સમૂહમાધ્યમો : વિશાળ લોકસમુદાય સુધી જ્ઞાન, માહિતી કે મનોરંજનનું પ્રત્યાયન કરતાં સાધનો. જ્ઞાન, માહિતી કે મનોરંજનની આપ-લે માનવી મુખોપમુખ અને જાતે કરતો. પછી એનો સંગ્રહ હસ્તપ્રતોથી થતો; પરંતુ પહેલી વાર લિપિને કોતરીને બ્લૉકથી એનું મુદ્રણ શરૂ થયું અને એ રીતે પ્રથમ પુસ્તક તૈયાર થયું. એકથી વધુ લોકો સુધી એની પ્રતો પહોંચે એ હવે શક્ય બન્યું. સમૂહમાધ્યમ અને પ્રત્યાયનનો એ પહેલો પ્રસંગ હતો. એને આજે ચાર-પાંચ સૈકા થયા. સ્વાભાવિક જ એ પહેલું પુસ્તક ધર્મગ્રંથ હતો. એની પ્રત ઉપલબ્ધ થાય તો કોઈ પણ વાંચી શકે અને પ્રશ્ન પણ સામે પૂછી શકે. ધર્મ અને રાજ્યસત્તાને એમાં પડકાર જણાયો, એથી એને નિયંત્રણમાં રાખવા પ્રયત્ન પણ થયો. જોકે ધીમે ધીમે અનેક પ્રકારનાં પુસ્તકો, પછી સામયિકો અને અખબારો પ્રસિદ્ધ થવા માંડ્યાં. શિક્ષણના પ્રચાર સાથે વાચનભૂખ ઊઘડતી ગઈ અને મુદ્રણ-માધ્યમોનો, એની યંત્રવિદ્યાના વિકાસ સાથે, પ્રચાર-પ્રસાર વધ્યો. જગતની અનેક ક્રાંતિઓના મૂળમાં આ મુદ્રણનું માધ્યમ રહેલું છે. સર્જક કે પત્રકાર પ્રથમ પ્રત કાઢે પછી એ મુદ્રિત થતાં સમૂહમાધ્યમ બને. સમૂહ સુધી પહોંચે તોપણ એક એક વ્યક્તિ સ્વતંત્રપણે એનું વાચન-ચિંતન કરતી હોવાને લીધે એ માહિતીથી વિશેષ વિચાર-પ્રસારનું બળૂકું માધ્યમ બન્યું છે.
અખબાર, વર્તમાનપત્ર, છાપું એ દરરોજના કે સપ્તાહના નિશ્ચિત દિવસોએ (દા.ત., રવિવારે વગેરે) અને દિવસના નિશ્ચિત સમયે (દા.ત., સવારે-બપોરે વગેરે) પ્રસિદ્ધ થાય. એમાં મુખ્યત્વે સમાચારો હોય, સાથે વ્યાપારી જાહેરાતો, લેખો, કથાઓ, નિયમિત સ્તંભો (કૉલમો), તંત્રીલેખો વગેરે પણ આવે. ખાસ વિષયનાં અખબારો પણ હોય; દા.ત., વ્યાપાર જગત, આર્થિક પ્રશ્નો, સ્ત્રીઓ, બાળકો વગેરે માટેનાં; એ જ રીતે સામયિકો નિશ્ચિત સમય-મર્યાદાએ પ્રસિદ્ધ થાય. દા.ત., સાપ્તાહિક, પાક્ષિક, માસિક, વાર્ષિક વગેરે. પુસ્તકોમાં કથાઓ અને જ્ઞાનમાહિતીની છણાવટ કરતું સાહિત્ય પ્રસિદ્ધ થાય. આ બધું અનેક રૂપે, રંગે અને આકારમાં મળે – જેવું સર્જન, જેવી કલ્પનાશક્તિ, જેવી જરૂરત.
આ મુદ્રણના માધ્યમે કંઈ કેટલાય એવા પ્રકારો અને વિષયો ખેડી બતાવ્યા છે કે મનોરંજન અને જ્ઞાનમાહિતીના સંશોધનમાં એણે આજ સુધીનાં પ્રત્યાયનનાં સઘળાં સાધનોમાં અગ્રસ્થાન ભોગવ્યું છે અને એ બધાના વિકાસને માર્ગદર્શન આપ્યું છે. માનવજાતના વિકાસમાં મુદ્રણે ધોરી માર્ગ રચી આપ્યો છે. વીજાણુ-માધ્યમોના વિકાસથી કેટલાયને મુદ્રણ ઉપર ખતરો તોળાતો અનુભવાયો છે, પરંતુ તેમનો ભય આજ સુધી તો અસ્થાને જ રહ્યો છે.
બીજું સમૂહમાધ્યમ ફિલ્મનું – 1895થી; ત્રીજું રેડિયોનું, ઓગણીસમી સદીના બીજા દાયકાથી પ્રચલિત અને ચોથું ટેલિવિઝન – ગઈ સદીના ચોથા દાયકાથી આરંભાયું. પ્રારંભમાં આ દરેક માધ્યમે પોતાની પુરોગામી મંચનકલાઓ અને લલિતકલાઓ તથા અન્ય માધ્યમોને આધારે કલા અને અભિવ્યક્તિના પ્રકારો સ્વીકાર્યા. સમય જતાં અનેક પ્રયોગો કરતા જઈ બીજા નવા નવા પ્રકારો પણ વિકસાવ્યા; દા.ત., થિયેટર પાસેથી ફિલ્મે નાટ્યાત્મક કથા-રજૂઆત લઈને એ માધ્યમની શક્યતા મુજબ કથા-ચિત્રની વિભાવના વિકસાવી; વર્તમાનપત્ર અને ફિલ્મ પાસેથી રેડિયોએ દસ્તાવેજી રૂપક-પ્રકાર વિકસાવ્યો અને એ જ રીતે ટેલિવિઝને રેડિયો પાસેથી પ્રેક્ષક-ભાગીદારીના અનેક કલા-પ્રકારો લીધા.
સૌથી છેલ્લે ટીવી માધ્યમને તો આજ સુધીની સઘળી મંચન અને લલિતકલાઓ, સમૂહમાધ્યમો, જંગી યંત્રસામગ્રી, પ્રત્યાયન-(communication)ની ઝડપનાં સાધનો, વીજાણુ-ઇજનેરી, કમ્પ્યૂટર, ઉપગ્રહ, ચિપ્સ, કૉમ્પેક ડિસ્ક, મોબાઇલ, ડિજિટલ વગેરે પદ્ધતિઓનો જે લાભ મળ્યો છે એ દૃષ્ટિએ આ માધ્યમ ખૂબ શક્યતાઓથી ભર્યું ભર્યું બન્યું છે. કદાચ, આજે એમાં યંત્રવિદ્યાથી ચકાચૌંધ કરવાનું કૌશલ વધારે દેખાય છે. જોકે આ માધ્યમ કદાચ એના શેક્સપિયરની રાહ જુએ છે !
એ ઉપરાંત જાહેરાતના વિશાળકાય પાટિયાં (હોર્ડિંગ્ઝ) પણ સમૂહમાધ્યમનો પ્રકાર ગણાયો છે. ઇન્ટરનેટ સમૂહમાધ્યમનો એક રીતે ખૂબ વિશિષ્ટ પ્રકાર બન્યો છે; જ્ઞાન-માહિતી અને મનોરંજનમાં એની હરણફાળો, એની વર્ચ્યુઅલ સ્પેસમાં એનો વિપુલ સંગ્રહ, એની ત્વરિત ઉપલબ્ધિ ક્યારેક વિશાળકાય પુસ્તકાલય અને ફિલ્મ-રેડિયો-થિયેટરને ઓળંગી જતી જણાય છે; છતાં એની શક્યતા હજી વિકસી રહી છે.
આ માધ્યમોમાંથી મુદ્રણ, હોર્ડિંગ્ઝ, ફિલ્મ અને ઇન્ટરનેટનાં માધ્યમો વિતરણનાં માધ્યમો છે, કારણ કે એમની પ્રતોનું વિતરણ થાય છે. છાપું, સામયિક અને પુસ્તકોની પ્રતો મળે છે અને ફિલ્મની પ્રતો પણ જુદાં જુદાં થિયેટરોમાં મોકલાય છે. ઇન્ટરનેટ પણ એ જ રીતે ઉપલબ્ધ છે. એનો ભાવક એટલે કે વાચક અને પ્રેક્ષક પોતાની અનુકૂળતાએ વાંચી/નિહાળી શકે, એનો સંગ્રહ પણ કરી શકે.
જ્યારે રેડિયો અને ટેલિવિઝન પ્રસારણનાં માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝનના ટ્રાન્સમિટર પરથી જે તે કૃતિ તરંગો રૂપે પ્રસારિત થઈ ઘરને મથાળે ઍન્ટેના પર આવે છે અને એને એની ફ્રિક્વન્સી પ્રમાણે સાંભળી અને નિહાળી શકાય છે. પ્રસારણનું માધ્યમ છે એટલે એનો સમય નિશ્ચિત હોય છે અને તેથી તે નિશ્ચિત સમયે જ જોઈ કે સાંભળી શકાય છે. પણ એનો સીધો સંગ્રહ ન થઈ શકે; જોકે એનું ટેપ કે સીડી ઉપર મુદ્રણ થઈ શકે અને એ પછી એનો સંગ્રહ પણ થઈ શકે. આ ટેપ અને સીડી પણ એ રીતે વિતરણનાં માધ્યમો બને છે; તો નવી વિકસતી જતી યંત્રવિદ્યામાં નાનાં એવાં કમ્પ્યૂટરો પણ ઉપલબ્ધ છે, જે પ્રસારિત થતું સાહિત્ય મેળવી, સંગ્રહ કરી, વળતું પ્રસારિત કરી શકે છે; અને મોબાઇલ ટેલિફોનોનો પણ એવો જ છૂટથી ઉપયોગ થઈ રહ્યો છે.
રેડિયોમાં માનવ-અવાજ, પ્રસંગની તાદૃશતા માટેનો ઉચિત ધ્વનિ (દા.ત., બારણું, યંત્ર, વાસણ, વાહનો), પરિસ્થિતિ મુજબનું સંગીત અને નીરવતા સાથે મળે તો શ્રાવ્ય-પ્રત્યાયન સંપૂર્ણ બને. ફક્ત ફિલ્મી ગીતો સાંભળવાં એ તો આ માધ્યમોનો આંશિક ઉપયોગ ગણાય. રેડિયો મૂલત: તત્ક્ષણનું માધ્યમ હોવાથી પત્રકારત્વનું સાધન બની રહે ને બન્યું છે.
ફિલ્મ કે ટીવીના કાર્યક્રમો ‘અગાઉ થઈ ગયા’ હોય એટલે કે એના એકેએક ભાગને સંપૂર્ણપણે સંતોષકારક કરવાની તક મળી હોય છે. રિહર્સલો પછી પણ, કોઈ પણ સંવાદ કે ક્રિયામાં ભૂલ થાય તો કૅમેરા સામે એને ફરી કરાવવામાં આવે એટલે કે ‘રિટેક’ લેવામાં આવે અને સૌથી સારા સંવાદ – સૌથી સારી ક્રિયાને જ બતાવવામાં આવે. નાટકના તખ્તા પર તો કોઈ પાત્રની ભૂલ થાય તો પ્રેક્ષકોએ સ્વીકારી જ લેવી પડે.
આ ફિલ્મ કે રેડિયો-ટીવી કાર્યક્રમોમાં પણ એના લેખકો-દિગ્દર્શકો-નટો હોય છે. મોટેભાગે નાટકની જેમ જ, જુદી જુદી કક્ષાએ અને રીતે, પાત્ર-પ્રસંગ-વિચારની પસંદગી તથા ગોઠવણીની એવી જ પ્રક્રિયામાંથી એ પસાર થાય છે; પરંતુ ફિલ્મ-ટીવીમાં મહત્ત્વનો છે કૅમેરા. પ્રેક્ષક જે જુએ છે એ કૅમેરાએ ઝડપેલું હોય છે. ડૂબતા સૂરજને ઢાંકતા પર્વતની ખીણમાંના ઘરને ટેકો દઈ ઊભેલી કન્યા ક્યારેક ‘દૂરથી’ એ બતાવે તો ક્યારેક ‘ખૂબ નજીકથી’. એ કન્યાના ફક્ત મુખભાવ કૅમેરા બતાવે. એ બધું ટુકડે ટુકડે અને અલગ અલગ પસંદ કરીને લીધેલું હોય અને પછી જરૂર પ્રમાણે ગોઠવેલું હોય. એ કન્યા એક બાજુ જુએ અને ત્યાં એના પિતા પ્રવેશતા હોય એવું જો પછીના ‘શૉટ’માં પ્રેક્ષક જુએ તો એના પિતાને કંઈ એ જ સમયે પ્રવેશતા કૅમેરાએ ન પણ લીધા હોય. બીજે દિવસે કે બીજે મહિને એ શૉટ લઈને એ ત્યાં મૂકી શકાય. આ શૉટ શ્યાત્મક કથન છે, ભાષામાં જેમ શબ્દો અને વાક્યો હોય છે તેમ. એની અર્થસભર પસંદગી અને ગોઠવણીને ‘એડિટિંગ’ કહેવાય છે.
એ બધું ફિલ્મ-ટીવીનો દિગ્દર્શક ગોઠવે, એ નક્કી કરે એમ જ થાય. એટલે તો અમુક-તમુક ફિલ્મ-ટીવીના અભિનેતાએ અમુક-તમુક ‘ઍક્શન’ કર્યું એમ કહેવામાં આવે છે. વસ્તુત: તો દિગ્દર્શકે એ અભિનેતાને એમ કરવા કહ્યું હોય છે અને એણે જ્યારે એ ઍક્શન જરૂરત પ્રમાણે કરી બતાવ્યું ત્યારે જ એ ‘શૉટ’ દિગ્દર્શકે ત્યાં એડિટ કર્યો હોય છે. પડદા ઉપર પ્રેક્ષક નટને જુએ છે, એટલે એ જ બધું કરે છે એમ પ્રેક્ષક માની લે છે. એની વેશભૂષા, મેકઅપ-શૈલી અને રીતરસમ પણ દિગ્દર્શક જ નક્કી કરે છે. કૅમેરા અને એડિટિંગ દ્વારા દિગ્દર્શક જે બતાવે – પેલી કન્યા નજીક કે દૂર એ જ પ્રમાણે પ્રેક્ષકો જોતા હોય છે. તખ્તાના નાટકમાં તો કન્યા અને પિતા સાથે હોય, તો એ બેમાંથી કોઈ પણને જોવાની પસંદગી પ્રેક્ષક કરી શકતો હોય છે.
જોકે કૅમેરા કશું સ્વેચ્છાથી બતાવતો નથી; લેખક-દિગ્દર્શકના અર્થને પ્રેક્ષકો સુધી પહોંચાડવા એટલે કે ‘અભિનય’ કરવા જે જરૂરી હોય એ જ શૉટ એના દ્વારા લેવામાં આવે. કન્યા ક્યાં ઊભી છે એ બતાવવા ઘર, પર્વત જરૂરી બને એટલે એ દૂરનો શૉટ, અને એ પિતાની રાહ જુએ છે એ બતાવવા એના મુખભાવનો નજીકનો શૉટ લેવાય. એવું એમાં આવતા સંવાદો અને ધ્વનિ વગેરેનું છે. ઘર, પર્વત સહિતના શૉટ સાથેનો પંખીનો કલરવ એ વખતે ત્યાં ને ત્યાં કે પછી કોઈ પણ સ્થળે રેકોર્ડ કરેલો હોય ! હા, એ ધ્વનિ ત્યાં બરાબર બંધ બેસતો હોવો જોઈએ.
બે જુદા જુદા શૉટને સાથે મૂકીને ત્રીજો અર્થ પણ કાઢવામાં આવે; દા.ત., ગંદાં ઝૂંપડાં પછી ઊંચી ઇમારતો. એ જ રીતે દૃશ્ય અને શ્રાવ્યના વિરોધાભાસથી પણ ત્રીજો અર્થ નીકળી શકે. દા.ત., ઝૂંપડાંનાં ભૂખ્યાં બાળકોના શૉટ સાથે કાચનાં વાસણોનો ખખડાટ અને ભોજન કરતી શ્રાવ્ય માધ્યમની ભાષાનું વ્યાકરણ ગણાય છે.
રેડિયોનું માધ્યમ પણ એ જ રીતે દિગ્દર્શકનું માધ્યમ ગણાય છે. બધી જ શ્રાવ્ય અસરો(સાઉન્ડ ઇફેક્ટ્સ)ની ગોઠવણી દિગ્દર્શક કરે. એ રીતે એની પ્રસ્તુતિ થાય. રેડિયો અને ટેલિવિઝનનાં માધ્યમો અત્યારે ઉપગ્રહો દ્વારા આખી પૃથ્વી પર કોઈ પણ એક સ્થળેથી બીજે સ્થળે અડધી સેકંડમાં પહોંચી જાય છે. આમ એની ઝડપ અને વ્યાપ એને સમૂહ-પ્રત્યાયનનું મહત્ત્વનું માધ્યમ બનાવે છે. વિતરણનાં માધ્યમો સંગ્રહ, પુનરાવર્તન, સંદર્ભ અને એ રીતે શિક્ષણ માટે વધુ પ્રયોજાય છે.
ઘણાંને સમૂહમાધ્યમો વિના જીવન આજે નીરસ લાગે છે; પરંતુ માનવજાતના આટલા લાંબા ઇતિહાસમાં પ્રથમ સમૂહમાધ્યમને (મુદ્રણને) હજી માત્ર પાંચ જ સૈકા થયા છે. એકલી વીસમી સદીમાં દર પંદર-વીસ વરસે માનવજાતે નવું વિશિષ્ટ સમૂહમાધ્યમ વિકસાવ્યા કર્યું છે. આ લેખ પૂરો વાંચી લેવાય ત્યાં સુધીમાં પણ કોઈ વિજ્ઞાની ઇજનેરે કાં તો નવું માધ્યમ, એની નવી શક્યતા શોધી લીધી હોય એમ પણ બને. અલબત્ત, એમાં મૂળ મુદ્દો અને મહત્ત્વનું પાસું વ્યક્તિગત સામાજિક ઉપયોગનું છે અને એ સાચા અર્થમાં આમ આદમીનું જીવન વધુ બહેતર બનાવે છે કે કેમ એ સહુએ સતત વિચારતાં રહેવું જરૂરી છે.
હસમુખ બારાડી