સાગર મૂવીટોન

January, 2008

સાગર મૂવીટોન : સ્થાપના 1930. ભારતીય ચલચિત્રનિર્માતા સંસ્થા. ભારતીય ચલચિત્રોનો સવાક યુગ શરૂ થવા આડે માંડ એકાદ વર્ષની વાર હતી ત્યારે સાગર ફિલ્મ કંપનીની સ્થાપના ચિમનલાલ વી. દેસાઈએ કરી હતી. તેમના ભાગીદાર અંબાલાલ પટેલ હતા. ચિમનલાલ દેસાઈ મૂળ તો બૅંગાલુરુમાં કોલસાનો વેપાર કરતા હતા. ચલચિત્રો સાથે આમ કોઈ લેવાદેવા હતી નહિ, પણ એક વાર ધંધાના કામે મુંબઈ ગયા, ત્યાં એક ચલચિત્ર-વિતરક સાથે તેમને પરિચય થતાં આ ધંધામાં તેમને રસ પડ્યો. બૅંગાલુરુ પાછા જઈને ચલચિત્ર-વિતરણનો વ્યવસાય શરૂ કર્યો. 1923નો એ સમય હતો. વિતરણના વ્યવસાયમાં બરાબર ફાવટ આવી જતાં થોડું મોટું સાહસ કરવા પોતે ચિત્રનિર્માતા બનવાનું નક્કી કર્યું. એ માટે મુંબઈ જવું પડે એમ માનીને તેઓ નાના ભાઈ ચુનીલાલ સાથે મુંબઈ પહોંચી ગયા. ત્યાં જગ્યા ખરીદીને પોતાની સાગર ફિલ્મ કંપની શરૂ કરી દીધી. આ કંપનીના નેજા હેઠળ પહેલું જે મૂક ચિત્ર બન્યું તે ‘અરુણોદય’ના દિગ્દર્શક બી. પી. મિશ્ર હતા. બીજા ચિત્ર ‘જોશે જવાની’નું દિગ્દર્શન એક તરવરિયા યુવાન મોતી ગિડવાણીને સોંપ્યું હતું. દરમિયાનમાં 1931માં ભારતનું પ્રથમ સવાક (બોલપટ) ચિત્ર ‘આલમઆરા’ પ્રદર્શિત થઈ જવા છતાં સાગર ફિલ્મ કંપનીએ મૂક ચિત્રો બનાવવાનું ચાલુ રાખ્યું અને 1932 સુધીમાં તેની સ્થાપનાનાં માત્ર બે વર્ષમાં 17 જેટલાં મૂક ચિત્રોનું નિર્માણ કર્યું હતું. એ સમયના ખ્યાતનામ કલાકારો માસ્ટર વિઠ્ઠલ, પૃથ્વીરાજ, એમર્લિન, ઝુબેદા, જાલ મરચન્ટ, મિસ સુશીલા વગેરેએ આ કંપનીનાં ચિત્રોમાં કામ કર્યું હતું. મૂક ચિત્રોનું નિર્માણ બંધ કર્યા પછી આ કંપનીએ ‘સાગર મૂવીટોન’ નામ ધારણ કરીને સવાક ચિત્રો બનાવ્યાં. હિંદી ઉપરાંત ગુજરાતી અને બીજી ભાષાનાં સવાક ચિત્રો પણ આ કંપનીના નેજા હેઠળ નિર્માણ પામ્યાં હતાં. 1932માં ગુજરાતી ભાષાનું પ્રથમ સવાક ચિત્ર ‘નરસી મહેતા’નું નિર્માણ સાગર મૂવીટોને કર્યું. બીજા વિશ્વયુદ્ધના સમયમાં આ કંપનીને તાળાં વાગી ગયાં હતાં. સંગીતકાર અનિલ બિશ્વાસ, દિગ્દર્શક મેહબૂબ ખાન, અભિનેત્રી લીલા ચીટનીસ, અભિનેતા શેખ મુખ્તાર, ગાયક-અભિનેતા સુરેન્દ્ર સહિતના ઘણા કલાકારો અને કસબીઓની કારકિર્દી ઘડવામાં સાગર મૂવીટોનનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.

નોંધપાત્ર સવાક ચિત્રો (બોલપટો) : ‘નરસી મહેતા’ (1932), ‘શહર કા જાદુ’ (1934), ‘સિલ્વર કિંગ’, ‘જજમેન્ટ ઑફ અલ્લા’ (1935), ‘ડેક્કન ક્વીન’ (1936), ‘હમ તુમ ઔર વો’ (1938), ‘એક હી રાસ્તા’ (1939).

હરસુખ થાનકી