સમ્પત્તી આર્યની (શ્રીમતી)

January, 2007

સમ્પત્તી આર્યની (શ્રીમતી) (. 31 માર્ચ 1923, પટણા શહેર, બિહાર) : મગહી વિદુષી. તેમણે 1952માં પટણા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., 1956માં બિહાર યુનિવર્સિટીમાંથી પાલિમાં એમ.એ. તથા પટણા યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની પદવી મેળવી.

તેમણે પટણા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપિકા તરીકે કારકિર્દી શરૂ કરી; 1953થી હિંદી વિભાગમાં અધ્યાપનની કામગીરી કરી. તેઓ રીડર તરીકે સેવાનિવૃત્ત થયાં. 1965થી 1971 સુધી તેઓ ટૅક્નિકલ પરિભાષા માટેના ગવર્નમેન્ટ ઑવ્ ઇન્ડિયા કમિશનનાં સભ્ય; 1976-81 બિહાર રાષ્ટ્રભાષા પરિષદનાં સભ્ય; મગહી અકાદમી, બિહાર સરકારનાં સભ્ય; ઑલ ઇન્ડિયા મગહી સાહિત્ય સંમેલનનાં પ્રમુખ.

તેમની માતૃભાષા હિંદી (મગહી) છે. તેમણે કુલ 8 ગ્રંથો આપ્યા છે. તે તમામ મગહી ભાષા અને સાહિત્ય પર છે. તેમાં ‘મગહી ભાષા ઔર સાહિત્ય’ (1976); ‘મગહી લોકસાહિત્ય’, ‘મગહી વ્યાકરણકોશ’, ‘મગહી નિબંધ સૌરભ’ ઉલ્લેખનીય છે.

તેમને 1980-81ના વર્ષનો બિહાર સરકાર ઍવૉર્ડ તથા 1994માં મહાદેવી વર્મા પુરસ્કાર આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા