સપ્તપર્ણી : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alstonia scholaris R. Br. (સં. સપ્તપર્ણ, હિં. સતવન, બં. છાતીમ, મ. સાતવીણ, ક. એલેલેગ, તે. એડાકુલ, અરિટાકુ; અં. ડેવિલ્સ ટ્રી, ડીટા-બાર્ક ટ્રી) છે. તે એક મોટું, સદાહરિત, આધારવાળું (butressed) 12 મી.થી 18 મી. ઊંચું વૃક્ષ છે. કેટલીક વાર તે 27 મી.ની ઊંચાઈ અને 2.4 મી.નો ઘેરાવો ધારણ કરે છે, જેનું સીધું થડ 12 મી. ઊંચું હોય છે. પ્રકાંડ ઘણી વાર લાંબી ઊંડી ખાંચોવાળું હોય છે. ભારતમાં 600 મી.ની ઊંચાઈ સુધી થાય છે. છાલ ખરબચડી, ભૂખરી-સફેદ, અંદરની બાજુએથી પીળી હોય છે અને ઈજા થતાં કડવા ક્ષીરરસ(latex)નો સ્રાવ કરે છે. પર્ણો 4થી 7ની સંખ્યામાં (સામાન્ય રીતે સાત) ભમ્રિ રૂપે (whorl) ગોઠવાયેલાં હોય છે. તેઓ ઉપરની સપાટીએથી ઘેરાં લીલાં અને નીચેની સપાટીએ સફેદ પડતાં લીલાં અને બદામી રોમિલ હોય છે. પુષ્પો લીલાશ પડતાં સફેદ કે પીળાં, સઘન પરિમિત છત્રક સ્વરૂપે ગોઠવાયેલાં અને સુગંધિત હોય છે. ફળ એકસ્ફોટી (follicle), સમૂહમાં ઉદ્ભવતાં, 30 સેમી. – 60 સેમી. x 3 મિમી. અને નળાકાર હોય છે. બીજ બદામી રોમ ધરાવે છે.

ભારતમાં તે વિવિધ પ્રકારની આબોહવામાં થાય છે. તે પશ્ચિમ હિમાલયના ઉષ્ણકટિબંધીય પ્રદેશનાં પાનખર અને સદાહરિત જંગલોમાં, વધારે શુષ્ક વિસ્તારો અને ઉપોચ્ચપર્વતીય (subalpine) પ્રદેશો, ઉપહિમાલયી માર્ગ, પૂર્વભારત, પશ્ચિમના દરિયાકિનારે અને આંદામાનમાં થાય છે. જ્યાં 125 સેમી. જેટલો વરસાદ થતો હોય તેવા પૂરતા ભેજવાળા પ્રદેશોમાં થાય છે. તેનું પુષ્પનિર્માણ ડિસેમ્બરથી માર્ચ દરમિયાન અને ફળનિર્માણ મેથી જુલાઈમાં થાય છે.

આ વૃક્ષનું વાવેતર ઉદ્યાનોમાં શોભન વનસ્પતિ તરીકે અને વીથિકા (avenue) વૃક્ષ તરીકે કરવામાં આવે છે. તેનો પૂર-પાસ (flood-trap) બનાવવામાં ઉપયોગ થાય છે.

તેનું બીજ દ્વારા સહેલાઈથી વાવેતર થાય છે. આ વૃક્ષને Colleto trichum gloeosporioides, Sordaria humana અને અન્ય ફૂગ દ્વારા રોગો લાગુ પડે છે. તેના પર વાંદો (Dendrophthoe falcata) પરોપજીવી તરીકે થાય છે. Pauropsylla tuber culata દ્વારા પર્ણો ઉપર સખત, અર્ધકાષ્ઠમય પીટિકાઓ (galls) થાય છે. Capriria conchylalis અને Glagphodes bicolor જેવાં કીટકોની ઇયળો વિપત્રણ (defoliation) કરે છે.

