સાવંત શિવાજીરાવ

January, 2008

સાવંત, શિવાજીરાવ (. 31 ઑગસ્ટ 1940, આગરા, જિલ્લો કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : મરાઠીના પ્રતિભાવાન સાહિત્યકાર, રંગમંચ-અભિનેતા, ઉત્કૃષ્ટ વક્તા અને રમતવીર. પિતાનું નામ ગોવિંદરાવ અને માતાનું નામ રાધાબાઈ. મધ્યમવર્ગીય ખેડૂત-પરિવારમાં જન્મ. કુટુંબની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ઉચ્ચ શિક્ષણથી વંચિત રહ્યા. પર્યાય તરીકે મૅટ્રિક પછી કૉમર્સનો ડિપ્લોમા કોર્સ કર્યો. કોલ્હાપુરની સરકારી રાજારામ હાઈસ્કૂલમાં વીસ વર્ષ સુધી શૉર્ટ-હૅન્ડના શિક્ષકની નોકરી કરી. સાથોસાથ સાહિત્યિક અને રંગમંચ-પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા. બાળપણથી નિબંધ-લેખન, વક્તૃત્વ, અભિનય અને ભારતીય રમતોમાં રુચિ. શિક્ષણકાળ દરમિયાન તેમાં ઘણાં પારિતોષિકો મેળવ્યાં. અખિલ ભારતીય સ્તર પર કબડ્ડીની રમતમાં ઉત્કૃષ્ટ ખેલાડી તરીકે નામના મેળવી. વર્ષો સુધી મહારાષ્ટ્રની ટીમમાં પસંદગી પામ્યા. બાળપણમાં માતા તરફથી પૌરાણિક અને ઐતિહાસિક કથાવાર્તાઓના સંસ્કાર મળેલા તે યુવાવસ્થામાં પરિપક્વ થયા અને તેમાંથી જ લેખનકાર્ય તરફ વળ્યા. ઐતિહાસિક કે પૌરાણિક નવલકથા કે વાર્તા લખતાં પહેલાં વિષયવસ્તુ સાથે સંકળાયેલાં સ્થળોની જાતમુલાકાત લેતા, પ્રમાણભૂત અને વિશ્વાસપાત્ર માહિતી ભેગી કરતા અને પછી જ તેને પોતાના શબ્દોમાં કંડારતા. મહારથી કર્ણના ચરિત્ર પર લખેલ નવલકથા ‘મૃત્યુંજય’ (1967) કાગળ પર ઉતારી તે પૂર્વે તેમણે દિલ્હી અને કુરુક્ષેત્રનો પ્રવાસ ખેડ્યો, જરૂર જણાઈ ત્યાં ત્યાં વાચન ઉપરાંત સંશોધન પણ હાથ ધર્યું. આધુનિક મરાઠી સાહિત્યવિશ્વમાં ‘મૃત્યુંજય’ એ સર્વપ્રથમ મહાનવલકથા ગણવામાં આવે છે. તેની અત્યાર સુધી બાવીસ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે અને ભારતની નવ પ્રાદેશિક ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે; જેમાં ગુજરાતી (બે આવૃત્તિઓ), હિંદી (21 આવૃત્તિઓ), કન્નડ, બંગાળી, મલયાળમ, તમિળ, તેલુગુ, રાજસ્થાની અને પંજાબીનો સમાવેશ થાય છે. પ્રતિભા દવે દ્વારા આ નવલકથાનો ગુજરાતીમાં જે અનુવાદ કરવામાં આવ્યો છે તેને સાહિત્ય અકાદમીના બે પુરસ્કાર પણ મળ્યા છે. અંગ્રેજી ભાષામાં પણ તેનો અનુવાદ થયો છે. મરાઠી સાહિત્યની આજદિન સુધીની (2007) ત્રણ નવલકથાઓએ સર્વશ્રેષ્ઠ વેચાણ(best saller)નું બિરુદ મેળવ્યું છે; તેમાં શિવાજીરાવ સાવંતની આ ‘મૃત્યુંજય’ નવલકથાનો સમાવેશ થાય છે. અત્યાર સુધી તેની એક લાખ ઉપરાંત નકલો વેચાઈ છે. (આ વિક્રમ પ્રાપ્ત કરનાર મરાઠીમાં લખાયેલી બીજી બે નવલકથાઓ તે હરિનારાયણ આપટેની ઐતિહાસિક નવલકથા ‘ગડ આલા પણ સિંહ ગેલા’ અને સાને ગુરુજીની નવલકથા ‘શ્યામચી આઈ’.) ‘મૃત્યુંજય’ની પ્રથમ આવૃત્તિ તો એક અઠવાડિયામાં જ વેચાઈ ગયેલી. મરાઠીમાં આ પણ એક વિક્રમ છે. જે દિવસે તે પ્રકાશિત થવાની હતી તે દિવસે જાણીતા મરાઠી સાહિત્યિક અને પત્રકાર આચાર્ય અત્રેએ તેમના ‘મરાઠા’ દૈનિકમાં ઉપર્યુક્ત નવલકથા પર અગ્રલેખ લખ્યો હતો એ પણ એક નોંધપાત્ર ઘટના છે.

શિવાજીરાવ સાવંત

‘મૃત્યુંજય’ નવલકથાને મહારાષ્ટ્ર રાજ્ય સરકારનો ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જનનો પુરસ્કાર (1967), કેસરી-મરાઠા સંસ્થાનો ‘ન. ચિં. કેળકર પુરસ્કાર’, લલિત સામયિક પુરસ્કાર, ફાય ફાઉન્ડેશનનો પુરસ્કાર, જ્ઞાનપીઠ દ્વારા અપાતો ‘મૂર્તિદેવી પુરસ્કાર’ જેવા લબ્ધપ્રતિષ્ઠ પુરસ્કારો મળ્યા છે. વર્ષ 1990માં આ નવલકથાનું સાહિત્યના નોબેલ પુરસ્કાર માટે નામાંકન (nomination) કરવામાં આવ્યું હતું. ‘મૃત્યુંજય’ ઉપરાંત તેમની અન્ય સાહિત્યકૃતિઓમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન-કથન પર લખેલ ‘યુગંધર’, શંભાજી રાજાના જીવન પર લખાયેલી ઐતિહાસિક નવલકથા ‘છાવા’ (નવ આવૃત્તિઓ) તથા ‘શેલકા સાજ’, ‘ક્રાંતિવિરાંચી ગાવરાન બોલી’, ‘મોરાવળા’, ‘અશી મને, અસે નમૂને’ આ વ્યક્તિરેખાઓ તથા ‘કાંચનકણ’ જેવાં કેટલાંક નાટકો ઉલ્લેખનીય છે. ‘યુગંધર’ નવલકથાનો હિંદી ભાષામાં અનુવાદ શિવાજીરાવ સાંવતનાં પત્ની મૃણાલિની સાવંત દ્વારા કરવામાં આવ્યો છે અને તે ભારતીય જ્ઞાનપીઠ વતી પ્રકાશિત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત બે ખંડોમાં પ્રકાશિત ‘બઢત’ અને ‘સંઘર્ષ’ નવલકથા દ્વારા આપણા દેશના ખેડૂતો અને કામદારોની કથનીને શિવાજીરાવ સાવંતે વાચા આપી છે.

વર્ષ 1983માં વડોદરા ખાતે આયોજિત અખિલ ભારતીય મરાઠી સંમેલનના અધ્યક્ષ પદે શિવાજીરાવ સાવંતની વરણી થઈ હતી. ત્યારબાદ બેળગાવ ખાતે આયોજિત દક્ષિણ મહારાષ્ટ્ર સાહિત્ય સંમેલનના તથા દર્યાપુર ખાતે આયોજિત વિદર્ભ સાહિત્ય સંમેલનના તેઓ ઉદ્ઘાટક હતા. તેવી જ રીતે કોલ્હાપુર ખાતે આયોજિત સાતમા કામદાર સાહિત્ય સંમેલનના તથા પુણે ખાતે આયોજિત નવોદિત સાહિત્યકારોના સંમેલનના અધ્યક્ષપદે પણ તેમની વરણી થઈ હતી. 1995-97ના ગાળામાં તેઓ મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદના ઉપાધ્યક્ષ હતા. 1997માં પુણે મહાનગરપાલિકાએ માનપત્ર આપી તેમનું જાહેર સન્માન કર્યું હતું. 1999માં પુણે વિદ્યાપીઠે તેમને ‘જીવનગૌરવવૃત્તિ’ તથા કોલ્હાપુર નગર-પાલિકાએ તેમને ‘કોલ્હાપુરભૂષણ’ પદવીઓ એનાયત કરી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે