સાહચર્યવાદ (Associationism)

January, 2008

સાહચર્યવાદ (Associationism) : સાહચર્યને માનસિક જીવનના પ્રાથમિક સિદ્ધાંત તરીકે સ્વીકારતો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત. સાહચર્યના સિદ્ધાંતનું મૂળ છેક પ્લેટો અને એરિસ્ટોટલના સમયથી જ્ઞાનમીમાંસા અને તત્ત્વજ્ઞાનમાં શોધી શકાય છે અને તેનો પ્રભાવ વર્તમાન મનોવિજ્ઞાન સુધી ચાલુ રહ્યો છે. એક યા બીજા રૂપે મનોવિજ્ઞાનના દરેક સંપ્રદાયે સાહચર્યવાદી ખ્યાલોનો પુરસ્કાર કર્યો છે અને પોતાના સિદ્ધાંતતંત્રમાં તેમને સામેલ કર્યા છે. સાહચર્યવાદી ખ્યાલોએ વિગતપૂર્ણ શિક્ષણ-સિદ્ધાંતોની અવેજીમાં કામ કર્યું છે. ‘સાહચર્યવાદ એવો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે જે સાહચર્યને માનસિક જીવનના પ્રાથમિક સિદ્ધાંત તરીકે સ્વીકારે છે અને જેના સંદર્ભમાં ઉચ્ચ મનોવ્યાપારોની પણ સમજૂતી આપવામાં આવે છે.’ જેમ્સ ડ્રેવરની આ વ્યાખ્યાથી સાહચર્યનો એક સંપ્રદાય તરીકે સ્વીકાર ન કરવામાં આવે તોપણ સાહચર્યની ઘટનાનો સ્વીકાર થઈ શકે છે.

વિચારોના સાહચર્યનો ખ્યાલ સૌપ્રથમ પ્લેટોએ તેના નાટક ‘Phaedo’-માં રજૂ કર્યો. તેમાં તેણે સાન્નિધ્ય અને સમાનતાના સિદ્ધાંતોનાં ઉદાહરણો આપ્યાં છે. જોકે પરંપરાગત રીતે સાહચર્યનાં મૂળ એરિસ્ટોટલના ‘Memory’ વિશેના નિબંધમાં જોવામાં આવે છે. એરિસ્ટોટલે ત્રણ પ્રકારનાં સાહચર્યો – સાન્નિધ્ય, સમાનતા અને વિરોધનો ઉલ્લેખ કર્યો છે. આ ત્રણ પ્રકારના સાહચર્ય-સંબંધોને તંત્રબદ્ધ સિદ્ધાંત અને સંપ્રદાય તરીકે વિકસાવવાનો યશ બ્રિટિશ અનુભવવાદની પરંપરા અને ફ્રાન્સના કોન્દીલાકના સંવેદનવાદને ફાળે જાય છે.

સાહચર્યના ત્રણ નિયમોમાં સાન્નિધ્યનો નિયમ બધા જ સાહચર્યવાદીઓએ સ્વીકાર્યો છે. સમાનતા અને વિરોધના નિયમોને નહિ સ્વીકારનારા સાન્નિધ્ય-સિદ્ધાંતને તો મુખ્ય જ ગણે છે. બીજા નિયમો તેમાંથી તારણ તરીકે ગણાવાયા છે. બ્રિટિશ અનુભવવાદી બિશપ બર્કલેએ કારણત્વનો સાહચર્ય-સિદ્ધાંત તરીકે ઉમેરો કર્યો છે. જોકે ડેવિડ હ્યૂમે કહ્યું કે ‘કારણત્વ પણ સાન્નિધ્યનું જ સ્વરૂપ છે.’

બ્રિટિશ વિચારકોમાં જ્હૉન લોકના અનુભવવાદ અને થૉમસ હૉબ્સની વિચારણામાંથી ઉદ્ભવેલો સાહચર્યવાદ એક વ્યવસ્થિત તંત્રબદ્ધ સંપ્રદાય તરીકે અઢારમી સદીમાં ઊભરી આવ્યો તેમાં ડેવિડ હાર્ટલેને (1705-1757) સૌથી પહેલો સાહચર્યવાદી કહી શકાય. તેણે ‘Association of Ideas’ નામના મહાનિબંધમાં સાહચર્યને કેન્દ્રમાં રાખી મનોવૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવી અને સાહચર્યવાદને સંપ્રદાય તરીકે વિધિસરનું નામ આપ્યું. તેણે સ્નાયવિક હિલચાલો, ટેવો, જટિલ વિચારો, ઐચ્છિક વર્તન, આવેગ વગેરે વ્યાપારોના સાન્નિધ્ય દ્વારા સાહચર્યના પ્રકાર તરીકે સમજૂતી આપી. સાહચર્યવાદનો સંપ્રદાય તરીકે આગળ વિકાસ થવામાં ડગાલ્ડ સ્ટીવર્ટ, થૉમસ રીડ, થૉમસ બ્રાઉન વગેરેનો અગત્યનો ફાળો છે.

થૉમસ બ્રાઉને (1778-1820) તેના પુસ્તક ‘Lectures on the Philosophy of Human Mind’માં કહ્યું કે રસાયણશાસ્ત્રની જેમ મનોવિજ્ઞાનમાં પણ જટિલ સંવેદનો, આવેગો, લાગણીઓ, વિચારોનું તેમના ઘટક-વિભાગોમાં પૃથક્કરણ થઈ શકે છે અને વિભાગોમાં ન હોય તેવા ગુણો વિભાગોના સંયોજનથી બનેલા સમગ્રમાં હોય છે. ‘માનસિક રસાયણવાદ’નો આ ખ્યાલ, જેને વિલ્હેમ વુન્ડટે ‘સર્જનાત્મક સંશ્લેષણ’ એવું નામ આપ્યું તે, ભવિષ્યમાં સમષ્ટિવાદી મનોવિજ્ઞાન (Gestalt Psychology) માટે વિરોધ કરવાનો કેન્દ્રીય મુદ્દો બન્યો.

બ્રાઉને સાહચર્યને બદલે ‘સૂચન’ શબ્દ પ્રયોજ્યો અને સાહચર્યના નિયમોને સૂચનના નિયમો તરીકે ઓળખાવ્યા. તેણે સાહચર્યના કેટલાક ગૌણ નિયમો આપ્યા છે જે બ્રાઉનનો સાહચર્યવાદમાં મૌલિક ફાળો છે. આ ગૌણ નિયમોમાં (i) સાહચર્યનો અસ્તિત્વકાળ, (ii) વારંવારતા, (iii) તાજેતરતા, (iv) જીવંતતા તેમજ (v) વિકલ્પોની સંખ્યા વગેરેનો સમાવેશ થાય છે. બ્રાઉને એમ પણ કહ્યું કે વૈયક્તિક તફાવતો, અભિરુચિ, આવેગશીલતા, માંદગી, નશો જેવી સ્થિતિ વગેરે સાહચર્યો સ્થપાવાની પ્રક્રિયા અને તેની પ્રબળતાને અસર કરે છે. બ્રાઉનના આ નિયમોનો આધુનિક શિક્ષણ-સિદ્ધાંતોમાં વારંવાર ઉલ્લેખ થાય છે.

અઢારમી-ઓગણીસમી સદીમાં બ્રિટિશ દાર્શનિક વિચારકોએ સાહચર્યવાદના વિકાસને વેગ આપ્યો. જેમ્સ મિલે (1773-1836) ‘Analysis of the Phenomena of Human Mind’માં સાહચર્યવાદની ચુસ્ત સૈદ્ધાંતિક રજૂઆત કરી કહ્યું કે તે સ્મરણ, વિચારક્રિયા, પ્રત્યક્ષીકરણ વગેરે મનોવ્યાપારો, સંવેદનો અને તે સાથે મનમાં ઉત્પન્ન થતા વિચારો વચ્ચે સ્થપાતા યાંત્રિક સાહચર્યોનું પરિણામ છે. જેમ્સ મિલના પુત્ર જ્હૉન સ્ટુઅર્ટ મિલે (1806-1873) પિતાના કાર્યનું સમીક્ષાત્મક મૂલ્યાંકન કર્યું અને માનસિક યંત્રવિદ્યાને સ્થાને માનસિક રસાયણવાદનો પુરસ્કાર કર્યો.

બ્રિટિશ સાહચર્યવાદીઓમાં સૌથી મહાન ઍલેક્ઝાન્ડર, બે’ને તેનાં બે પુસ્તકો ‘The Senses and the Intellect’ (1855) અને ‘The Emotions and the Will’ (1859) દ્વારા સાહચર્યવાદ માટે અને તે દ્વારા મનોવિજ્ઞાનના વિકાસમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. બે’ને સાન્નિધ્ય તેમજ સમાનતાના સિદ્ધાંતોનો પુરસ્કાર કર્યો અને સર્જનાત્મકતાના સિદ્ધાંતનું પણ પ્રતિપાદન કર્યું કે ભૂતકાળમાં ન અનુભવમાં હોય એવાં નવાં સંયોજનો કે સમૂહો સાહચર્યો દ્વારા રચાય છે.

જીવવિજ્ઞાની અને સામાજિક તત્ત્વજ્ઞાની હર્બર્ટ સ્પેન્સરે (1820-1903) સાહચર્ય-તત્ત્વનો નવા જ ક્ષેત્રમાં વિનિયોગ કર્યો. તેણે લામાસ્કના ઉત્ક્રાંતિ સિદ્ધાંત સાથે સાહચર્ય-તત્ત્વનો સંબંધ જોવાનો પ્રયત્ન કર્યો.

બ્રિટિશ સાહચર્યવાદનો જર્મની તેમજ ફ્રાન્સમાં પણ પ્રભાવ પડ્યો. ડેવિડ હ્યૂમના સંશયવાદે જર્મન તત્ત્વજ્ઞાનને પ્રેરણા આપી અને ફ્રેડરિક હર્બર્ટે ‘Psychology as a Science’ (1825) દ્વારા મનોવિજ્ઞાનમાંથી શક્તિવાદી (faculty) મનોવિજ્ઞાનને જાકારો આપ્યો.

સાહચર્યવાદને મનોવિજ્ઞાનના વિજ્ઞાન તરીકેના વિકાસની પૂર્વાવસ્થા તરીકે મૂલવવામાં આવે છે. બ્રિટિશ સાહચર્યવાદીઓને મન તેમજ તેની ક્રિયાઓની ચર્ચા તત્ત્વજ્ઞાનના પ્રભાવથી મુક્ત વાસ્તવિક અનુભવોના નિરીક્ષણ તેમજ અનુભવનિષ્ઠ વિજ્ઞાનના ઢાંચામાં રહી. આ રીતે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે વિકસવાની દિશામાં સાહચર્યવાદીઓએ વિષયવસ્તુ અને સંશોધન-પદ્ધતિઓની દૃષ્ટિએ પાયાની ભૂમિકા ભજવી છે.

સાહચર્યવાદીઓ લગભગ બે સદી સુધી વિસ્તરેલા છે. છતાં તેમનું સુગ્રથિત સંપ્રદાયમાં સંગઠન થઈ શક્યું નહિ. મનોવિજ્ઞાનીઓ સાહચર્યને માનસિક પ્રક્રિયાઓના આધારસિદ્ધાંત તરીકે સ્વીકારવા સંમત થયા વગર સાહચર્યને મનોવિજ્ઞાનની એક અગત્યની હકીકત તરીકે સ્વીકારે છે.

સાહચર્યવાદની ચળવળમાં નૂતન પ્રવર્તકો તરીકે ત્રણ વિજ્ઞાનીઓ ખાસ તરી આવે છે. હેરમાન એબિંગહોસ, ઈવાન પાવલોવ અને એડવર્ડ બી. થૉર્નડાઇક. સાહચર્યો કેવી રીતે સ્થપાય છે તેવો અભ્યાસ જૂના સાહચર્યવાદીઓ કરતા હતા; જ્યારે નૂતન સાહચર્યવાદીઓએ સાહચર્યો કેવી રીતે બંધાય છે તેનો અભ્યાસ કર્યા પછી તેમની પ્રબળતા માપી. જૂના સાહચર્યવાદીઓનો અભિગમ પરિણામ તરફથી કારણનો અભ્યાસ અને નવા સાહચર્યવાદીઓનો અભિગમ કારણ તરફથી પરિણામનો અભ્યાસ કરવા પરત્વેનો હતો.

સાહચર્યોનો અનુભવનિષ્ઠ અને પ્રાયોગિક અભ્યાસ કરનારાઓમાં એબિંગહોસ સર્વપ્રથમ હતો. સાહચર્યો કેવી રીતે સ્થપાય છે અને તેમની પ્રબળતાને અસર કરતા ઘટકોનો અભ્યાસ કરવામાં એબિંગહોસે સાહચર્યવિમુક્ત અર્થવિહીન પદોનો ઉપયોગ કરવાની નવીન પદ્ધતિ દાખલ કરી, પુન:સ્મરણની સમયાંતરે કસોટી કરી વિસ્મરણનો આલેખ રજૂ કર્યો.

ઈવાન પાવલોવના અભિસંધાનના સિદ્ધાંતે શીખવાની ક્રિયામાં ઉદ્દીપક અને તેને સહજ ન હોય તેવી નવીન પ્રતિક્રિયા વચ્ચે પુનરાવર્તનોથી સાહચર્ય સ્થપાય છે તે ઉપર ભાર મૂક્યો. પાવલોવની જેમ બીજા રશિયન શરીરવિજ્ઞાની બેક્તેરેવે પણ બાહ્ય વર્તનના અભ્યાસમાં સાહચર્યના તત્ત્વ વિશે અભ્યાસ કર્યો.

જૈવ વૈજ્ઞાનિક તેમજ શરીરવૈજ્ઞાનિક અભિગમ ધરાવતા મનોવિજ્ઞાનીઓએ કરેલા પ્રાણીઓ ઉપરના અભ્યાસોમાં બે વિચારપ્રવાહો પ્રગટ્યા — થૉર્નડાઇકનો અનુબંધવાદ અને વૉટસનનો વર્તનવાદ.

એડવર્ડ બી. થૉર્નડાઇક (1874-1949) ખરા અર્થમાં સાહચર્યવાદી હતો. તેણે પ્રયોગવિષય તરીકે પ્રાણીઓનો ઉપયોગ કર્યો અને વિવિધ પ્રકારના કૂટવ્યૂહો, સમસ્યાપેટી વગેરે પ્રયોગસાધનો તરીકે વિકસાવ્યાં. બિલાડી ઉપર સમસ્યાપેટી વગેરે સાધનના ઉપયોગથી પ્રયોગો કરી પ્રયત્ન અને ભૂલનો શિક્ષણ-સિદ્ધાંત વિકસાવ્યો અને શીખવાની ક્રિયા વિશે નિયમો રજૂ કર્યા. તેના શિક્ષણ-સિદ્ધાંતને અનુબંધવાદ (connectionism) કહે છે. થૉર્નડાઇકના મતે શીખવું એટલે પ્રાણીએ એક કે વધારે પ્રતિક્રિયાઓ અમુક ઉદ્દીપકો સાથે સાંકળતાં શીખવું. આ પ્રક્રિયા થવામાં બે મુખ્ય નિયમો તેમણે શોધ્યા, પરિણામનો નિયમ અને પ્રયત્નનો નિયમ. પ્રયત્નના નિયમ સાથે બે ઉપનિયમો સાંકળ્યા : ઉપયોગનો નિયમ અને અનુપયોગનો નિયમ. આ ઉપરાંત થૉર્નડાઇકે તત્પરતાનો નિયમ તેમજ કેટલાક ગૌણ નિયમો પણ રજૂ કર્યા છે. આ તમામ નિયમો ઉદ્દીપક-પ્રતિક્રિયાના સાહચર્યને સબળ કે નિર્બળ બનાવવા સાથે સંકળાયેલા છે.

પ્રાણીઓ ઉપર કરવામાં આવેલા શિક્ષણક્રિયા વિશેના પ્રયોગોએ તેમજ એડવીન ગથ્રી, બી. એફ. સ્કીનર તેમજ અન્ય નવવર્તનવાદી મનોવિજ્ઞાનીઓએ તેમના શિક્ષણક્રિયાના સિદ્ધાંતોની રચનામાં સાહચર્યતત્ત્વને અગત્યનું પરિબળ ગણાવ્યું છે. પ્રાણીમનોવિજ્ઞાનીઓ, સમષ્ટિવાદી મનોવિજ્ઞાનીઓ, અભિસંધિત પ્રતિક્ષેપવાદીઓ, અમેરિકામાં સૌએ થૉર્નડાઇકના સાહચર્ય આધારિત અનુબંધવાદી મનોવિજ્ઞાનનો આરંભબિંદુ તરીકે સ્વીકાર કર્યો છે. સાહચર્યવાદ અને તે સંબંધમાં થયેલા પ્રાયોગિક અભ્યાસ અને સંશોધનોએ મનોવિજ્ઞાનને પ્રાયોગિક વિજ્ઞાન બનવાની દિશામાં મૂલ્યવાન ભૂમિકા પૂરી પાડી છે.

સાહચર્યનો અભ્યાસપદ્ધતિ તરીકે તંત્રબદ્ધ ઉપયોગ સિગમંડ ફ્રૉઇડે કર્યો છે. મનોવિશ્લેષણ-પદ્ધતિ દ્વારા મનોરોગીની સારવારમાં મુક્ત સાહચર્ય ફ્રૉઇડ માટે બહુ જ મૂલ્યવાન પદ્ધતિ હતી. વળી કાર્લ યુંગે વ્યક્તિની કોઈ ચોક્કસ ઉદ્દીપક કે પરિસ્થિતિ સાથે સંકળાયેલી આવેગિક પરિસ્થિતિઓનો અભ્યાસ કરવા નિયંત્રિત શબ્દસાહચર્ય-પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. વ્યક્તિમાં શિખાતી ઘણી બાબતો, વર્તનની ટેવો, ભાષા-શિક્ષણ, વસ્તુ-વ્યક્તિ વચ્ચેના લાગણીવાળા સંબંધો, અકારણભય, સ્મરણ-વિસ્મરણ, વ્યક્તિત્વની વિશેષતાઓ અને વિચિત્રતાઓ વગેરે અનેક બાબતોનો મનોવૈજ્ઞાનિક આધાર સાહચર્ય જ છે. સાહચર્યની નવી પદ્ધતિઓ ગ્રેગરી રઝરાન, ક્લાર્ક હલ, મિલર-ડોલાર્ડ, એડવિન ગ્રથી, બી. એફ. સ્કીનર વગેરે વીસમી સદીના નવવર્તનવાદી મનોવિજ્ઞાનીઓના શિક્ષણક્રિયા વિશેના સિદ્ધાંતોમાં પ્રયોજાઈ છે.

આજે વ્યવસ્થિત વિચારધારા તરીકે નહિ, તોપણ અભ્યાસ-પદ્ધતિના એક સાધન તરીકે સાહચર્યની હકીકતનો મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં સંપૂર્ણપણે સ્વીકાર થયો છે.

ભાનુપ્રસાદ અમૃતલાલ પરીખ