સામાર્તિની બંધુઓ (સામાર્તિની જુસેપે : જ. આશરે 1693, મિલાન, ઇટાલી; અ. આશરે 1750, લંડન, બ્રિટન. સામાર્તિની જિયોવાની બાતિસ્તા : જ. 1700-1701, મિલાન, ઇટાલી; અ. 15 જાન્યુઆરી 1775, મિલાન, ઇટાલી) : ઇટાલિયન સંગીતકાર અને સંગીતનિયોજક બંધુઓ.

સામાર્તિની જિયોવાની

જુસેપેનું તખલ્લુસ ‘ઇલ લોન્ડોનિઝ’ હતું. અઢારમી સદીના પૂર્વાર્ધમાં બ્રિટનમાં ઓબોવાદક તથા સંગીતનિયોજક તરીકે તેમણે મહત્વની કામગીરી નિભાવેલી. 1724માં મિલાન ખાતે તેમના ઑરેટોરિયો ‘લા કાલુમિયા દેલુસા’નો પ્રીમિયર શો થયેલો.

1727માં તેઓ લંડન ગયા અને મૃત્યુપર્યંત તેઓ ત્યાં જ રહ્યા અને ત્યાંની સાંગીતિક પ્રવૃત્તિઓમાં તેમણે મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. એમની મૌલિક કૃતિઓ બરોક શૈલીના અંતિમ તબક્કાની છે; જેમાં કેટલાંક કન્ચર્તો, ગ્રોસો અને સૉનાટાનો સમાવેશ થાય છે. પ્રિન્સ ઑવ્ વેલ્સ ફ્રેડેરિક લૂઇસની સેવામાં જોડાઈને તેના ઑર્કેસ્ટ્રામાં પણ તેમણે કામ કર્યું. લૂઇસના ઑર્કેસ્ટ્રા અને કોયર માટે તેમણે કૉન્ગ્રીવના ‘જજમેન્ટ ઑવ્ પૅરિસ’ને સંગીતમાં બેસાડી આપ્યું.

જિયોવાનીએ પ્રાક્-પ્રશિષ્ટ સિમ્ફનીના ઘાટઘૂટ તૈયાર કરવામાં અસરકારક ભૂમિકા ભજવી, અને પરિણામે હાયડન અને મોત્સાર્ટ જેવા સંગીતકારો માટે ભોંય તૈયાર કરી આપી. મિલાનનાં ઘણાં ચર્ચોમાં ઑર્ગનવાદક તરીકે તેમણે કામ કર્યું. મિલાનની કૉન્વેન્ટ સાન્તા મારિયા માદ્દાલેનામાં તેમણે 1730થી 1740 સુધી ઑર્ગનવાદક તરીકે કામ કર્યું. મૌલિક કૃતિઓનો પ્રારંભ તેમણે ખ્રિસ્તી ધાર્મિક રચનાઓથી કર્યો; પણ પછી 1734માં ચાર ગત ધરાવતી એક સિમ્ફની લખીને તેમણે ઇટાલિયન ઑપેરાના ઓવર્ચરના ઘાટમાંથી સિમ્ફનીના ઘાટનું સર્જન કર્યું. આમ તેઓ પ્રથમ સિમ્ફની લખનાર સંગીતકાર છે. તેમની ખ્યાતિ જર્મની અને ફ્રાંસમાં પ્રસરી. પ્રસિદ્ધ જર્મન ઑપેરા-સંગીતનિયોજક ગ્લક તેમનો શિષ્ય બનીને મિલાન આવીને 1737થી 1741 સુધી રહ્યો.

અમિતાભ મડિયા