકવર્ગ પ્રાપ્ત થયો હતો. એના ચારેક હજાર જેટલા ગ્રાહકો હતા. ત્રણ રૂપિયા જેટલા લવાજમમાં લાંબા સમય સુધી ‘સાહિત્ય’ વાચકોના હાથમાં પહોંચતું રહ્યું હતું. બે-ચાર વર્ષે લવાજમના થતા રહેતા વધારાઓ ‘સાહિત્ય’ સામયિકને કદી નડ્યા ન હતા એ પણ તેની એક ધ્યાનપાત્ર બાજુ છે. વડોદરા રાજ્યનું એ માનીતું માસિક હોવાથી આર્થિક બાબતે અન્ય સામયિકોની તુલનાએ એ ઘણું સધ્ધર રહેલું. મટુભાઈ કાંટાવાળાના અવસાનને કારણે સુસ્થિર થઈ ચૂકેલું આ માસિક ઈ. સ. 1933માં બંધ થયું. અન્ય સામયિકોની કક્ષાએ ‘સાહિત્ય’નું પ્રદાન ઘણું જુદું અને વિશિષ્ટ છે.

કિશોર વ્યાસ