સલ્ફાઇટ : અસ્થાયી એવા સલ્ફ્યુરસ ઍસિડ (H2SO3)માંથી મેળવાતા ક્ષાર (salt) અથવા એસ્ટર (ester). ક્ષારો ટ્રાઇ-ઑક્સોસલ્ફેટ(VI) આયન  ધરાવે છે, જેમાં ઑક્સો-એનાયનમાંના સલ્ફરનો ઉપચયનાંક (oxidation number) +4 હોય છે. આ ઉપચયનાંક સલ્ફરના વિવિધ ઉપચયનાંકોની પરાસમાં વચ્ચેનો છે. આથી સલ્ફાઇટ ક્ષારો સંજોગો પ્રમાણે ઉપચયનકર્તા (oxidant) તેમજ અપચયનકર્તા (reductant)  એમ બંને રીતે વર્તી શકે છે. સલ્ફાઇટ ઉપચયન પામી સલ્ફેટમાં અથવા અપચયન પામી સલ્ફાઇડ આયન (S2) અથવા સલ્ફરમાં ફેરવાય છે. સામાન્ય રીતે આ ક્ષારો પ્રતિઉપચાયકો (antioxidants) તરીકે વધુ વપરાય છે.

સલ્ફાઇટ ક્ષારના દ્રાવણમાં ઍસિડ ઉમેરવામાં આવે તો ઉગ્ર (pungent) વાસવાળો સલ્ફર ડાયૉક્સાઇડ (SO2) વાયુ ઉત્પન્ન થાય છે.

Na2SO3 + 2HCl  =  H2SO3 + 2NaCl

અથવા

2H+ + SO2-3  ↔  [H2SO3]  ↔  H2O + SO2

સલ્ફ્યુરસ ઍસિડ દ્વિબેઝિક (dibasic) હોવાથી તે બે પ્રકારના ક્ષારો આપે છે : સામાન્ય સલ્ફાઇટ, M2SO3 (M = એકસંયોજક ધાતુ) અને બાઇસલ્ફાઇટ (bisulphite), MHSO3. આલ્કલી ધાતુઓના અને એમોનિયમ સલ્ફેટ સિવાયના સલ્ફેટ ક્ષારો પાણીમાં પ્રમાણમાં ઓછા દ્રાવ્ય હોય છે.

સોડિયમ સલ્ફાઇટ રંજન (dyeing) તથા વિરંજન(bleaching)માં અને પરિરક્ષક (preservative) તરીકે ઉપયોગમાં લેવાય છે. સલ્ફાઇટ ઍસિડ લિકર તરીકે ઓળખાતું પ્રવાહી એ કૅલ્શિયમ બાઇસલ્ફાઇટ અથવા કૅલ્શિયમ અને મૅગ્નેશિયમના બાઇસલ્ફાઇટનું, વધુ પ્રમાણમાં મુક્ત સલ્ફર ડાયૉક્સાઇડ ધરાવતું જલીય દ્રાવણ છે, જે કાગળ માટેનો માવો (pulp) બનાવવા વપરાય છે. અન્ય સલ્ફાઇટ ક્ષારો કેટલીક જાતના કાગળના ઉત્પાદનમાં ઉપયોગમાં આવે છે.

જ. દા. તલાટી