પ્રકાંડ કે તેની શાખાઓની છાલ (ડીટા બાર્ક) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાય છે, શાખાઓની છાલ નળાકાર સ્વરૂપે કે પીંછાકાર ટુકડા સ્વરૂપે મળી આવે છે અને 3થી 4 મિમી. જાડી હોય છે. પ્રકાંડની છાલ અનિયમિત ટુકડા સ્વરૂપે હોય છે અને આશરે 7.0 સેમી. જાડી હોય છે. વિકસતી છાલ ઘેરી ભૂખરીથી માંડી બદામી રંગની હોય છે; જ્યારે જૂની છાલ ખૂબ ખરબચડી અને ફાટોવાળી, અંદરથી બદામીથી ઘેરી ભૂખરી બદામી, કેટલેક અંશે રેખિત (striated) અને દંતુરિત (indented) હોય છે. તે ગંધવિહીન અને દીર્ઘસ્થાયીપણે કડવી હોય છે. તે પ્રવાહીમય નિષ્કર્ષ સ્વરૂપે કે ટિંક્ચર સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે. છાલમાં આલ્કેલૉઇડ દ્રવ્ય 0.25 % અને બહારનું કાર્બનિક દ્રવ્ય 2.5 % જેટલું હોય છે. છાલ કડવી, બલ્ય, મંદ જ્વરહર, સંકોચક (astringent), કૃમિહર (anthelmintic) અને સ્તન્યવર્ધક (galactogogue) ગુણધર્મો ધરાવે છે. તેનો હૃદયરોગ, દમ, દીર્ઘકાલીન અતિસાર અને ઘામાંથી થતો રક્તસ્રાવ અટકાવવામાં ઉપયોગ થાય છે. કપાસનાં બીજ સાથે છાલ કચરીને તેલ સાથે ઉકાળી કાનમાં નાખવાથી બહેરાશ મટે છે. રક્તપિત્ત (leprosy) અને અજીર્ણ (dyspesia)માં તાજી છાલનો રસ દૂધ સાથે આપવામાં આવે છે. આયુર્વેદીય પદ્ધતિમાં તે કૅન્સર જેવી સ્થિતિમાં ઉપયોગી છે. તે બટાટાના વાઇરસ ‘X’નું ગુણન 60 %થી 80 % જેટલું અટકાવે છે.

સપ્તપર્ણી : પુષ્પીય શાખા

ભારતીય છાલમાં આલ્કેલૉઇડ દ્રવ્ય 0.16 %થી 0.27 % જેટલું હોય છે; જેમાં એકિટેમાઇન (હાઇડ્રોક્લોરાઇડ સ્વરૂપે, 0.08 %થી 0.10 %) મુખ્ય ઘટક છે. તે ઍકિટેમિડિન અલ્પ જથ્થામાં ધરાવે છે. સપ્તપર્ણીના વિવિધ ભાગોમાંથી મળી આવતાં આલ્કેલૉઇડ સારણીમાં આપવામાં આવ્યાં છે.

ઍકિટેમાઇન 0.3 મિગ્રા.થી 0.5 મિગ્રા./20 ગ્રા. શરીરના વજન પ્રમાણે, ઉંદરોને આપતાં તે વિષાળુ અસર ઉત્પન્ન કરે છે. પ્રાયોગિક પ્રાણીઓમાં આરંભમાં રુધિરના દબાણમાં ઘટાડો કરે છે અને તેના પર એટ્રોપીન પ્રભાવન(atropinization)ની કોઈ અસર રહેતી નથી અને ત્યારબાદ રુધિરના દબાણમાં વધારો થાય છે. તેનાં આલ્કેલૉઇડ કે છાલમાંથી બનાવેલું ટિંક્ચર મલેરિયા પર કોઈ ખાસ અસર નિપજાવતાં નથી કે ક્વિનિન સાથે તેની કોઈ યુતિ પ્રભાવી (synergistic) અસર કરતી નથી. છાલના આલ્કેલૉઇડના મિશ્ર સલ્ફેટ આંતરડાંના અને ગર્ભાશયના ઉત્તેજક તરીકે કાર્ય કરે છે. તેમની આંતરાયિક (intermittent) વિશ્રાંતક (relaxant) અસર પણ નોંધાઈ છે. સપ્તપર્ણીના આલ્કેલૉઇડનું પ્રાયોગિક પ્રાણીઓમાં અંત:શિરાકીય (intravenous) અંત:ક્ષેપણ (5 મિગ્રા./કિગ્રા.) કરવામાં આવે છે, ત્યારે રુધિરના દબાણમાં ત્વરિત ઘટાડો થાય છે, છતાં રુધિરનાં સ્પંદનોમાં અત્યંત અલ્પ પરિવર્તન થાય છે. આલ્કેલૉઇડ વધારે માત્રામાં આપતાં તાલમાં અનિયમિતતાઓ ઉત્પન્ન થાય છે. હૃદ્-અવરોધ (heart-block) અને કેટલીક વાર ક્ષેપકીય તંતુવિકંપન (fibrillation) થાય છે. છાલનો ઇથેનોલીય (50 %) નિષ્કર્ષ અલ્પરક્તદાબી (hypotensive) અસર નિપજાવે છે અને માનવકૅન્સર સામે ગર્ભયુક્ત અંડમાં સક્રિય હોય છે. છાલનો નિષ્કર્ષ ડુંગળીના મૂલાગ્રને આપતાં વિશ્રામ અવસ્થામાં રહેલાં કોષકેન્દ્રોમાં બહુરંગસૂત્રીયતા (polytery) ઉત્તેજાય છે અને 24 કલાકમાં ગાંઠો ઉત્પન્ન થાય છે. પ્રકાંડની છાલમાં બિનઆલ્કેલૉઇડીય ઘટકોમાં a-એમાયરિન ઍસિટેટ (0.8 %) અને લ્યુપિયોલ ઍસિટેટ(0.7 % વાયુ-શુષ્ક આધારિત)નો સમાવેશ થાય છે. મૂળની છાલમાં a-એમાયરિન અને તેનો ઍસિટેટ, લ્યુપિયોલ ઍસિટેટ, સ્ટિગોસ્ટેરોલ, b-સિટોસ્ટેરોલ અને કૅમ્પેસ્ટેરોલ કે તેનો સમઘટક હોય છે.

તાજા આદું સાથે પર્ણોનો રસ પ્રસૂતિ પછી આપવામાં આવે છે. કુમળાં પર્ણોનો કાઢો બેરી-બેરીમાં લેવાય છે. પર્ણોનો કાઢો યકૃતની રક્તસંકુલતા(congestion)માં આપવામાં આવે છે. છૂંદેલાં પર્ણોને તેલમાં ઉકાળી જલશોફ(dropsy)માં અપાય છે. પર્ણોની પોટીસ ચાંદાંમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પર્ણમાં આવેલાં બિન-આલ્કેલૉઇડીય ઘટકોમાં b-સિટોસ્ટેરોલ, બિટ્યુલિન અને ઉર્સોલિક ઍસિડનો સમાવેશ થાય છે.

ક્ષીરરસ ચાંદાં, સોજો, ગાંઠ અને વાના દર્દમાં તથા દાંતના દુખાવામાં આપવામાં આવે છે. ઍન્ટિએરિસના વિષ સામે તે પ્રતિકારક માલૂમ પડ્યું છે. તેલ સાથે મિશ્ર કરી કાનના દુખાવામાં અને કોપરેલ સાથે ઉકાળી તેનો ઉપયોગ ખૂજલીમાં કરવામાં આવે છે. ક્ષીરરસ ચીકણો હોવાથી તેનો લૂગદી બનાવવામાં ઉપયોગ થાય છે. ક્ષીરરસમાં 2.8 %થી 7.9 % કૂચુક (caoutchouc) હોય છે. ક્ષીરરસનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 67.8 %, જલ-દ્રાવ્ય પદાર્થો 3.9 %, ભસ્મ 1.1 %, રાળ 16.7 %, લિપિડ અને રાળના ઍસ્ટર 2.5 %, પ્રોટીન અને રેસાયુક્ત દ્રવ્ય 3.5 % અને રબર 4.5 %.

પુષ્પમાં રહેલું પિક્રિનિન (0.0011 %) નામનું આલ્કેલૉઇડ મધ્યસ્થ ચેતાતંત્ર માટે અવનમક (depressant) તરીકે વર્તે છે. પુષ્પનાં બિનઆલ્કેલૉઇડીય ઘટકોમાં n-હેક્ઝાકોસેન, લ્યુપિયોલ, b-એમાયરિન, ઉર્સોલિક અને પામિટિક ઍસિડનો સમાવેશ થાય છે. બેન્ઝીનમાં પુષ્પોનું નિષ્કર્ષણ કરી મળતા નક્કર પદાર્થ(0.15થી 0.25 %)નું બાષ્પનિસ્યંદન કરતાં બાષ્પશીલ તેલ(નક્કર પદાર્થના 13 %) પ્રાપ્ત થાય છે.

આરંભમાં ખુલ્લું થયેલું કાષ્ઠ સફેદ હોય છે. ત્યારપછી તે પીળા કે આછા બદામી રંગનું બને છે. અંત:કાષ્ઠ (heart wood) સ્પષ્ટ હોતું નથી. તે વિશિષ્ટ વાસરહિત, ચળકતું, કડવું, હલકું (વિ. ગુ. 0.36થી 0.47; વજન 350થી 496 કિગ્રા./ઘમી.), પોચું, લીસું, સમ અને સુરેખ-કલિકામય (even and straight grained), છિદ્રિષ્ઠ, સૂક્ષ્મ ગઠનવાળું અને સડી જાય તેવું હોય છે. તે સહેલાઈથી વહેરી શકાય છે અને તેની મધ્યમસરની લીસી સપાટી બનાવી શકાય છે. તેનું કુદરતી ટકાઉપણું 18 થી 59 માસ સુધીનું હોય છે. ઍસ્કુ કે ક્રિયોસોટની ચિકિત્સા આપવાથી અથવા વહેતા પાણીમાં સંશોષણ (seasoning) કરવાથી તેનું ટકાઉપણું વધે છે.

સાગના કાષ્ઠના ગુણધર્મોના સંદર્ભમાં સપ્તપર્ણીના કાષ્ઠની તુલનાત્મક ઉપયુક્તતા ટકાવારીમાં આ પ્રમાણે છે : વજન 60થી 63; પાટડાનું સામર્થ્ય 49થી 50; પાટડાની દુર્નમ્યતા (stiffness) 55થી 58; થાંભલાની ઉપયુક્તતા 50થી 53; આઘાત અવરોધકક્ષમતા (shock-resisting ability) 34થી 35; આકારની જાળવણી 85થી 93; અપરૂપણ 51થી 60; સપાટીની કઠોરતા 35થી 40; વિપાટનઆંક (splitting-coefficient) 32; સ્ક્રૂની પકડ 61.

કાષ્ઠનો ઉપયોગ પરિવેષ્ટન (packing) માટેનાં ખોખાં, ચાની પેટીઓ, લખવાનાં પાટિયાં, રાચરચીલું, માળખાં (frames), દીવાસળીઓ, પેન્સિલ, બૂચ અને કાગળ-ઉદ્યોગમાં થાય છે. લાકડાના કોલસાનો ઉપયોગ દારૂગોળો બનાવવામાં થાય છે. કાષ્ઠ કડવું હોય છે અને પાણી સાથે ઘસી વા અને વ્રણ પર લગાડવામાં આવે છે. છાલમાંથી રેસો પ્રાપ્ત થાય છે. વનસ્પતિની ભસ્મ ફોલ્લા ફોડવા માટે દાહક (caustic) તરીકે વપરાય છે.

આયુર્વેદ અનુસાર તે કડવી, ઉષ્ણ, અગ્નિદીપક, મદગંધી, તૂરી, સ્નિગ્ધ, સારક, હૃદ્ય અને સુગંધી છે. તે વ્રણ, રક્તદોષ, ત્રિદોષ, કૃમિ, દમ, કોઢ, ગુલ્મ, મૂત્રકૃચ્છ્ર, સાંદ્રમેહ, જ્વર અને શૂળનો નાશ કરે છે.

સપ્તપર્ણીની બીજી જાતિઓમાં Alstonia majrophylla Wall. ex A. Dc. (મેચ-સ્ટિક ટ્રી) અને A. venenata R. Br.નો સમાવેશ થાય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