સાગર (જ. 7 ફેબ્રુઆરી 1883, જંબુસર; અ. 17 ઑગસ્ટ 1936) : મસ્તરંગના ગુજરાતી કવિઓમાંના એક. મૂળ નામ જગન્નાથ. પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ રુક્મિણી. અવટંકે ત્રિપાઠી. અભ્યાસ સાત ધોરણ સુધીનો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે પણ તેઓ સંકળાયેલા. કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન.

બાળપણથી હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય બન્યા પછી અલફી ધારણ કરીને તેઓ ‘સાગર’ ઉપનામથી ઓળખાયા. 1903માં પિતાનું અવસાન. પિતાના અવસાનની સાથે સાથે જ વૈરાગ્યભાવ તેમનામાં પ્રગટ થયો. 1906માં ‘વિશ્વવંદ્ય’ને મળ્યા. કોઈ પણ સંપ્રદાય કે વર્ગમાં જોડાયા નહિ. પોતાનો અધ્યાત્મમાર્ગ પોતે જ નક્કી કર્યો. તેને અનુસરવા માટે તેઓ દૃઢનિશ્ર્ચયી બની ગયા.

1895માં ગામઠીની ભાગીરથી સાથે લગ્ન. ત્યારપછી 1912માં અખાજીની વાણીની અસર હેઠળ આવ્યા. હિમાલયના મણિકૂટ પર્વતની જયવલ્લી ગુફામાં જઈ આકરી તપશ્ર્ચર્યા કરી. સાગર સૂફીમાંથી બ્રહ્મર્ષિ સાગર બન્યા. હિમાલયથી પાછા ફર્યા પછી તેમણે ચિત્રાલ(તા. પાદરા, જિ. વડોદરા)માં ‘સાગરાશ્રમ’ સ્થાપ્યો. ‘ૐ પ્રભુજી’ના જીવનમંત્ર સાથે, એકાંત જીવન ગાળી તેઓ આમરણ ત્યાં રહ્યા.

1920થી 1925નો ગાળો ‘સાગર’ના જીવનમાં ખૂબ પ્રભાવક રહ્યો. 1920માં તેમણે કલ્યાણદાસજીની સમાધિનો શતાબ્દી-ઉત્સવ ઊજવ્યો. શિષ્યા ૐકારેશ્વરીને સિદ્ધિપદે સ્થાપવા એ જ સમયગાળામાં ચિત્રાલમાં ‘બ્રહ્મયજ્ઞ’ આરંભ્યો.

સાગરની પૂર્વવયની કવિતા ન્હાનાલાલ-કલાપીથી પ્રભાવિત છે. ઉત્તરવયની રચના આધ્યાત્મિકતાની છે. કલાપીની કવિતાનો પ્રભાવ બતાવતું ‘થાકેલું હૃદય’ (1909) કથાકાવ્ય છે; ‘દીવાને સાગર’ (1916) સાતસો પૃષ્ઠોમાં પથરાયેલો અને કલાપીશાઈ રચનાઓનો સંચય છે. ‘દીવાને સાગર’ ભાગ 2 (1936) ભજનોનો સંચય છે. એક સારા ભજનિક અને અનુભવી સંતનો સ્પર્શ આ સંગ્રહમાં અનુભવાય છે. ‘કલાપી અને તેની કવિતા’ (1909), ‘ગુજરાતી સાહિત્યમાં ગઝલનું સ્થાન’ (1913) અને ‘સ્વીડનબૉર્ગનું ધર્મશિક્ષણ’ (1916) વગેરે તેમના ગ્રંથો છે. તેમણે કરેલાં સંપાદનોમાં ‘ગુજરાતી ગઝલિસ્તાન’ (1913), ‘સંતોની વાણી’ (1920), ‘કલાપીની પત્રધારા’ (1931) અને ‘કલાપીનો કેકારવ’ (1932) વગેરે ઉલ્લેખનીય છે. તેમણે ‘અક્ષયવાણી – અખાજીની અપ્રસિદ્ધ વાણી’ સટીક સંપાદિત કરીને આપી. ‘સાગરની પત્રરેષા અને વિચારણા’ કેટલાક મહાનુભાવો અને પરિવારના સભ્યોને લખેલા પત્રોનો મૂલ્યવાન સંચય છે.

વિરંચિ ત્રિવેદી

નલિની દેસાઈ