સડવેલકર, બાબુરાવ (. 1928, સાવંતવાડી, મહારાષ્ટ્ર) : વૈશ્વિક સ્તરે કીર્તિ પ્રાપ્ત કરી ચૂકેલા ભારતીય ચિત્રકાર. પરિવારનું મૂળ વતન વેંગુર્લા, પરંતુ વ્યાવસાયિક કારણોસર તેમના પિતાએ કાયમ માટે કોલ્હાપુર ખાતે સ્થળાંતર કર્યું. બાબુરાવનું શાળાશિક્ષણ કોલ્હાપુરની રાજારામ હાઈસ્કૂલમાં સંપન્ન થયું. બાળપણથી ચિત્રકલા પ્રત્યે અપાર આકર્ષણ, તેથી પિતાની સંમતિ અને જાણ વગર કલા મહાવિદ્યાલયમાં દાખલ થયા અને ચિત્રકલાના ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ પ્રસ્થાન કર્યું. 1952માં સરકારની શિષ્યવૃત્તિના સહારે પેન્ટિંગ ડિપ્લોમા મેળવ્યો. 1952-53 વર્ષ માટે જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટની ફેલોશિપ મેળવી અને તે જ સંસ્થામાં 1953માં ચિત્રકલાના અધ્યાપક તરીકે દાખલ થયા, જ્યાં 1971 સુધી કાર્યરત રહ્યા. દરમિયાન 1962-63માં ફુલબ્રાઇટ શિષ્યવૃત્તિ મેળવી આધુનિક કલાશિક્ષણ પદ્ધતિના અભ્યાસ માટે અમેરિકા પ્રસ્થાન કર્યું. 1976-86ના દાયકા દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યના કલાસંચાલક-પદ પર કામ કર્યું. વિશ્વનાં ઘણા દેશો અને નગરોમાં આયોજિત કલાપ્રદર્શનોમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું; જેમાં વેનિસ, ટોકિયો, પૅરિસ, મૉસ્કો, બ્રાઝિલના સાવપાવલો, નૈરોબી વગેરેમાં આયોજિત પ્રદર્શનોનો સમાવેશ થાય છે.

બાબુરાવ સડવેલકર

બાબુરાવ સડવેલકરે ચિત્રકલા અંગે ઘણાં સામયિકોમાં લેખ લખ્યા છે અને તે દ્વારા ચિત્રકલા ક્ષેત્રની સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો છે. બૉમ્બે આર્ટ સોસાયટીનાં સો વર્ષના ઇતિહાસનું આલેખન કરતા ‘સ્ટૉરી ઑવ્ અ હન્ડ્રેડ યિઅર્સ’નું સંપાદન સડવેલકરે કર્યું છે. તેમનાં અન્ય પ્રકાશનોમાં ‘વર્તમાન ચિત્રસૂત્ર’ (સ્ફુટ લેખોનો સંગ્રહ  1996), ‘કૉન્ટેમ્પરરી ઇન્ડિયન પેન્ટર્સ’ (1996), ‘મહારાષ્ટ્રાતીલ ચિત્રકલેચા વિકાસ’, ‘ચિત્રકથી પરંપરા’, ‘વાઈ યેથીલ પેશવેકાલીન ભિત્તીચિત્રે’ તથા ‘શ્રીમદ્ ભાગવત ચિત્રપોથી’નો સમાવેશ થાય છે. વળી 1977-80ના ચાર વર્ષ દરમિયાન જે તે વર્ષ માટે તેમણે મહારાષ્ટ્ર સરકારને કલાત્મક દિનદર્શિકા (કૅલેન્ડર) તૈયાર કરી આપેલી, જે ખૂબ લોકપ્રિય બની હતી. મરાઠી વિશ્વકોશના છેલ્લા ત્રણ દાયકા (1975-2006) દરમિયાન તેઓ તેના કલાવિભાગ સાથે સક્રિય રીતે સંકળાયેલા રહ્યા છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘કૉન્ટેમ્પરરી ઇન્ડિયન પેન્ટર્સ’ ગ્રંથમાંનાં તેમનાં સમીક્ષાત્મક લખાણોને  તેમાં ઉમેરવામાં આવેલા ચિત્રસંગ્રહો તથા તેમાં સામેલ કરવામાં આવેલ કલાકારો વિશેના તેમના લેખોને પ્રમાણભૂત ગણવામાં આવે છે.

પુણે ખાતેના નૅશનલ ડિફેન્સ અકાદમી (NDA) માટે ‘કુરુક્ષેત્ર’ અને ‘મુઘલો સાથેનું યુદ્ધ’  આ વિષયો પર 1954માં તેમણે તૈયાર કરી આપેલાં 9.14 x 2.13 મીટર આકારનાં બે જુદાં જુદાં ભિત્તિચિત્રો ભવ્યતા અને કલાત્મકતા માટે ખૂબ પ્રસિદ્ધિ પામ્યાં છે. વળી અમેરિકાના ટૅક્સાસ રાજ્યના બેડફૉર્ડ સ્કૂલ માટે તેમણે તૈયાર કરી આપેલ ‘ઑડિસી ઑવ્ મૅન’ વિષય પરનું 12.19 x 3.05 મીટર આકારનું ચિત્ર પણ પ્રેક્ષકો અને કલાવિદોના આકર્ષણ માટે જાણીતું બન્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે