સાદિક (સૈયદ સાદિક અલી)

January, 2008

સાદિક (સૈયદ સાદિક અલી) (જ. 10 એપ્રિલ 1943, ઉજ્જૈન, મધ્ય પ્રદેશ) : ઉર્દૂ કવિ અને કથાસાહિત્યકાર. તેમણે મરાઠાવાડ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. પછી દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગના રીડર નિમાયા. તેઓ 1990માં ભારતીય વિદ્યાપીઠની ભાષા સલાહકાર સમિતિના સભ્ય; 1991-92 દરમિયાન સરસ્વતી સન્માન માટેની ભાષા સમિતિ અને ચયન સમિતિના સંયોજક; 1994-96 દરમિયાન અખિલ ભારતીય લેખક સંગઠનના મંત્રી રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં 12 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘દસ્તખત’ (1973), ‘સિલસિલા’ (1976), ‘ખુશાદ’ (1992) અને ‘ગિરતે આસમાન કા બોજ’ (1997) તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે. ‘માલવે કી લોકકથાયેં’ (1981) લોકસાહિત્યનો ગ્રંથ છે. ‘યહ દાઘ-દાઘ ઉજલા’ (1990), ‘ઉર્દૂ કી કાલજાયી કહાનિયાં’ (1996) તેમના હિંદીમાં અનૂદિત વાર્તાસંગ્રહો છે; જ્યારે ‘તરક્કી પસંદ તહરીક ઔર ઉર્દૂ અફસાના’ (1981) અને ‘અદબ કે સરોકાર’ (1996) તેમના જાણીતા વિવેચનગ્રંથો છે.

ઉર્દૂ સાહિત્યમાં તેમના પ્રદાન બદલ તેમને 1973માં મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદ તરફથી ગાલિબ ઍવૉર્ડ; 1986માં પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશન તરફથી નિશાન-એ-સજ્જાદ ઝહીર અને કલાશ્રી સમિતિ, ઉત્તરપ્રદેશ તરફથી 1992માં ‘કલાશ્રી’ સન્માન પ્રાપ્ત થયાં છે.

બળદેવભાઈ કનીજિયા