સહસ્રલિંગ તળાવ : પાટણમાં સિદ્ધરાજ જયસિંહે દુર્લભ સરોવરનું નવનિર્માણ કરીને બંધાવેલ સરોવર. ભારતીય વાસ્તુગ્રંથોમાં જળાશયોની વ્યવસ્થા તથા પુર કે નગરની રચનામાં પણ તેઓનું અનન્ય સ્થાન, પ્રકાર તથા વિવિધ ઘાટ વિશે નિરૂપણ જોવામાં આવે છે. જળાશયોમાં મુખ્યત્વે ચારેય બાજુએથી બાંધેલું સરોવર મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાનના પ્રદેશોમાં કેટલાંક ગણનાપાત્ર ઐતિહાસિક જળાશયો વિશેની વિગતો મળી આવે છે. ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કંઈક અંશે ખેંચવાળું છે અને તેથી અહીં પણ વિપુલ પ્રમાણમાં જળાશય બંધાયાં હોવાના ઐતિહાસિક ઉલ્લેખ મળે છે.

સોલંકી રાજ્યની રાજધાની અણહિલવાડ પાટણ એ કચ્છના નાના રણના કાંઠે આવેલું સ્થળ છે અને બનાસ તથા સરસ્વતી નદી એની પાસે થઈને વહે છે. સિદ્ધરાજના પુરોગામી દુર્લભરાજે પાટણમાં દુર્લભ સરોવર બંધાવ્યું હતું. આગળ જતાં સિદ્ધરાજે એનું નવનિર્માણ સહસ્રલિંગ સરોવર નામે કરાવ્યું. સરસ્વતીના એક પ્રવાહને આ જગ્યાએ વાળીને સમૃદ્ધ કરવામાં આવ્યું હતું. ‘સરસ્વતીપુરાણ’ તથા હેમચંદ્રાચાર્યના ‘દ્વયાશ્રય’ કાવ્યના આધારે આ સહસ્રલિંગ તળાવનું ચિત્ર આપણી નજર સમક્ષ ઊભું કરી શકાય છે. એમાં વર્ણવેલ તળાવના આકાર અને ઘાટને અનુરૂપ સરોવરની શોધ માટે થોડાંક વર્ષો પૂર્વે સહસ્રલિંગ તળાવનું ભૂતપૂર્વ વડોદરા રાજ્યના પુરાતત્ત્વખાતાએ ખોદકામ કરાવ્યું હતું અને ખોદકામમાંથી મળી આવેલ રુદ્રકૂપ અને ગરનાળા તેમજ કેટલાક ઘાટના અવશેષ યથાવત્ સ્થિતિમાં મળી આવ્યા હતા. આ પરથી નક્કી થાય છે કે ઉપર્યુક્ત ગ્રંથોએ સહસ્રલિંગ સરોવરનું જે વર્ણન કર્યું છે તે બરાબર છે. સહસ્રલિંગ તળાવનો ઘાટ વલયાકાર એટલે કે વૃત્તાકાર હતો. એની ચારેય બાજુએ પગથિયાંવાળા ઘાટ હતા.

સહસ્રલિંગ તળાવ

‘સરસ્વતીપુરાણ’માં સહસ્રલિંગ સરોવર બંધાવવાની પ્રેરણા સિદ્ધરાજને કેવી રીતે મળી તેનો વિસ્તૃત અહેવાલ લખાયેલો છે.

પુરાણકારે આ સરોવરમાં જળ લાવવા બાંધેલી જળવીથિકાનાં બંને કિનારા ઉપર આવેલાં દેવમંદિરો, કુંડો, વાવો વગેરેની વિગતવાર માહિતી દરેકના તીર્થમાહાત્મ્ય સાથે આપી છે. સહસ્રલિંગ સરોવર નજદીક આવતાં જળવીથિકાનું જળ જે કાંપ અને કચરો ઘસડી લાવતું તે અહીં ઠરીને સ્વચ્છ બને એટલા માટે રુદ્રકૂપ બનાવ્યો હોવાનું પણ જણાવેલ છે.

‘સરસ્વતીપુરાણ’કારે આ સરોવરના કિનારા ઉપર આવેલ સેંકડો દેવમંદિરોની નોંધ રજૂ કરી છે. આમાં દશાવતારનું મંદિર, 108 દેવીઓનું દેવીપીઠ, સોમનાથ, ભાયલસ્વામી, કાશી વિશ્વનાથ, કોલ્લાદેવી, ભૂતેશ્વર વગેરે જણાવેલ છે. સરોવરના કિનારા ઉપર 1008 શિવમંદિર તો હતાં જ, પરંતુ બીજાં સેંકડો નાનાંમોટાં મંદિર પણ ત્યાં આવેલાં હતાં. આ દરેક મંદિરની નજદીકનો ઓવારો એનું તીર્થ ગણાતો. સરોવરના મધ્યભાગે બકસ્થળે મોટો ટેકરો હતો, જેના મધ્ય ભાગે વિંધ્યવાસિનીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં જવા માટે પશ્ચિમ કિનારે આવેલો દેવીપીઠમાંથી જવાનો માર્ગ હતો. એની નજદીક સરોવર સંપૂર્ણ ભરાયા બાદ જળ બહાર કાઢવા માટેનું નિકાસદ્વાર હતું, જેના દ્વારા વધારાનું જળ ત્યાંથી બહાર નીકળી, ત્યાં મોટો બાગ હતો, તેમાં જતું. એ ‘વન’માં થઈ આ પ્રવાહ સરસ્વતીના મુખ્ય પ્રવાહમાર્ગને આગળ જતાં મળતો.

હેમચંદ્રાચાર્યે પોતાના ‘દ્વયાશ્રય’ કાવ્યમાં આ મહાસરોવરના કાંઠે 1008 શિવમંદિર, 108 દેવીમંદિર અને એક દશાવતારનું મંદિર હોવાનું જણાવ્યું છે. એના કાંઠે સૂર્ય, ગણેશ, કાર્તિક વગેરે બીજા દેવોની દેરીઓ પણ હતી. સરોવરના મધ્યભાગે આવેલ બકસ્થળ ઉપરના વિંધ્યવાસિની દેવીના મંદિરે પહોંચવા માટે પથ્થરના પુલની યોજના કરેલી હતી. જળાશયનાં ત્રણ ગરનાળાં ઉપર જલશાયી વિષ્ણુનું મંદિર હતું. દેરીઓમાં વૈષ્ણવ, શૈવ તથા શાક્ત વગેરે દેવદેવીઓની મૂર્તિઓ પ્રસ્થાપિત કરેલી હતી. સરોવરના મુખ્ય માર્ગની આગળ ભવ્ય કીર્તિતોરણ આવેલું હતું. (આ કીર્તિતોરણના કેટલાક ટુકડા પાટણનાં કેટલાંક ઘરો તથા મસ્જિદોમાં જડાયેલા મળી આવેલા છે.) આથી વિશેષ રચના-કૌશલ આ સરોવરમાં પાણી ભરવામાં આવતું હતું એ નહેર અને સરોવરની વચ્ચે ત્રણ રુદ્રકૂપ(નાગધરા)ની રચના હતી. નદી તરફના નહેરના મુખભાગે પથ્થરની જાળીવાળા ગરનાળાની યોજના હતી. નદીનું પાણી નહેર વાટે થઈને એ ગરનાળામાં પ્રવેશતું અને ત્યાં ગળાઈ સ્વચ્છ થઈ પ્રથમ રુદ્રકૂપમાં આવતું. પાણીમાંનો કચરો એ રુદ્રકૂપના તળિયે ઠરતો અને સ્વચ્છ પાણી બીજા રુદ્રકૂપમાં પ્રવેશતું. ત્યાં પણ કચરાનો અવકાશ રહેતો અને છેવટે ત્રીજા રુદ્રકૂપમાં થઈને પાણી સરોવરને સંલગ્ન ગરનાળાની મારફત સરોવરમાં પ્રવેશતું. આ રીતે પાણી અત્યંત શુદ્ધ થઈ નિર્મલ જળરૂપે સરોવરમાં ભરાતું. પાણીના નિકાલ માટે પણ આવી જ વ્યવસ્થા સરોવરના બીજા છેડે રાખવામાં આવી હતી. ઉપલબ્ધ અવશેષો પરથી સરોવરનો જે વિસ્તાર માલૂમ પડે છે, એ જોતાં લગભગ અડધું પાટણ સરોવર પર વસેલું હોય એમ લાગે છે. કવિ શ્રીપાલે આ સરોવરની પ્રશસ્તિ રચી હતી.

રેખાબહેન ભાવસાર