સાયનાઇડ (cyanide) : CN સમૂહ ધરાવતાં સંયોજનો પૈકીનું એક. સાયનાઇડ, સાયનોજન વગેરે નામો લોહ(આયર્ન)ના ક્ષાર સાથે પ્રુશિયન બ્લૂ (Prussian blue) જેવા ઘેરા વાદળી (ભૂરા) રંગના વર્ણકો (pigments) ઉત્પન્ન કરવાના તેમના ગુણધર્મ સાથે સંકળાયેલા છે (ગ્રીક : cyanos = ઘેરો ભૂરો). અકાર્બનિક સાયનાઇડ સંયોજનો (દા.ત., પોટૅશિયમ સાયનાઇડ, KCN) જેવા ક્ષારોમાં આ સમૂહ ઋણાયન (anion), CNતરીકે હોય છે અને તેમને હાઇડ્રૉસાયનિક ઍસિડ(પ્રુસિક ઍસિડ, HCN)ના ક્ષારો ગણવામાં આવે છે. આ ક્ષારો અત્યંત વિષાળુ (toxic) હોય છે. કાર્બનિક (organic) સંયોજનોમાં આ સમૂહ સહસંયોજક (covalent) બંધ દ્વારા કાર્બન ધરાવતા સમૂહ સાથે જોડાયેલો હોય છે; જેમ કે, RC ≡ N (દા.ત., મિથાઇલ સાયનાઇડ, CH3CN). આવાં કાર્બનિક સંયોજનો સામાન્ય રીતે નાઇટ્રાઇલ (nitrile) સંયોજનો તરીકે ઓળખાય છે. જો કાર્બનિક સમૂહનું જોડાણ સાયનાઇડમાંના નાઇટ્રોજન સાથે થયેલું હોય (દા.ત., R-NC) તો તેવાં સંયોજનોને આઇસોસાયનાઇડ (isocyanide) અથવા આઇસોનાઇટ્રાઇલ સંયોજનો કહે છે. CN સમૂહ સાથે હેલોજન જોડાયેલો હોય તો તેમને હેલોજન સાયનાઇડ અને જો NH2 સમૂહ જોડાયેલો હોય તો તેમને સાયનેમાઇડ (દા.ત., NH2 – C ≡ N) કહે છે.

અકાર્બનિક રસાયણમાં CN બંધ ધરાવતાં સંયોજનો એક મહત્ત્વનું ક્ષેત્ર ધરાવે છે; જેમાં સાયનાઇડ, સાયનેટ અને થાયૉસાયનેટ આયનો અને તેમનાં વ્યુત્પન્નો(derivatives)નો સમાવેશ થાય છે. સાયનાઇડ આયન કે સમૂહની વર્તણૂક પ્રમાણે સાયનાઇડ સંયોજનોના ત્રણ વિભાગ પાડી શકાય :

(i) CNઆયન ધરાવતા સાદા આયનિક સાયનાઇડ. આવાં સંયોજનોમાં ધાતુ આયન સાથે જોડાઈ સાદાં સંયોજનો બનાવે છે; દા.ત., પોટૅશિયમ સાયનાઇડ (KCN), સોડિયમ સાયનાઇડ (NaCN) વગેરે.

(ii) -CN સમૂહ કાર્બન પરમાણુ દ્વારા ફક્ત એક ધાતુ આયન સાથે જોડાયેલો હોય તેવા અણુઓ અથવા સંકીર્ણ આયનો.

(iii) સાયનાઇડ સમૂહ સેતુકારક (bridging) લિગેન્ડ તરીકે હોય તેવાં સંયોજનો. આવાં સંયોજનોમાં સાયનાઇડ-સમૂહ કાર્બન (C) અને નાઇટ્રોજન (N) બંને દ્વારા ધાતુ પરમાણુઓ સાથે જોડાયેલો હોય છે. આ રીતે સાયનાઇડ-સમૂહ હેલોજન-પરમાણુઓ અને ઑક્સિજન(O)ની માફક સેતુકારક લિગેન્ડ તરીકે કાર્ય કરે છે.

(i) સાદા આયનિક સાયનાઇડ : આલ્કલી ધાતુઓ, થેલિયમ (I), અને સંભવત: વિરલ મૃદા (rare earth) ધાતુઓ આવાં સંયોજનો બનાવે છે. આલ્કલી ધાતુઓના સાયનાઇડ, ખાસ કરીને સોડિયમ સાયનાઇડ(NaCN)નું ઉત્પાદન મોટા પાયા પર [વર્ષે 1,20,000 મૅટ્રિક ટન (tonne) કરતાં પણ વધુ] થાય છે. 1963 સુધી આ માટે કાસ્ટનર (Castner) પ્રવિધિ વપરાતી હતી; જેમાં સોડામાઇડ (NaNH2)માંથી ઊંચા તાપમાને તે બનાવવામાં આવતો હતો.

પણ 1965 પછી હાઇડ્રૉજન સાયનાઇડ (HCN) બનાવવાની સરળ પ્રવિધિ પ્રાપ્ય બનતાં હવે વ્યાપારી રીતે તેમાંથી NaCN બનાવવામાં આવે છે. આમાં મિથેન (CH4) અને એમોનિયા (NH3) વચ્ચે ઉદ્દીપકની હાજરીમાં 1200° સે.એ વાયુ-પ્રાવસ્થા(gas phase)માં પ્રક્રિયા થાય છે. આ માટેની બે પ્રવિધિઓ છે :

(અ) દગુસા (Degusaa) પ્રવિધિ :

(આ) એન્ડ્રુસૉવ (Andrussov) પ્રવિધિ :

ઉત્પાદિત HCN પૈકી 13 % જેટલો સોના (gold) તથા ચાંદી(silver)ની પુન:પ્રાપ્તિ (recovery) અર્થે NaCN બનાવવાના ઉપયોગમાં લેવાય છે. સોડિયમ સાયનાઇડ બનાવવા HCN વાયુને સોડિયમ હાઇડ્રૉક્સાઇડ (NaOH) અથવા સોડિયમ કાર્બોનેટ(Na2CO3)ના દ્રાવણમાં શોષી લેવામાં આવે છે. પોટૅશિયમ ફેરોસાયનાઇડ [K4Fe(CN)6] તથા પોટૅશિયમ ફેરીસાયનાઇડ [K3Fe(CN6)] જેવાં સંકીર્ણ સંયોજનો પણ NaCNમાંથી બનાવવામાં આવે છે.

સોડિયમ, પોટૅશિયમ અને રુબિડિયમના સાયનાઇડ સામાન્ય તાપમાને સોડિયમ ક્લોરાઇડ (NaCl) જેવી જાલક (lattice) સંરચના ધરાવતા સ્ફટિક આપે છે જ્યારે સીઝિયમ અને થેલિયમના સાયનાઇડની સ્ફટિકરચના સીઝિયમ ક્લોરાઇડ જેવી હોય છે. નીચા તાપમાને આલ્કલી સાયનાઇડની સ્ફટિકરચના ઓછી સંમિતીય (symmetrical) હોય છે. નીચા તાપમાને NaCNની સમચતુર્ભુજ (orthohedral) સંરચના આકૃતિ 1માં દર્શાવી છે :

આકૃતિ 1 : NaCNની નિમ્નતાપીય (low temperature) સ્વરૂપની સંરચના

તેમાં CN આયન સમાંતર ગોઠવાયેલા હોય છે અને ધનાયન તથા ઋણાયનના સવર્ગ ક્રમાંક (coordination number) 6 હોય છે.

નીચા તાપમાને રુબિડિયમ સાયનાઇડની સંરચના સોડિયમ ક્લોરાઇડની વિકૃત (deformed) સંરચના જેવી હોય છે; જ્યારે સીઝિયમ સાયનાઇડની સંરચના સીઝિયમ ક્લોરાઇડની વિકૃત સંરચના જેવી હોય છે. (આકૃતિ 2)

આકૃતિ 2 : CsCNની નિમ્નતાપીય વિસમનતાક્ષ (rhombohedral) સ્વરૂપની સ્ફટિકરચના.  આયનો છાયિત (shades) દર્શાવેલા છે.

લિથિયમ સાયનાઇડ (LiCN) અન્ય આલ્કલી સાયનાઇડથી અલગ પડે છે. તેનું ગ.બિં. ફક્ત 160° સે. છે, જ્યારે NaCNનું 564° સે. અને KCNનું 634° સે. છે. LiCNની ઘનતા ઘણી ઓછી (1.025 ગ્રા./ઘ.સેમી.) અને તેની સંરચના શિથિલપણે સુવેષ્ટિત (loosely packed) સ્ફટિકરચના પ્રકારની હોય છે અને દરેક આયનનો સવર્ગ અંક 4 હોય છે. (આકૃતિ 3)

આકૃતિ 3 : LiCNની 100 તળ પર પ્રક્ષેપિત સ્ફટિકરચના

આ સંરચનામાંના C અને Nને અલગ પારખી શકાય છે, જે અન્ય આલ્કલી સાયનાઇડોમાં શક્ય નથી. અહીં ઋણ વીજભાર N પરમાણુ પર આવેલો હોય છે. Li+ આયન આસપાસનો સમચતુષ્ફલકીય સવર્ગ સમૂહ એક C અને ત્રણ Nનો બનેલો હોય છે. CNઆયન ચાર Li+ આયનો વડે ઘેરાયેલો હોય છે, જે પૈકી એક Cની નજીક અને ત્રણ Nની આસપાસ હોય છે.

(ii) -CN ધરાવતા સહસંયોજક સાયનાઇડ : મર્ક્યુરી સાયનાઇડ [Hg(CN)2] એ -CN સમૂહ ધરાવતું આ પ્રકારનું સંયોજન છે. તે એવાં આણ્વિક સ્ફટિકો બનાવે છે; જેમાં સહેજ વળેલા એકમો ( ∠ C-Hg-C = 171°; ∠ N-C-Hg = 173°) એવી રીતે ગોઠવાયેલાં હોય છે કે દરેક Hg પરમાણુ પાસેના અણુઓના બે નાઇટ્રોજન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. (આકૃતિ 4)

આકૃતિ 4 : Hg(CN)2ની સંરચના

સહસંયોજક સાયનાઇડ નીચે દર્શાવ્યા પ્રમાણે અલગ અલગ પ્રકારની બંધ-ગોઠવણી (bond arrangement) ધરાવે છે :

બંધ-ગોઠવણી ઉદાહરણ
2 રેખીય K[NC-Ag-CN]
4 સમતલીય Ba[Pd(CN4]-ર4H2O
4 સમચતુષ્ફલકીય K3[Cu(CN)4]
6 અષ્ટકોણીય (octahedral) K4[Fe(CN)6]-3H2O
8 ઊંધી ત્રિપાર્શ્ર્વ (antiprism) Na3[Mo(CN)8]-4H2O

સહસંયોજક સાયનાઇડમાં એક જ ધાતુ અલગ અલગ પ્રકારની સ્ફટિકરચના ધરાવતા સાયનાઇડ-ક્ષારો બનાવી શકે છે. ઇલેક્ટ્રૉનની સંખ્યા જુદી જુદી હોય તેવા એક જ ધાતુના સાયનાઇડ આયનો પણ જોવા મળે છે; દા.ત.,  અને . આવા આયનોની ભૂમિતિ લિગેન્ડ-લિગેન્ડ વચ્ચેના અપાકર્ષણ, -બંધન વગેરે ઘટકો પરથી તારવી શકાતી નથી. જાલક-ઊર્જા તેનો અગત્યનો અવયવ છે.

(iii) -CN સમૂહ સેતુ તરીકે વર્તતો હોય તેવાં સહસંયોજક સંયોજનો : કેટલાક ધાતુ-સાયનાઇડોમાં CN સમૂહ ધાતુના બે પરમાણુઓ વચ્ચે સેતુ તરીકે વર્તે છે અને C અને N બંને સાથે બંધ (bonds) બનાવે છે (M-C-N-M). સિલ્વર, કેડમિયમ અને ગોલ્ડ આ પ્રકારની સંરચના ધરાવતા સાયનાઇડ બનાવે છે; દા.ત.,

આ ઉપરાંત કાર્બનિક સમૂહ અને એમોનિયા સાથે જોડાણ ધરાવતા ગોલ્ડ અને કોબાલ્ટના સાયનાઇડ ક્ષારો પણ બને છે. જ્યારે આયર્ન, કોબાલ્ટ, મૅન્ગેનીઝ અને ક્રોમિયમના સાયનાઇડોને આલ્કલી સાયનાઇડના વધુ પડતા દ્રાવણમાં ઓગાળવામાં આવે છે ત્યારે M(CN)  સંકીર્ણ આયન બને છે. આલ્કલી અને આલ્કલીય મૃદા (alkaline earth) ધાતુઓના ક્ષારોના આવા સંકીર્ણ ક્ષાર પાણીમાં દ્રાવ્ય હોય છે અને તેમનું સરળતાથી સ્ફટિકીકરણ કરી શકાય છે. ફેરોસાયનાઇડ અને ક્રોમોસાયનાઇડ ક્ષારો આછા પીળા રંગના હોય છે જ્યારે [M(CN)6]4ના ઉપચયન વડે મળતા ફેરીસાયનાઇડ અને મૅન્ગેનીસાયનાઇડના રંગ ઘેરા હોય છે.

મૅન્ગેનીઝ અને કોબાલ્ટના [M(CN)6]4- આયનોનાં દ્રાવણોનું હવામાં તરત જ ઉપચયન થઈ [M(CN)6]3 આયનોમાં રૂપાંતર થાય છે.

ઉપર વર્ણવેલા સંકીર્ણ સાયનાઇડ ક્ષારોનાં દ્રાવણોને સંક્રાંતિ (transition) તત્ત્વોના ક્ષારોના કે કૉપરના ક્ષારના દ્રાવણમાં ઉમેરતાં અદ્રાવ્ય અવક્ષેપ પ્રાપ્ત થાય છે; દા.ત., પોટૅશિયમ ફેરોસાયનાઇડના દ્રાવણમાં ફેરિક-ક્ષારનું દ્રાવણ ઉમેરતાં પ્રુશિયન બ્લૂના વાદળી અવક્ષેપ જ્યારે ક્યુપ્રિક ક્ષારનું દ્રાવણ ઉમેરતાં ક્યુપ્રિક ફેરોસાયનાઇડના તપખીરિયા અવક્ષેપ મળે છે. ફેરસ ક્ષારનું દ્રાવણ પોટૅશિયમ ફેરોસાય-નાઇડ સાથે ટર્નબુલ બ્લૂ (Turnbull blue) રંગના અવક્ષેપ આપે છે.

અન્ય સાયનાઇડ સંયોજનો : સાયનાઇડ સમૂહમાંના કાર્બન સાથેના રાસાયણિક બંધ બનાવતા સંકીર્ણ સાયનાઇડ ક્ષારો ઉપરાંત ધાતુઓ સાથે RCN સમૂહ જોડાવાથી પણ સાયનાઇડ સંયોજનો મળે છે. આવાં સંયોજનોમાં ધાતુ અને નાઇટ્રોજન વચ્ચે બંધ ઉદભવે છે.

સાદા આંતર હેલોજન સંયોજનોની માફક હેલોજન સાયનાઇડ (અથવા સાયનોજન હેલાઇડ) પણ બને છે; જે બાષ્પશીલ અને પ્રબળ અશ્રુકારકો (lachrymators) હોય છે. આવા સાયનોજન હેલાઇડના ગ.બિં. અને ઉ.બિં. નીચે પ્રમાણે હોય છે :

ગુણધર્મ FCN ClCN BrCN ICN
ગ.બિં. (°સે.) -82 -6.9 51.3 146
ઉ.બિં. (°સે.) -46 13.0 61.3 146 (ઊર્ધ્વીકરણ)

સાયનાઇડ ક્ષારોનાં ધાતુસાયનાઇડ આબંધન (bonding) : સ્પેક્ટ્રમી રાસાયણિક (spectro chemical) શ્રેણીમાં સાયનાઇડ-આયનનું સ્થાન ઘણું ઊંચે છે. તે મોટી નેફેલૉક્સેટિક (naphelauxetic) અને મોટી વિપક્ષ (trans) અસર ઉપજાવે છે. આ ગુણધર્મ M-CN π-બંધની ધારણા વડે સમજાવી શકાય છે.

સાયનાઇડ સંકીર્ણોના કંપન વર્ણપટો(vibrational spectra)ના અભ્યાસથી π-બંધનું અસ્તિત્વ સાબિત થઈ શક્યું છે. સાયનાઇડ આયન ધાતુ-આયનને નીચી ઉપચયન-અવસ્થામાં સ્થિરતા બક્ષવાની ક્ષમતા ધરાવે છે, જે π* કક્ષકોમાં ઇલેક્ટ્રૉન ઘનતાના સ્વીકારથી શક્ય બને છે. આ કારણથી જ શૂન્ય ઉપચયન-અવસ્થા ધરાવતા સાયનાઇડ ક્ષારો સમાન અવસ્થાના ધાતુ-કાર્બોનીલોની સરખામણીમાં ઓછા સ્થાયી હોય છે અને આયનિક ગુણધર્મના કારણે વધારે સક્રિય હોય છે.

સ્થાયી સંકીર્ણો બનાવવા માટે સાયનાઇડ આયન ( ) અગત્યનો છે, ખાસ કરીને Cr, Mn, Fe, Co, Ni, Cu અને Zn સમૂહોની ધાતુઓ સાથે આ પૈકીના બે સંકીર્ણો, ફેરોસાયનાઇડ[Fe(CN)6]4 અને ફેરીસાયનાઇડ [Fe(CN)6]3 વધુ સામાન્ય છે. અન્ય સંક્રમણ (transition) તત્ત્વો સ્થાયી સાયનાઇડ સંકીર્ણો આપે છે કારણ કે તેઓ મૂળ σ સહસંયોજક બંધ [M ← (CN)] ઉપરાંત dπ – pπ પશ્ર્ચબંધન (backbonding) માટે ભરાયેલા d-કક્ષકોનો ઉપયોગ કરી શકે છે. આ આબંધન (bonding) કાર્બોનીલ સંયોજનો જેવું છે અને CN આયન π સ્વીકારક તરીકે વર્તે છે.  ઉપરનો ઋણભાર તેને CO કરતાં વધુ પ્રબળ σ દાતા (donor) બનાવે છે પણ વીજભાર  ની π સ્વીકારક તરીકેની અસરકારકતાને નબળી બનાવે છે.

સાયનાઇડની અત્યંત વિષાળુતા એ શરીરમાંના ઉત્સેચકો (enzymes) અને હીમોગ્લોબિનમાંની ધાતુઓ સાથેના CNના સંકીર્ણન(complexing)ને આભારી છે. આને કારણે તે સામાન્ય ચયાપચય(metabolism)ને અટકાવે છે. Cu+, Ni+, Mn+, Au+ અને Mn3+ જેવાં ધાતુ-આયનો દ્રાવણમાં અસ્તિત્વ ધરાવવા માટે અસ્થિર છે પણ તેમના સંકીર્ણો સારા એવા પ્રમાણમાં સ્થાયી છે. આવા સંકીર્ણો બનવાને લીધે જ સિલ્વર અને ગોલ્ડનું તેમના ખનિજોમાંથી નિષ્કર્ષણ શક્ય બન્યું છે.—

કાર્બનિક સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સંયોજનો : તેઓ કાર્બનિક સમૂહ સાથે જોડાયેલ -CN સમૂહ ધરાવતાં (સામાન્ય સૂત્ર, RC º N) કાર્બનિક રાસાયણિક સંયોજનો છે. નાઇટ્રાઇલ સંયોજનનું નામ તેઓ જળવિભાજન દ્વારા જે ઍસિડમાં રૂપાંતર પામે છે તે પ્રમાણે -ઓનાઇટ્રાઇલ (-onitrile) પ્રત્યય (suffix) ઉમેરીને આપવામાં આવે છે; દા.ત., એસેટિક ઍસિડ ઉપરથી એસિટોનાઇટ્રાઇલ. જોકે અન્ય વિકલ્પી પ્રણાલી પણ વપરાય છે, જેમાં CN સાથે જે સમૂહ જોડાયેલો હોય તે પ્રમાણે નામ આપવામાં આવે છે; દા.ત., CH3CNને મિથાઇલ સાયનાઇડ કહે છે. વધુ સંકીર્ણ સંરચનામાં CN સમૂહને સાયનો(cyano)-વિસ્થાપક (substituent) નામ અપાય છે.

પોટૅશિયમ સાયનાઇડ અને હેલોઆલ્કેન (haloalkane) (દા.ત., મિથાઇલ ક્લોરાઇડ) વચ્ચે આલ્કોહૉલીય દ્રાવણમાં પ્રક્રિયા દ્વારા નાઇટ્રાઇલ બનાવી શકાય છે :

KCN + CH3Cl → CH3CN + KCl

આ ઉપરાંત એમાઇડના નિર્જલીકરણ (dehydration) દ્વારા પણ નાઇટ્રાઇલ બનાવી શકાય છે :

CH3CONH2 — H2O → CH3CN

આલ્કાઇલ હેલાઇડમાંથી સાયનાઇડ બનવાની પ્રક્રિયા એ કાર્બનિક સંશ્લેષણમાં શૃંખલા લંબાવવા માટે અગત્યની પ્રક્રિયા છે.

આ માટે આરંભક (starting) સંયોજન ઘણુંખરું પ્રાથમિક આલ્કોહૉલ હોય છે.

આ પ્રક્રિયા પ્રાથમિક એલિફેટિક હેલાઇડ માટે જ વપરાય છે, કારણ કે આલ્કલી સાયનાઇડો પ્રમાણમાં પ્રબળ બેઝ હોવાથી દ્વિતીયક (secondary) અને તૃતીયક (tertiary) એમાઇનમાંથી HX દૂર કરે છે.

ઍરોમેટિક નાઇટ્રાઇલ બનાવવા માટે ડાયેઝોકરણ પામેલા (diazotized) પ્રાથમિક ઍમિનો-સમૂહનું કૉપર સાયનાઇડ અથવા કૉપર પાઉડરની હાજરીમાં સાયનાઇડ-સમૂહ વડે વિસ્થાપન (displacement) કરવામાં આવે છે :

ઍસિડ એમાઇડો અથવા ઑક્ઝાઇમોનું ફૉસ્ફરસ પેન્ટ્રૉક્સાઇડ કે એસેટિક એન્હાઇડ્રાઇડ વડે નિર્જલીકરણ કરી તે દ્વારા પણ આ સંયોજનો મેળવી શકાય છે :

3 RCONH2 + P2O5 → 3RCN + 2H3PO4

RCH = NOH + (CH3CO)2O → RCN + 2CH3COOH

ઔદ્યોગિક રીતે નાઇટ્રાઇલ બનાવવા કાર્બૉક્સિલિક ઍસિડોને એમોનિયા સાથે નિર્જલીકારક ઉદ્દીપકની હાજરીમાં દબાણ હેઠળ ગરમ કરવામાં આવે છે. અહીં એમાઇડ એક મધ્યવર્તી (intermediate) સંયોજન તરીકે ઉત્પન્ન થાય છે, પણ તેને અલગ કરવો જરૂરી નથી.

RCOOH + NH3 → [RCONH2] → RCN

પ્લાસ્ટિક-ઉદ્યોગમાં મોટા પાયા પર વપરાતા એક્રિલો-નાઇટ્રાઇલને બનાવવા માટે પ્રોપિલીનના બાષ્પ-પ્રાવસ્થા (vapour-phase) ઉદ્દીપનીય ઍમૉક્સિડેશન(ammoxidation)ની રીત વિકસાવવામાં આવી છે.

એક્રિલોનાઇટ્રાઇલને વીજરાસાયણિક રીતે ‘પુચ્છથી પુચ્છ’ (tail to tail) જોડી દઈ હાઇડ્રૉડાઇમર (hydrodimer) એડિપોનાઇટ્રાઇલ (adiponitrile) મેળવવામાં આવે છે; જે નાયલૉન 6, 6 માટે ચાવીરૂપ મધ્યવર્તી છે.

નાઇટ્રાઇલની પરખ તેમાં આવેલ ત્રિ-આબંધ (triple bond) તનનને કારણે 2260-2222 સેમી.1 આગળ વિવક્તકારી (distinctive) નિર્બળથી મધ્યમ પારરક્ત અવશોષણપટ(band)થી કરવામાં આવે છે.

બેઝિક અથવા ઍસિડિક માધ્યમમાં નાઇટ્રાઇલનું ઍસિડમાં જળવિભાજન થાય છે :

નિકલ અથવા કોબાલ્ટની હાજરીમાં નાઇટ્રાઇલનું હાઇડ્રોજનીકરણ કરવાથી પ્રાથમિક (primary) એમાઇન મળે છે.

RCN + 2H2 → RCH2NH2

લિથિયમ-ઍલ્યુમિનિયમ હાઇડ્રાઇડ (LiAlH4) વડે પણ પ્રાથમિક એમાઇન મેળવી શકાય છે.

નાઇટ્રાઇલમાં ગ્રિગ્નાર્ડ, (Grignard) પ્રક્રિયક ઉમેરવાથી જળવિભાજન બાદ કીટોન (ketone) મળે છે.

કાર્બનિક સંશ્લેષણમાં નાઇટ્રાઇલ એ ઉપયોગી મધ્યવર્તીઓ (intermediates) છે.

ચિત્રા સુરેન્દ્ર દેસાઈ

જ. દા. તલાટી