સાગરનંદિન્

January, 2008

સાગરનંદિન્ (12મી સદી) : પ્રાચીન ભારતીય નાટ્યશાસ્ત્રી અને ‘નાટકલક્ષણરત્નકોશ’ નામના ભારતીય નાટ્યવિવેચન વિશેના ગ્રંથના લેખક. તેમના જીવન વિશે વિગતો મળતી નથી. તેથી તેમના સમય વિશે પણ અનુમાનનો આશ્રય લેવો પડે છે. ‘અમરકોશ’ પરની ‘પદાર્થચંદ્રિકા’ નામની ટીકામાં રાયમુકુટ નામના તેના ટીકાકારે ‘નાટકલક્ષણરત્નકોશ’નો ઉલ્લેખ કર્યો છે. આ ટીકા 1431માં લખાઈ છે, તેથી 14મી સદી પહેલાં તેમનો જીવનકાળ નક્કી કરી શકાય. 13મી સદીમાં આચાર્ય વિશ્વનાથે અને બહુરૂપ મિશ્રે સાગરનંદિન્ના ઉલ્લેખો કર્યા છે, તેથી 12મી સદીમાં તેઓ થયા હશે. જ્યારે સાગરનંદિન્ 950માં થયેલા રાજશેખરની ‘વિદ્ધશાલભંજિકા’નો અને 11મી સદીમાં રચાયેલા છાયાનાટક ‘દૂતાંગદ’ના ઉલ્લેખો કરે છે, તેથી તેઓ 12મી સદીમાં થઈ ગયા એવું માની શકાય.

તેમનો ગ્રંથ 1937માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી મિ. ડીલને પ્રગટ કર્યો છે. તેના શીર્ષક મુજબ તે ગ્રંથ નાટકના જુદા જુદા મુદ્દાઓની વ્યાખ્યાઓનો સંગ્રહ એટલે કોશ છે. જુદા જુદા આચાર્યોએ જુદા જુદા નાટ્યવિવેચન વિશેના મુદ્દાઓ વિશે આપેલા અભિપ્રાયો તેમાં એકત્ર કરીને – સંગૃહીત કરીને તેના પર ટૂંકી સમજ સોદાહરણ આપવામાં આવી છે; પરિણામે તેમાં મૌલિકતા નથી.

પ્ર. ઉ. શાસ્ત્રી