સાંપ્રદાયિક રાજ્ય (theocratic state)

January, 2008

સાંપ્રદાયિક રાજ્ય (theocratic state) : કોઈ એક ચોક્કસ, નિશ્ચિત અને માન્ય ધર્મ સ્વીકારીને તેને સર્વોચ્ચ સ્થાને સ્થાપીને કાર્ય કરતું રાજ્ય.

સાંપ્રદાયિક રાજ્યમાં કોઈ ચોક્કસ ધર્મનો પ્રભાવ અથવા તો તેનું શાસન હોય છે. આ પ્રકારના રાજ્યમાં ધર્મગુરુઓ, પુરોહિતો, ધાર્મિક વડાઓના હાથમાં શાસન હોય છે અથવા તો તેમનો અસાધારણ પ્રભાવ હોય છે. સાંપ્રદાયિક રાજ્યમાં ધર્મગુરુ જ રાજ્યનો શાસક હોય છે; જેમ કે, વૅટિકન રાજ્યમાં પોપ પૉલ સાતમાનું શાસન છે અને તેમના અવસાન પછી સાંપ્રદાયિક રાજ્યમાં શાસક અથવા રાજા ધર્મગુરુઓની સત્તા હેઠળ પોતાનું શાસન ચલાવે છે અથવા રાજ્યે માન્ય કરેલા ધર્મના નીતિનિયમો મુજબ રાજ્યના કાયદા અને વ્યવહાર ઘડાય છે. આ શાસક તે ધર્મનો અનુયાયી પણ હોઈ શકે છે; દા.ત., 8મી અને 9મી સદીમાં યુરોપમાં ઈસાઈ રાજાઓ રાજ્ય કરતા હતા, જેમના પર પોપ કે ધર્મગુરુનો અંકુશ રહેતો હતો; એટલું જ નહિ, જો શાસક-રાજા ધર્મ વિરુદ્ધ કોઈ આચરણ કરે કે પગલું ભરે અથવા તો શાસન ચલાવે તો એવા રાજાને ધર્મગુરુ દંડ પણ કરી શકતો અને છેવટના ઉપાય તરીકે તેને સત્તા પરથી દૂર પણ કરી શકતો હતો. ચાર્લ્સ, ધ બોલ્ડ જેવા રાજાઓએ તો સરકારના કોઈ પણ કાર્યને રોકવાના ધર્મગુરુના અધિકાર સુધ્ધાંને સ્વીકાર્યો હતો. ખ્રિસ્તી ધર્મગુરુ પોપના હુકમો-આદેશોને રાજાના હુકમો કરતાં પણ વધુ કડક રીતે સ્વીકારવામાં આવતા; કારણ કે પોપના હુકમોનો પ્રભાવ માત્ર વ્યક્તિના શરીર પર જ નહિ, પરંતુ એના આત્મા પર પણ પડે છે તેવું સ્વીકારવામાં આવ્યું હતું.

ભારતીય સંદર્ભમાં સાંપ્રદાયિક રાજ્યની બાબતે તપાસ કરતાં જણાય છે કે ભારતીય શાસ્ત્રોએ રાજ્યના હેતુઓ અને કાર્યક્ષેત્રમાં ધર્મને ખૂબ જ મહત્વ આપ્યું છે. ઘણા વિદ્વાનો એવું સ્વીકારે છે કે પ્રાચીન ભારતીય રાજ્ય સાંપ્રદાયિક રાજ્ય કહી શકાય. ધર્મવિહીન રાજ્યને રાજ્ય તરીકે સ્વીકારવાનો જ ભારતીય શાસ્ત્રકારો ઇન્કાર કરે છે; કેમ કે, તેઓ ધર્મને રાજ્યનું મૂળ અને અંતિમ ધ્યેય માને છે. જોકે આપણે અત્રે એ સ્પષ્ટતા કરવી જરૂરી બને છે કે તેઓનો ‘ધર્મ’નો ખ્યાલ અર્વાચીન અથવા તો પ્રચલિત ધર્મના ખ્યાલથી જુદો છે. સાંપ્રદાયિક રાજ્યમાં ધર્મગુરુઓ રાજ્યનું સંચાલન કરતા હોય છે અથવા તો પૂર્ણ વર્ચસ્ ધરાવતા હોય છે. હાલમાં વૅટિકન રાજ્ય એ પોપનું ધર્મરાજ્ય છે, જેનો ઉપર ઉલ્લેખ કર્યો છે. મધ્યયુગ દરમિયાન મોટાભાગના મુસ્લિમ રાજ્યો ઉપર બગદાદના ખલીફાનું સીધું શાસન પ્રવર્તતું હતું. આ રાજ્યોના રાજાઓ-સુલતાનો ખલીફાના એજન્ટ-પ્રતિનિધિ રૂપે શાસન ચલાવતા હતા. આ સુલતાનો ઉપર ઉલેમાઓ-ધર્મગુરુઓનો સંપૂર્ણ પ્રભાવ હતો. અલ્લાઉદ્દીન ખલજી જેવા સુલતાનો તો પોતે જ ધર્મગુરુ હોવાનો દાવો કરતા હતા.

પ્રાચીન ભારતમાં કે પ્રાચીન યુરોપ અને અન્ય દેશોમાં શાસ્ત્રકારોએ રાજાને ધર્મ મુજબ જ રાજ્ય કરવાનો આગ્રહ કરેલો છે. રાજ્યની ઉત્પત્તિ અંગેનો દૈવી સિદ્ધાંત આ બાબતને વધુ સ્પષ્ટ કરે છે. આ સિદ્ધાંત દ્વારા રાજાઓના દૈવી અધિકારોને ખૂબ જ મહત્વ આપીને રાજાના પદને ઈશ્વરસર્જિત ગણ્યું છે. રાજ્યની દંડનીતિને ધર્મનું સ્વરૂપ આપીને તેની સામેના કોઈ પણ વિરોધને નિર્મૂળ કરવાના પ્રયાસો કર્યા છે. ભારતમાં વૈદિક કાળ સુધી તો પશ્ચિમમાં મધ્યયુગ સુધી રાજ્ય પર ધર્મનું વર્ચસ્ રહ્યું હતું. આ સમયમાં ધર્મગુરુઓનું સમાજમાં ચોક્કસ સ્થાન હતું અને લોકો ક્રિયાકાંડો કે વિધિવિધાનો કરાવીને દ્રવ્યની સગવડ પણ કરી આપતા હતા. ધર્મવિશેષજ્ઞના પ્રભાવ હેઠળ કાયદા ઘડાતા, તે મુજબ રાજ્યનું સંચાલન થતું તેમજ ન્યાયિક નિર્ણયો પર પણ ધર્મનો પ્રભાવ રહેતો હતો. આ રીતે પ્રાચીન રાજ્યવ્યવસ્થા પર ધર્મનો ઘણો પ્રભાવ હોઈ તે મુખ્યત્વે સાંપ્રદાયિક રાજ્યો હતાં.

આજે પણ કેટલાંક ઇસ્લામિક રાજ્યોમાં ધર્મનો પ્રભાવ રહેલો જોવા મળે છે. ભૂતકાળમાં પાકિસ્તાનમાં કોઈ કટોકટી કે આપત્તિ ઊભી થાય ત્યારે ‘ઇસ્લામ ખતરામાં છે’ એમ કહીને લોકોનું ધ્યાન તે તરફ લઈ જવાના પ્રસંગો ઘણી વખત બન્યા છે. વર્તમાન સમયમાં આપણા દેશમાં કેટલાક બનાવો-પ્રસંગો તરફ નજર નાખીએ તો તેની પાછળ ધાર્મિક પરિબળો કામ કરતાં જોવા મળે છે. લોકશાહી દેશોમાં ધર્મ પ્રત્યેના નિરપેક્ષપણાના પ્રત્યાઘાત રૂપે કટ્ટરતાવાદ, ઝનૂન, આતંકવાદ જેવાં પરિબળોએ પડકાર ઊભો કર્યો છે. આમ સાંપ્રદાયિક રાજ્યમાં ધર્મ સર્વોચ્ચ સ્થાને બિરાજે છે અને જે તે ધર્મના નીતિનિયમો અનુસાર રાજ્યનું સંચાલન કરવામાં આવે છે.

ધર્મેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા