સક્રિયકૃત આપંક પ્રક્રમ (activated sludge process) : મલિન જળનો નિકાલ કરતાં પહેલાં તેની માવજત કરવાની પદ્ધતિ. મલિન જળની માવજત માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે; જેમાં પ્રાથમિક, દ્વિતીયક અને અંતિમ માવજત-પદ્ધતિઓનો સમાવેશ થાય છે. સક્રિયકૃત આપંક પ્રક્રમ દ્વિતીયક માવજત-પદ્ધતિનો પ્રકાર છે.

આ પ્રક્રમમાં મલિન જળને પ્રાથમિક ઠારણ બાદ હવા-ટાંકીમાંથી પસાર કરવામાં આવે છે; આ ટાંકીમાં ચારથી આઠ કલાક હવા ફૂંકવામાં આવે છે અને યંત્ર દ્વારા હલાવવામાં આવે છે. આમ થવાથી મલિન જળમાં રહેલા સૂક્ષ્મજીવો અત્યંત કાર્યશીલ બની ઝડપથી વિકાસ પામે છે અને મલિન જળમાં રહેલા કણિકામય (colloidal) કાર્બનિક પદાર્થો સાથે પ્રક્રિયા કરે છે. કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મજીવો ભેગા મળી ગઠ્ઠા કે સમૂહ (ફ્લૉક) બનાવે છે. આ સમૂહ સૂક્ષ્મજીવોનો બનેલો જૈવ જથ્થો છે; જેમાં સૂક્ષ્મજીવો એકબીજા સાથે જીવાણુઓમાંથી ઉત્પન્ન થતા ચીકણા પદાર્થોને કારણે જોડાયેલા રહે છે. મલિન જળમાં વિકાસ પામતા અને સમૂહ (ગઠ્ઠો) બનાવતા જીવાણુઓમાં મુખ્યત્વે હેટરોટ્રૉફિક (કાર્બનિક પદાર્થોનું વિઘટન કરી શક્તિ મેળવતા) જીવાણુઓનો સમાવેશ થાય છે. તેમાં મુખ્યત્વે ગ્રામ-ઋણી જીવાણુઓ (Gram Negative Bacteria) જેવા કે ઇશ્ચિરિચિયા, એન્ટરોબૅક્ટર, સ્યૂડોમોનાસ, એક્રોમોબૅક્ટર, ફ્લેવો-બૅક્ટેરિયમ, ઝુગ્લિયા, માઇક્રોકોકસ, આર્થોબૅક્ટર, કોરીનેફૉર્મસ, માઇક્રો-બૅક્ટેરિયા, સ્કેરોટિલસ અને તંતુમય જીવાણુઓ જોવા મળે છે. આ બધા જ જીવાણુઓની સાથે ફૂગ, પ્રજીવો અને રોટીફરનો પણ વિકાસ થાય છે.

હવા-ટાંકીમાંથી મલિન જળને દ્વિતીયક ઠારણટાંકીમાં પસાર કરવામાં આવે છે. અહીં સમૂહ(ફ્લૉક)ને નીચે ઠરવા દેવામાં આવે છે, જેને ફરીથી પ્રાથમિક ઠારણ બાદ પ્રાપ્ત થયેલા મલિન જળમાં ઉમેરવામાં આવે છે અને ફરી હવા ફૂંકવામાં આવે છે, તેથી સમૂહ ઉત્પન્ન થવાની પ્રક્રિયા પહેલાં કરતાં ઓછા સમયમાં પૂરી થાય છે. આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરતાં એવી સ્થિતિ આવે છે, જેમાં નવા મલિન જળનું ખૂબ જ થોડા કલાકમાં સંપૂર્ણ સમૂહન (ફ્લૉક્યુલેશન) થાય છે. આ સમૂહને જ સક્રિયકૃત આપંક કહેવામાં આવે છે. સામાન્ય રીતે પ્રજીવો અને રોટીફર જીવાણુઓનું ભક્ષણ કરીને વિકાસ પામતા હોય છે, પરંતુ જ્યારે સમૂહ બને છે ત્યારે પ્રજીવો કે રોટીફર જીવાણુઓનું ભક્ષણ કરી શકતા નથી.

જો આ સમૂહ ટાંકીને તળિયે ન બેસે તો આ પ્રક્રમમાં કે પદ્ધતિનાં પરિણામો પર વિપરીત અસર થાય છે. આમ થવાનું મુખ્ય કારણ મલિન જળમાં રહેલા તંતુમય જીવાણુઓ અને ફૂગ છે. સ્કેરોટિલસ, બેગિયોટાઆ, થાયૉથ્રિક્સ જેવા તંતુમય જીવાણુઓ અને જિયૉટ્રાઇકમ, સિકાલોસ્પોરિયમ, ક્લેડોસ્પોરિયમ, પેનિસિલિયમ જેવી તંતુમય ફૂગ આવી અસર ઉત્પન્ન કરવામાં મોટો ભાગ ભજવે છે.

દ્વિતીયક ઠારણટાંકીમાંથી ચોખ્ખું પાણી મળે છે, જેનો નિકાલ કરી શકાય છે.

સક્રિયકૃત આપંક પ્રક્રમની કાર્યક્ષમતા ખૂબ જ ઊંચી ગણાય છે, કારણ કે : (1) દ્રાવ્ય ઘન પદાર્થોનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય છે; (2) બાયૉલૉજિકલ ઑક્સિજન ડિમાન્ડ(બી.ઓ.ડી.)નો ખૂબ જ ઘટાડો થાય છે. (બાયૉલૉજિક ઑક્સિજન ડિમાન્ડ માપવાથી પ્રદૂષણની માત્રા નક્કી થાય છે. બી.ઓ.ડી. આંક ઓછો થયેલો સૂચવે છે કે મલિન જળની મલિનતા ઓછી થઈ ગઈ છે.); (3) ખૂબ જ ઓછી ભૂમિભાગની જરૂરિયાત છે; (4) છેલ્લે જે શુદ્ધિ પામેલું મલિન જળ મળે છે તેને મંદ (dilute) કર્યા વિના નિકાલ કરી શકાય છે; (5) આંતરડામાં રોગ ઉત્પન્ન કરતા જીવાણુઓ જેવા કે શીજેલા, સાલ્મોનેલા, ઇશ્ચિરિચિયા કોલિ અને વિષાણુઓ જેવા કે ઍન્ટેરો વાયરસના પ્રમાણમાં ધરમૂળથી ઘટાડો થાય છે.

સક્રિયકૃત આપંક પ્રક્રમ (ઍક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ)

નીલા ઉપાધ્યાય